બજેટની નવી દિશાઃ હદયપરિવર્તન કે સુધારેલી ભૂલ?

આખરે સમય આવતાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ વર્ષ ૨૦૧૬-૧૭નું મોદી સરકારનું બજેટ રજૂ કરી દીધું. આગલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ૧૨૫ કરોડ દેશવાસીઓની પરીક્ષામાં હું પાસ થવાનો છું અને નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં બજેટ રજૂ કરતી વેળા શરૂઆતમાં જ શાયરાના અંદાજ સાથે રાજકીય પ્રતિસ્પર્ધીઓ સામે નિશાન સાધતા મક્કમપૂર્વક લલકાર કર્યો હતો કે ગમે તેવા અવરોધો સામે પણ નૈયાને સમંદર પાર કરી બતાવીશું!

અલબત્ત, જેમજેમ નાણામંત્રીનું પ્રવચન આગળ વધતું ગયું તેમ તેમ અનુભૂતિ થતી ગઈ કે આ એક અસામાન્ય બજેટ છે. એટલા માટે નહીં કે તેમાં કોઈ નવી યોજનાઓ હોય, પ્રજાને રાહત આપે એવી જોગવાઈઓ હોય, શેરબજારમાં ઉછાળો આવે એવા નિર્ણયો હોય, પરંતુ આર્થિક ઉદારીકરણની નીતિ ૧૯૯૧માં દાખલ થયા બાદ પ્રથમ વાર એવું લાગ્યું કે દેશ મૂડીવાદ તરફ જે રીતે ઝડપભેર આગળ વધી રહ્યો હતો, તેમાં પરિવર્તનનાં એંધાણ આ બજેટમાં જોવા મળી રહ્યાં છે. વર્ષો પછી જાણે યાદ આવ્યું છે કે આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. વર્ષો પછી એવું લાગ્યું છે કે ચીલાચાલુ વિચારોને બાજુએ મૂકી સમગ્ર અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે કોઈ નવી જ સંજીવની અજમાવવા માટેનો વિચારપૂર્વકનો નિષ્ઠાવાન પ્રયાસ આ બજેટમાં જોવા મળ્યો છે. સફળતા કે નિષ્ફળતા એ આયોજન કરતાં અમલ પર વધારે આધારિત છે, આમ છતાં દેશને પુનઃ સમાજવાદની દિશા તરફ લઈ જવા માટેનાં નિશ્ચયબળ, સાહસ અને કવાયત બદલ નાણામંત્રી, વડા પ્રધાન અને તેમની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.

સામાન્યતઃ વિરોધ પક્ષોની જે ટીકાઓ હોય છે તે ખૂબ ચીલાચાલુ હોય છે. બજેટને ‘દિશાવિહીન’, ‘ખેડૂતવિરોધી’, ‘મધ્યમ વર્ગ માટે કશું નથી’, ‘કોર્પોરેટ જગતને લાભ આપનારું’, જેવાં વિશેષણો આપી ધુત્કારી કાઢવું, એ આપણા રાજનેતાઓની નિવેદનો આપવાની પરંપરા રહી છે. આ વખતે આમાંની એક પણ ટીકા ચાલી શકે તેમ નથી. નાણામંત્રીએ જે મુખ્ય નવ આધારસ્તંભને કેન્દ્રમાં રાખીને બજેટ રજૂ કર્યું છે તેમાં દેશની આજની જરૂરિયાતની સાથેસાથે અર્થતંત્રનીૂ આપણી સમસ્યાઓ ઉપરાંત વૈશ્વિક પરિસ્થિતિને નજર સમક્ષ રાખી એવું સંતુલિત બજેટ આપવાનો પ્રયત્ન કર્યો છે કે એવું લાગે છે કે કદાચ આ દિશા યોગ્ય છે.

મહત્ત્વના નવ મુદ્દાઓમાં કૃષિ ક્ષેત્રની કાયાપલટ, ગ્રામિણ અર્થતંત્રને વેગવાન બનાવવાનો પ્રયાસ, આરોગ્ય સહિત સામાજિક ક્ષેત્રને પ્રાધાન્ય, શિક્ષણ અને કૌશલ્યવર્ધન દ્વારા યુવાવર્ગને ન્યાય, માળખાગત સુવિધાઓ અને મૂડી રોકાણની પ્રાથમિકતા, નાણાકીય વ્યવસ્થાપન, વ્યાપાર-ધંધા માટે સાનુકૂળ વાતાવરણ, અંદાજપત્રીય શિસ્ત અને કરવેરા સુધારાને કેન્દ્રમાં રાખીને નાણામંત્રીએ અર્થતંત્રના કાયાકલ્પની દિશા નિર્ધારિત કરી દીધી છે. ગરીબ, મધ્યમવર્ગ, ખેડૂત, યુવાવર્ગ, મહિલા ઉપરાંત વ્યાપારી અને નોકરિયાત એમ તમામ વર્ગમાંથી કમ સે કમ ફરિયાદો ન આવે તેની કાળજી રખાઈ છે. એટલું જ નહીં, તમામને વિકાસનાં ફળો સ્પર્શે એવી કુનેહ પણ દાખવવામાં આવી છે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે આવું કેમ થયું? જે વડાપ્રધાન અને જે પક્ષ ભૂતકાળની કોંગ્રેસી સરકારો કરતાં પણ વધુ મૂડીવાદ તરફી છાપ ધરાવે છે, મોટા ઉદ્યોગો સ્થાપવાની દિશામાં વધુ સક્રિય રહ્યાં તે જ ભારતના પારંપરિક પરિદૃશ્યને સ્વીકારવા ઉત્સાહિત બન્યા હોય તો તેમાં આશ્ચર્યનું તત્ત્વ પણ છે અને સમજવા માટે જિજ્ઞાસા પણ હોવી જોઈએ.

આ બજેટદર્શનમાં દિશા પરિવર્તનનું કારણ હ્ય્દયપરિવર્તન નહીં, પરંતુ કેટલીક મજબૂરી અને કોઈ પણ ભોગે આગળ વધવાની રાજકીય ઇચ્છાશક્તિ એ બે પરિબળો મહત્ત્વનાં છે. સંસદમાં જમીન સંપાદન અને ય્જી્ બીલ જેવામાં પીછેહઠ પછી કોંગ્રેસ કે વિરોધ પક્ષો સામે ઝૂકવા કરતાં અન્ય વિકલ્પ શોધવાની વડા પ્રધાનની આ કવાયત તેમને અનેરું બળ પૂરું પાડશે તેમાં શંકા નથી. મૂડીરોકાણકારો માટે ખેડૂતનાં હિતનો ભોગ લેવાનું દુઃસાહસ તેમને રાજકીય રીતે અમાપ નુકસાન કરી શકે છે, તેનો અહેસાસ અને પછીથી તેમણે સુધારી લીધેલી ભૂલ પછીનો આ નવો માર્ગ ભલે તેમને વૈશ્વિક સ્તરે વાયદાપાલનમાં પીછેહઠ સાબિત થનારો હોય, છતાં ઘરઆંગણે તેઓ લોકહ્ય્દયમાં આ દિશામાં મજબૂત બનશે અને રાજકીય સ્તરે પણ કેટલાક અપરિપક્વ પ્રતિસ્પર્ધીઓની અનિચ્છનીય કહી શકાય એવી પ્રગતિ પર અંકુશ મેળવી શકશે.

‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો’ આપણા વડેરાઓની સલાહ અમૂલ્ય હોય છે, પરંતુ તેના પર અમલ વીરલાઓ જ કરી શકે છે. દેશ જો મહાત્મા ગાંધીના ‘ગ્રામરાજ્યથી રામરાજ્ય’ના માર્ગને અખત્યાર કરી સમાજના છેવાડાના માનવી સુધી વિકાસનાં ફળો પહોંચાડી શકતો હોય તો બજેટની આ નવી દિશાને અંતકરણપૂર્વક આવકારવી જ રહી.

સુધીર એસ. રાવલ

You might also like