જૂનાં વાહનોની નંબર પ્લેટ બદલવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવાશે, કારણ કે…

અમદાવાદ, બુધવાર
રાજ્યભરનાં જૂનાં વાહનોમાં એચએસઆરપી (હાઈ સિકયોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) લગાવવાની મુદત આવતી કાલ ૧પ ફેબ્રુઆરીએ પૂરી થઇ રહી છે. જોકે હજુ પણ રાજ્યભરનાં ૭૦ ટકાથી વધુ જૂનાં વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની કામગીરી બાકી છે, જેના કારણે ફરી એક વાર નંબર પ્લેટ લગાવવાની મુદતમાં વધારો કરી ૩૧ માર્ચ સુધીની સમય મર્યાદા નિયત કરશે. આવતી કાલ સુધીમાં આ અંગેેની સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે તમામ વાહનોમાં હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવાનો આદેશ કર્યો હતો. ૧પ જાન્યુઆરી સુધીમાં આ કામગીરી થઇ શકે તેમ ન હોઇ સરકારે ૧પ ફેબ્રુઆરી સુધીની સમયમર્યાદામાં વધારો કર્યો હતો, પરંતુ આ સમયમર્યાદાનો પણ આવતી કાલે અંતિમ દિવસ છે ત્યારે હજુ પણ ૭૦ ટકાથી વધુ વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની બાકી હોઇ આરટીઓ તંત્રની કામગીરીની ક્ષમતાના પ્રશ્નાર્થ વચ્ચે ફરી એક વાર ૩૧ માર્ચ સુધીની સમયમર્યાદા વધારવાનાં ચક્રો ગતિમાન થયાં છે.

રાજ્યભરમાં અંદાજે બે કરોડ ત્રીસ લાખ જેટલાં વાહનોમાં એચએસઆરપી લગાવવાની કામગીરી ચાલુ છે ત્યારે છેલ્લા બે મહિના દરમિયાન માત્ર રપ લાખ જેટલાં વાહનોમાં નંબર પ્લેટ લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

એકમાત્ર અમદાવાદમાં જો ૧૧ લાખ જેટલાં વાહનોમાં નંબર પ્લેટ લગાવવાનો ટાર્ગેટ પૂરો કરવો હોય તો રોજની ર૦,૦૦૦થી વધુ નંબર પ્લેટ લગાવવી પડે. અમદાવાદ આરટીઓમાં રોજની અંદાજે ૧ર૦૦ જેટલી નંબર પ્લેટ જૂનાં વાહનોમાં લાગે છે. આ જોતાં રાજ્યભરના આરટીઓની પરિસ્થિતિ એકસરખી રહેશે તો સરકાર ગમે તેટલી વાર સમયમર્યાદામાં વધારો કરે તો પણ દિલ્હી દૂર રહેશે.

આજના એક અંદાજ મુજબ શહેરનાં ૮,૬૦,૦૦૦ વાહનો હજુ પણ એચએસઆરપી વગરનાં છે. આ જ ગોકળગતિએ કામ ચાલે તો વધુ ૧ર મહિનાના સમયની જરૂર પડે. જૂનાં-નવાં વાહનોમાં એચએસઆરપી લગાવવા માટે રાજ્યની તમામ આરટીઓમાં સ્ટાફની કમી છે, જેમાં વધારો કરવા છતાં અને સમય પણ સવારના ૧૦-૩૦ના બદલે ૯થી ૬નો કરવા છતાં કોઇ પણ સંજોગોમાં ૩૧ માર્ચ સુધી કામગીરી પૂરી થવાની શક્યતા નથી.

આ અંગે વાહન વ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એચએસઆરપી લગાવવાની કામગીરી ઝડપભેર પૂરી કરાશે, જોકે રાજ્યમાં વાહનોની સંખ્યા વધારે હોઇ નિશ્ચિત સમયગાળામાં આ કામગીરી શકય નહીં હોઇ ૩૧ માર્ચ સુુધીની સમયમર્યાદા વધારવામાં આવશે અને એ સમયમર્યાદામાં કામગીરી પૂરી થાય તે માટે ડિમ્ડ આરટીઓની સંખ્યા વધારવા સહિતની અનેક બાબતો પર ગંભીરતાથી વિચારણા હાથ ધરાશે.

અમદાવાદમાં ૯૦ સહિત રાજ્યભરમાં ૩પ૦થી વધુ એચએસઆરપી નંબર પ્લેટ ફિટ કરવા માટે ડિમ્ડ આરટીઓ ઊભી કરવામાં આવી છે. બીજી તરફ આરટીઓ પાસે પણ જૂનાં વાહનોનો કોઇ ચોક્કસ ડેટા નથી. ૧પ ફેબ્રુઆરીની સમયમર્યાદાનો આવતી કાલે છેલ્લો દિવસ છે ત્યારે વાહનચાલકો નવી નંબર પ્લેટ ફિટ કરવા દોડધામ કરી રહ્યા છે. આ ધસારો જોતાં પણ તંત્ર પાસે કોઇ ઠોસ વ્યવસ્થા નથી. ડિમ્ડ આરટીઓને એચએસઆરપી ફિટ કરવાના હક આપતાં તેઓ વાહન માલિકો પાસેથી વધુ રકમ લેતા હોવાની ફરિયાદમાં વધારો થઇ રહ્યો છે.

એક તબક્કે આરટીઓએ જાહેર કર્યું હતું કે કોઇ પણ વ્યક્તિ એપોઇન્ટમેન્ટ વગર તેનું વાહન આરટીઓમાં લાવીને નંબર પ્લેટ લગાવી શકશેે, પરંતુ તંત્રના અણઘડ વહીવટના કારણે કોઇ પણ વ્યક્તિએ નંબર પ્લેટ માટે આરટીઓના ઓછામાં ઓછા ત્રણથી ચાર ધક્કા ખાવા પડે તેવી વ્યવસ્થાના કારણે છેવટે તેઓને એજન્ટના શરણે જવાની ફરજ પડે છે.

You might also like