મંજૂરી વગર જ નવી ફેક્ટરી બને!

અમદાવાદથી ૨૪ કિલોમીટરના અંતરે આવેલા લવાડ ગામે ૨૧,૮૫૩ ચોરસ મીટર વિસ્તારમાં રેડ માઇકા નામે એક રાસાયણિક ફેક્ટરી બનવા જઈ રહી છે. આ ફેક્ટરી પ્રદૂષણના માપદંડમાં ‘એ’ કક્ષાના એટલે કે સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગમાં આવે છે. સનમાઇકા બનાવતી આ ફેક્ટરીમાં સનમાઇકા બનાવવા માટેનાં જરૂરી રસાયણો ફિનોલ ફોર્માલ્ડીહાઇડ રેઝિન, મેલેમાઇન ફોર્માલ્ડીહાઇડ રેઝિન અને યુરિયા ફોર્માલ્ડીહાઇડ રેઝિનનું ઉત્પાદન પણ કરવાની છે. આવા રાસાયણિક ઉદ્યોગમાં નોટિફિકેશનની જોગવાઈઓ મુજબ આ ફેક્ટરી ચાલુ કરવા માટે એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ સાથે વન અને પર્યાવરણ મંત્રાલય કે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી પર્યાવરણીય બાબતોની મંજૂરી મેળવવી જરૂરી છે. આ મંજૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરતાં પહેલાં લઈ લેવી જરૂરી છે. એન્વાયર્નમેન્ટ ક્લીયરન્સ પહેલાં લોકસુનાવણી સહિતની ઘણી પ્રક્રિયા કરવી પડે. જ્યારે અહીં સરકારી બાબુઓ સાથે સેટિંગ થઈ ગયું હોય એમ હજુ તો લોકસુનાવણી પણ નહોતી થઈ તે પહેલાં ફેક્ટરીનું મોટાભાગનું બાંધકામ થઈ ગયું હતું.

પર્યાવરણ માટે કેટલું જોખમ?
આગળના પાસાની સમીક્ષા કરતાં પહેલાં એ જાણી લઈએ કે આ ફેક્ટરી શેનું, કેટલું ઉત્પાદન કરશે અને તે પર્યાવરણ માટે કેટલી જોખમી છે. કંપની અહીં દર મહિને ૭૦૦ મેટ્રિક ટન ફિનોલ ફોર્માલ્ડીહાઇડ રેઝિન, ૭૦૦ મેટ્રિક ટન મેલેમાઇન ફોર્માલ્ડીહાઇડ રેઝિન અને ૫૦૦ મેટ્રિક ટન યુરિયા ફોર્માલ્ડીહાઇડ રેઝિન તેમજ ૩ લાખ લેમિનેટેડ શીટનું ઉત્પાદન કરવાની છે. એવું નથી કે રેડ માઇકા કંપની અહીં માત્ર સનમાઇકા(લેમિનેટેડ શીટ) બનાવશે. અહીં ઉત્પાદિત રેઝિનનો ઉપયોગ લેમિનેટેડ શીટ બનાવવા ઉપરાંત તેનું અલગથી વેચાણ કરવામાં આવશે.

૨૮ ગામોને અસર થશે
ફેક્ટરીમાં વપરાશમાં લેવાતાં રસાયણોનું પ્રમાણ જોઈએ તો દર મહિને ફિનોલ ૬૬૦ મેટ્રિક ટન, ફોર્માલ્ડીહાઇડ ૯૮૦ મેટ્રિક ટન, મિથેનોલ ૧૫૦ મેટ્રિક ટન, કોસ્ટીક ૬ મેટ્રિક ટન, એસેટિક એસિડ ૬ મેટ્રિક ટન, મેલેમાઇન ૨૮૦ મેટ્રિક ટન અને યુરિયા ૨૦૦ મેટ્રિક ટન વપરાશે. ફેક્ટરીમાં રોજનું ૪૬ હજાર લિટર પાણી વપરાશે. ફેક્ટરી રોજ ૧૯ હજાર લિટર કેમિકલવાળું ગંદું પાણી કાઢશે. જે ભૂગર્ભના પાણીને પ્રદૂષિત કરશે. દહેગામના સામાજિક કાર્યકર વીનુભાઈ અમીન આ ફેક્ટરીનો વિરોધ કરી રહ્યા છે. વીનુભાઈ કહે છે, “આ ઉપરાંત કંપની દરરોજનો ૮ મેટ્રિક ટન કોલસાનો ઉપયોગ કરશે. જેના ધુમાડાથી આસપાસનાં ગામોની ખેતીને અસર થશે. કંપનીએ ઘન કચરાનો નિકાલ કરવા કોઈ જોડાણ કર્યું નથી જેથી આ કચરો ગમે ત્યાં નાખવામાં આવશે.

જેનાથી જમીન અને ભૂગર્ભ પાણી બગડશે. રોજનું ૪૬ હજાર લિટર પાણી જમીનમાંથી ખેંચવાથી પાણીનાં તળ ઊંડાં જશે. કંપની રોજ ૧૧ હજાર લિટર કરતાં વધુ કેમિકલવાળા ગંદા પાણીનો બિનકાયદેસર નિકાલ કરશે. જે ભૂગર્ભના પાણીને પ્રદૂષિત કરશે. કંપનીએ કાયદાનો ભંગ કરી પર્યાવરણની મંજૂરી મેળવ્યા વગર જ બાંધકામ કરી દીધું તેથી તેમની પાસેથી નીતિમત્તાની અપેક્ષા રાખી શકાતી નથી. આ પ્રોજેક્ટથી લવાડ ગામ ઉપરાંત આજુબાજુનાં હરખજીના મુવાડા, અમરાભાઈના મુવાડા, પાલુંન્દ્રા, દોલતપુરા, સાંપા, પહાડિયા, લીહોડા, સરગુડી, હીરાતલાવડી. ચાંપાનેરા, વિઠ્ઠલપુરા, વેલપુરા, આંતરોલી સહિતનાં ૨૮ ગામોને પર્યાવરણની વિપરીત અસર થશે.”

‘અભિયાન’ની ટીમ લવાદ ગામે પહોંચી હતી. ગામના જ પૂર્વ સરપંચ સજ્જનસિંહની જમીન પર આ ફેક્ટરી બની રહી છે. ગામલોકોને તો એ પણ ખબર નથી કે શેની ફેક્ટરી બની રહી છે. ગામ રાજપૂતોનું છે અને ગામમાં શરાબના સેવનનું પ્રમાણ ઘણું ઊંચું અને શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું છે. જમીન માલિક સજુભા ફેક્ટરીમાં હાજર હતા અને તેઓ પોતાને ફેક્ટરીના ભાગીદાર ગણાવે છે. સજુભાને પર્યાવરણીય જોખમો અંગે વાત કરતા તેમણે એવો ઉડાઉ જવાબ આપ્યો કે આ વિસ્તારમાં સનમાઇકાની ત્રણ ફેક્ટરીઓ છે. જાવ પહેલાં એ ફેક્ટરીઓથી થતા નુકસાનની માહિતી લઈ આવો. પછી વાત કરીએ.

લોકસુનાવણી ઉદ્યોગગૃહની તરફેણમાં!
લોકસુનાવણીમાં હાજર રહેલા ગાંધિયન સ્વ. ચુનીભાઈ વૈદ્યનાં પુત્રી નીતા મહાદેવ હાજર રહ્યાં હતાં. નીતાબહેન કહે છે, “લોક સુનાવણી ફેક્ટરીની સૂચિત જગ્યાએ થાય. એ જગ્યા પર એક ઇંટનું પણ બાંધકામ થયેલું ન હોવું જોઈએ. એના બદલે સાધનસામગ્રીથી સજ્જ ફેક્ટરી પરિસરમાં થયેલી લોકસુનાવણીમાં તો એવું લાગતું હતું કે જાણે ફેક્ટરીનો ઉદ્ઘાટન સમારોહ હોય. લોકસુનાવણીમાં હાજર હતા તે બધા જ ફેક્ટરીની તરફેણમાં હતા. જોકે સુનાવણીમાં ગામલોકો બહુ નહોતા. બે એક ગામના સરપંચ અને તલાટી સિવાયના લોકોમાં ફેક્ટરીના જ કર્મચારીઓ હતા. લોકસુનાવણીમાં ફેક્ટરી અને પરમિશનની વિગતો માગતો એક સવાલ ઊઠ્યો હતો. પણ તેના જવાબમાં એવું કહેવાયું હતું કે અમે સનમાઇકા બનાવવાની ફેક્ટરી બનાવીશું અને તેના માટે પરમિશનની કોઈ જરૂર નથી. સાંપા ગામના સરપંચે કહ્યું કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી(સીએસઆર)ની રકમમાંથી અમારા ગામમાં વિકાસનાં કાર્યો કરજો. તેના જવાબમાં કલેક્ટરે કહ્યું કે, “હા, પહેલાં કંપની બને, નફો કરતી થાય પછી સીએસઆર માટે પૈસા ફાળવેને?” ગામલોકોને શેની ફેક્ટરી બને છે અને કોણ બનાવે છે તે અંગે કશી ખબર જ નથી.”

પર્યાવરણમિત્ર ગ્રીન ટ્રિબ્યુનલમાં ધા નાખશે
પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી અમદાવાદની સંસ્થા ‘પર્યાવરણ મિત્ર’એ આ ફેક્ટરીની કાયદેસરતા સામે વાંધો ઉઠાવ્યો છે અને તેમણે કલેક્ટરને અરજી કરી છે. તેઓ આ સંસ્થાને ન બનાવવા કટિબદ્ધ છે. પર્યાવરણમિત્ર સંસ્થાના સંયોજક મહેશ પંડ્યા કહે છે, “જો ફેક્ટરીને એન્વાયર્નમેન્ટનું ક્લીયરન્સ મળી જશે તો અમે ગ્રીન ટ્રિબ્યુનલમાં જઈશું. કાયદાની જોગવાઈ મુજબ એ પહેલાં અમે ગ્રીન ટ્રિબ્યુનલમાં જઈ શકતા નથી. સરકાર પર્યાવરણીય સંમતિ આપે તે પછી અમે પર્યાવરણીય સંમતિને પડકારવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જઈશું. અમારી દલીલ એ છે કે કાયદો કહે છે કે એન્વાયર્નમેન્ટનું ક્લીયરન્સ ન મળે ત્યાં સુધી એક ઇંટ પણ મૂકી શકાતી નથી. અહીં તો પર્યાવરણીય સંમતિ વગર આખી ફેક્ટરી ઊભી કરી દેવાઈ છે, સાધનો પણ મૂકી દેવાયાં છે. કોઈ મંજૂરી વગર જ માત્ર સ્વિચ ઑન કરો અનેે ફેક્ટરી ચાલુ થઈ જાય એવું કરી નાખે તે કેવી રીતે ચલાવી લેવાય? ગ્રીન ટ્રિબ્યુનલે મંજૂરી વગર કરેલા બાંધકામ અંગે એક વાર એવો ચુકાદો આપ્યો હતો કે આવું તો ચલાવી જ ન લેવાય. આવાં બાંધકામ થયાં હોય તો તેને ગેરકાયદેસર બાંધકામ ગણીને, દબાણ ગણીને તોડી પાડવાં જોઈએ એવું કહ્યું હતું. અમે રાહ જોઈએ છીએ કે એન્વાયર્નમેન્ટનું ક્લીયરન્સ મળી જાય, એને પડકારીશું અને કૅન્સલ કરાવીશું.”

લોકસુનાવણીથી ફેક્ટરી માટે જરૂરી મંજૂરીઓ મેળવવાનો ક્રમ ચાલુ થાય છે. લોકસુનાવણી થાય, વાંધાઓ ઊઠે, તેની મિનિટ્સ બને, તે એક્સપર્ટ કમિટી સમક્ષ મુકાય, એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એપ્રેઝલ કમિટી અને એક્સપર્ટ એપ્રેઝલ કમિટી આગળ મુકાય પછી આ બંને કમિટી સ્થિતિની સમીક્ષા કરીને કેટલીક શરતોને આધિન મંજૂરી આપે. એ મંજૂરી મળે એ પછી જ બાંધકામ શરૂ કરી શકાય. એ પહેલાં એક ઇંટ પણ મૂકવી કાયદાની વિરુદ્ધ છે. કલેક્ટર સાથે રહીને લોકસુનાવણી કરાવી આપવા સિવાય આટલે સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કોઈ ભૂમિકા નથી આવતી. એ પછી ફેક્ટરીના પ્રકાર પ્રમાણે રાજ્ય કે કેન્દ્રના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકા આવે છે.

પર્યાવરણ મંત્રાલયને રજૂઆત કરાઈ
વીનુભાઈ અમીન કહે છે, “હું સાયન્સ ગ્રેજ્યુએટ છું, કંપનીએ લોકસુનાવણીમાં વહેંચેલી પત્રિકામાં જ લખેલી વિગતોનું મેં અર્થઘટન કર્યું હતું. તે પ્રમાણે કંપની સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરશે જે વર્ષાઋતુમાં પાણી સાથે ભળતા સલ્ફ્યુરિક એસિડ બનાવશે. જે જમીન અને અવકાશને ઝેરી બનાવશે. ફેક્ટરીએ છોડેલા કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનશે, જે લોકોમાં કફ અને શ્વાસની બીમારીઓ પેદા કરશે. ફેક્ટરીએ છોડેલા નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાંથી નાઇટ્રિક એસિડ બનશે. જે હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડથી પણ વધુ ખતરનાક તેજાબ છે. ૮ સપ્ટેમ્બરે લોકસુનાવણી રખાઈ હતી તેમાં એવું કહેવાયું હતું કે આજુબાજુનાં ગામમાં આ ફેક્ટરી અંગેની માહિતી આપતી રિક્ષા ફેરવવામાં આવી હતી. પણ લોકોએ આવી રિક્ષા કદી જોઈ નથી અને તેમને ફેક્ટરી અંગે કંઈ ખબર પણ નથી. લોકોને આજે નહીં,બે-પાંચ વર્ષે ખબર પડશે. પાણીનાં તળ ઊંડાં જશે ત્યારે ખબર પડશે. કંપનીએ રસાયણયુક્ત પાણીને રિચાર્જ કરવાની વાત કરી છે પણ તે કેવી રીતે કરશે તેની કોઈ માહિતી આપી નથી. મેં દિલ્હી પર્યાવરણ વિભાગને અને વડા પ્રધાનને આ ફેક્ટરીને મંજૂરી નહીં આપવાનો પત્ર પણ લખી મોકલ્યો છે.”

અમદાવાદમાં રહેતા રેડ માઇકા ફેક્ટરીના ડાયરેક્ટર જૈનમ અગ્રવાલનો સંપર્ક કર્યો તો તેમણે વ્યસ્તતાનું બહાનું ધરી પર્યાવરણીય મંજૂરી પહેલાં બાંધકામ અને ફેક્ટરીથી થતા પર્યાવરણીય નુકસાન અંગે કશું કહેવાનો ઇનકાર કર્યો હતો.

સનમાઇકાનું ભારતમાં અંદાજિત બજાર રૂ.૫ાંચ લાખ કરોડનું છે. કેટલીક વિદેશી કંપનીઓએ પણ ભારતમાં રોકાણ કર્યું છે. ભારતમાં બર્મા, મલેશિયા, ઇન્ડોનેશિયા, ચીન, વિયેતનામ વગેરે દેશોમાંથી પ્લાયવૂડ આયાત થાય છે. સરકારે પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઉદ્યોગને પ્રોત્સાહન ન આપતા આ વસ્તુઓની આયાતને ઉત્તેજન આપવું જોઈએ. હા, અહીં ઉદ્યોગ અને રોજગારીને પ્રોત્સાહન આપવું જ હોય તો પર્યાવરણને નુકસાન ન થાય એવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. અહીં બટાકાનું કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે કે મગફળી કે એરંડાના તેલની ઓઇલ મિલ બનાવવામાં આવે કે તુવેર દાળની મિલ કે કોટન મિલ બનાવવામાં આવે. જે વિસ્તારમાં જે કાચો માલ તૈયાર થાય ત્યાં જ પાકો માલ બને તેવી યંત્રણા વિકસે તો અહીં પાકતાં ધાન્ય બીજા પ્રદેશોમાં જાય અને ત્યાંથી તેલ પાછું અહીં આવે એવું બિનજરૂરી વ્યવહારચક્ર અટકે. એનાથી પણ પર્યાવરણને રક્ષણ મળે.

You might also like