હવે નવા કનેક્શન સાથે માત્ર રૂપિયા ૧૦૦૦માં ગેસની સગડી પણ મળશે

નવી દિલ્હી: સરકાર હવે નવા ગેસ કનેકશન સાથે માત્ર રૂ. ૧૦૦૦માં ગેસની સગડી પર ઉપલબ્ધ કરાવશે. આ ગેસની સગડી ગેસની એજન્સીના ત્યાં ઉપલબ્ધ બનશે. નવા કનેકશનની સાથે રૂ. ૧૦૦૦નું પેમેન્ટ કરીને ગ્રાહક આ ગેસની સગડી ખરીદી શકશે, જોકે ગ્રાહકો બહારથી પણ ગેસની સગડી ખરીદી શકશે.આમ, ગેસ એજન્સી પાસેથી સગડી ખરીદવી ફરજિયાત નથી.

સરકારે બીપીએલ પરિવાર માટે શરૂ કરેલી ઉજ્જવલા યોજના હેઠળ રૂ. ૯૯૦માં ગેસની સગડી તૈયાર કરાવી છે. ઉજ્જવલા યોજના હેઠળ ગ્રાહકોને આ સગડી આપવામાં આવી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલય હવે સામાન્ય વર્ગના લોકોને એલપીજી કનેક્શન સાથે રૂ. ૯૯૦માં ગેસની સગડી ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે હાલ ગેસની સગડી માત્ર ઉજ્જવલા યોજના હેઠળ ફાળવવામાં આવતા કનેકશનધારકોને આપવામાં આવી રહી છે, પરંતુ હવે આ યોજનાનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેસ એજન્સીઓ નવા એલપીજી કનેક્શન લેવા પર ગેસની સગડી રૂ. ૨૦૦૦થી લઈને રૂ. ૪૦૦૦ સુધીની કિંમત પર ઉપલબ્ધ કરાવે છે.

પેટ્રોલિયમ મંત્રાલયે આ વર્ષે લગભગ ત્રણ કરોડ નવાં કનેકશન આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આમાં ૧.૫ કરોડ કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે અને બાકીનાં ૧.૫ કરોડ કનેકશન જનરલ કેટેગરીના ગ્રાહકોને ફાળવવામાં આવશે.

You might also like