નવા કોચનો પગાર પ્રતિ દિન રૂ. 2 લાખ, પરંતુ તેણે કામ શું કરવાનું?

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો નવો કોચ કોણ બનશે એ ૧૦ જુલાઈએ ખબર પડી જશે, પરંતુ ટીમ માટે જે સૌથી મોટો સવાલ એ છે કે આખરે કોચનું કામ શું હશે? શું કોચનું કામ વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની કે યુવરાજસિંહની બેટિંગ સુધારવાનું હશે? કે પછી આ ખેલાડીઓને એ બતાવવાનું હશે કે ક્રિકેટ કેવી રીતે રમાય છે. જાણકારોના જણાવ્યા અનુસાર નવા કોચને દર વર્ષે લગભગ આઠ કરોડ રૂપિયા મળશે, એટલે કે પ્રતિ દિન નવા કોચનો પગાર રૂપિયા બે લાખથી પણ વધુ હશે. આ રકમ ઘણી મોટી છે અને એ ભારતની કેટલીય મોટી કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીના પેકેજ બરોબરની છે. લોકોના મનમાં સવાલ એ છે કે આખરે કોચે કામ શું કરવાનું?

અનિલ કુંબલે વિવાદ બાદ ટીમ ઇન્ડિયામાં કોચની ભૂમિકા અંગે હવે વધુ કંઈ નવું કહેવા-સાંભળવાનું રહ્યું નથી. ક્રિકેટના જાણકારો કહે છે કે કોચપદથી કુંબલેનું રાજીનામું એ બધી વાતનું સાક્ષી છે કે ટીમમાં કેપ્ટનને ખુશ રાખવો એ જ કોચનું મુખ્ય કામ છે, કારણ કે કોચ તરીકે કુંબલેની ભાગીદારી કોઈનાથી પણ છૂપી નથી. કુંબલે ટીમના દરેક નિર્ણયમાં પોતાની ભૂમિકા નિભાવતો હતો.

ખેલાડીઓની પસંદગી, પ્લેઇંગ ઈલેવન, મેચ વચ્ચે ૧૨મા ખેલાડી દ્વારા સંદેશ મોકલવો, મેચમાં ટીમની ઊણપોને સામે લાવવી અને તેના પર કામ કરવું. આ બધી કુંબલેની ખાસિયત હતી, પરંતુ કેપ્ટન કોહલીને કોચનો આટલો બધો હસ્તક્ષેપ પસંદ પડ્યો નહીં ને કુંબલેએ રાજીનામું આપી દેવું પડ્યું. હવે આવનારા નવા કોચે પણ કેપ્ટનની ‘હા’માં ‘હા’ કહેવી પડશે, તો જ તે પોતાના બે વર્ષના કાર્યકાળને પૂરો કરી શકશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કોચ અનિલ કુંબલે સાથે અણબનાવ પછી સ્પષ્ટ કરી દીધું હતું કે ટીમને કોચ જોઈએ છે, જે ખેલાડીઓની રીતે ટીમને ચલાવે. હવે નવા કોચને વાર્ષિક લગભગ આઠ કરોડ રૂપિયા મળવાના છે. એટલે કે તેનો પગાર રોજના રૂ. બે લાખથી પણ વધુ હશે.

સ્પષ્ટ છે કે નવો કોચ કોહલીની પસંદનો હશે. અર્થ સમજવો સાવ સહેલો છે કે ટીમ ઇન્ડિયાના નવા કોચ માટે કામ ફક્ત એટલું જ રહેશે કે કેપ્ટનની ‘હા જી હા’ કરવી. ક્રિકેટની રમતમાં કોચનું કદ ભલે ગમે તેટલું મોટું કેમ ના હોય, પરંતુ ટીમમાં તેનું પદ ફક્ત ‘યસ સર…’ કહેવા માત્રનું રહેશે.
http://sambhaavnews.com/

You might also like