હવે દેવાળિયા અને નાદાર લોકો ચૂંટણી લડી શકશે નહીં

નવી દિલ્હી: સંસદની આચાર સમિતિ (એથિક્સ કમિટી) દ્વારા ઉદ્યોગપતિ વિજય માલ્યાની હકાલપટ્ટી કરવાની ભલામણ બાદ હવે ટૂંક સમયમાં એક નવો કાયદો આવી શકે છે. આ કાયદા અનુસાર દેવાળિયા અને નાદાર બની ચૂકેલા લોકો ચૂંટણી લડી શકશે નહીં.

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ભાજપના સાંસદ ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં નાદારી વિધેયક પર બનેલી એક સંયુક્ત સમિતિએ અયોગ્યતા અને ગેરલાયકાત માટે કેટલીક ભલામણ કરી છે, જેમાં દેવાળિયા બની ચૂકેલા લોકોને કોઈ પણ જાહેર કાર્યાલય કે સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવાની ભલામણનો પણ સમાવેશ થાય છે.

જો આ ભલામણનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવશે તો સંસદના વર્તમાન સત્રમાં આ સુધારેલું વિધેયક રજૂ કરવામાં આવશે. આ વિધેયકની જોગવાઈઓ હેઠળ નાદાર બની ચૂકેલા લોકો સ્થાનિક સંસ્થાઓ, નગર નિગમો, રાજ્ય વિધાનસભાઓ અને સંસદની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરશે અને તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

જોકે બંધારણના અનુચ્છેદ ૧૦૨ (સી) હેઠળ કોઈ પણ નાદાર જાહેર થઈ ચૂકેલી વ્યક્તિને લોકસભા કે રાજ્યસભાના સભ્ય બનવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ કાયદો તેમને આવી મંજૂરી આપશે નહીં. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં ઉદ્યોગપતિઓની સંખ્યા વધી છે અને તેમાંના કેટલાંક પર બેન્કની લોન નહીં ચૂકવવાના આરોપો પણ લાગેલા છે. આ રીતે આચાર સમિતિની એ પણ ભલામણ છે કે દેવાળિયા કે નાદાર (બેંક કરપ્ટ) થઈ ચૂકેલા લોકો પર જાહેર સેવક કે કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટી બનવા પર પણ પ્રતિબંધ મૂકવા આવે.

You might also like