ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી એક મહિનો પાછી ઠેલાઈ

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી ભાજપના નવા પ્રદેશ પ્રમુખની અા મહિનામાં જ જાહેરાત થાય તેવી અનેક રાજકીય અટકળો થઈ રહી છે ત્યારે પક્ષના ઉચ્ચસ્તરીય સુત્રોના જણાવ્યા મુજબ એક મહિના બાદ એટલે કે ફેબ્રુઅારીની શરૂઅાતમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે. અામ હાલ પૂરતી તો પ્રદેશ પ્રમુખની વરણી એક મહિનો પાછી ઠેલાઈ હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે ભાજપના કમલમ્ કાર્યાલય ખાતે ફોર લેયર બેન્કોનો અારંભ થઈ રહ્યો છે, જેમાં સવારે દસ કલાકે કોર કમિટીની બેઠક મળશે, તેમાં પક્ષના ટોચના નેતાઓ પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા, સી.એમ. અાનંદીબહેન પટેલ, પક્ષપ્રમુખ અાર.સી. ફળદુ અને પક્ષના મહામંત્રીઓ હાજર રહેશે. ત્યાર બાદ તમામ મોરચાઓના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાશે. લંચ સમય બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને ત્યાર બાદ સાંજે જનરલ ‌િમટિંગ મળશે, જેમાં તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહેશે.

અાગામી વિધાનસભાની ચૂંટણી પહેલાંના સમયના નબળા પડેલા જનાદેશને કવર કરવા ખાસ ભાર અપાશે. સૌપ્રથમ ગ્રાસ રૂટ લેવલને મજબૂત કરાશે, તેના ભાગરૂપે ઈન્ચાર્જ-સહઈન્ચાર્જ, સ્થાનિક-જિલ્લા પ્રમુખો, બુથ કમિટી, ગ્રામ્ય વિસ્તારના સંગઠન, વોર્ડ પ્રમુખો વગેરેની નિમણૂકોને અગ્રતા અપાશે. ઉપરાંત ફેબ્રુઅારી માસમાં યોજાઈ રહેલી ૨૬ નગરપાલિકા અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ સત્તા મેળવે તે માટેનો મુખ્ય એજન્ડા સોમવારની ‌મિટિંગ રહેશે.

સોમવારની બેઠકમાં રાજ્યના જિલ્લા પ્રમુખ-મહામંત્રીઓ, નિરીક્ષકો સહિત પાંચસો કાર્યકરો હાજર રહેશે. પ્રદેશ પ્રમુખની નિમણૂક પહેલાં પક્ષ સંગઠનમાં નવો પ્રાણ ફૂંકશે. તે અંગેની તૈયારીઓને સોમવારે અાખરી ઓપ અપાશે. કમલમ્ ખાતે સાંજે ૫ કલાકે સંગઠન સંરચના અને ભાવિ કાર્યક્રમોની રૂપરેખા અમલી કરાશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી મહદંશે નિરાશાનો માહોલ જોતાં સંગઠનની સંરચના ઝડપભેર જાન્યુઅારી માસમાં પૂર્ણ કરાશે, જેમાં તમામ શહેર-જિલ્લાના નવા પ્રમુખ નિયુક્ત કરવાની તૈયારી થઈ ગઈ હોવાથી તેના સમયપત્રક અને નામોને સોમવારની કાેર કમિટીની બેઠકમાં અાખરી ઓપ અપાયા બાદ તુરત જ જાન્યુઅારી માસના પ્રથમ સપ્તાહે જાહેરાત કરવામાં અાવશે.

જોકે નવા પદાધિકારીઓની નિયુક્તિમાં જ્ઞાતિનાં સમીકરણો વિશેષ ધ્યાને લેવાશે. ભાજપ તરફ મતની ટકાવારી ઘટી છે તે બાબતે પણ સમીક્ષા કરવા ઉપરાંત ભાજપના નેતાઓની પરદા પાછળની ભૂમિકા રહી હોય તો તે નેતા અને કાર્યકરોના નામ સામે અાવે તો શું પગલાં લેવાં તેની વિચારણા પણ બોર્ડ અને કોર કમિટીની બેઠકમાં કરાશે.

You might also like