એકસાથે ત્રણ પ્રેસમાં લાખોની સંખ્યામાં નવી નોટો છપાઈ રહી છે

મુંબઈ: રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ની નવી નોટોેની અછતથી લોકોને છુટકારો અપાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ચલણી નોટોના પ્રિન્ટિંગ પ્રેસમાં ઝડપથી નવી નોટો છાપી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ત્રણ પ્રેસમાં એક સાથે નવી નોટો છપાઈ રહી છે. નાસિક પ્રેસમાં દરરોજ ૧.૮૦ કરોડ નોટો છાપવામાં આવી રહી છે, જેમાંથી રૂ. ૫૦૦ની ૩૦ લાખ નોટ છે અને રૂ. ૧૦૦ની એક કરોડ નોટો અને રૂ. ૨૦ની ૫૦ લાખ નોટો છાપવામાં આવી રહી છે. આ ઉપરાંત દેવાસમાં રોજ રૂ. ૫૦૦ની ૯૦ લાખ નવી નોટો છાપવામાં આવી રહી છે ,જ્યારે રિઝર્વ બેન્કના પ્રેસમાં રોજ રૂ. ૨૦૦૦ની ૪૦ લાખ નોટો છપાઈ રહી છે.

નોટબંધી બાદ કેશ માટે લાંબી લાઈનમાં ઊભા રહેતા લોકોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ખાતરી આપી હતી કે કોઈએ ગભરાવવાની જરૂર નથી, કારણ કે નોટોનો પૂરતો સપ્લાય કરવામાં આવી રહ્યો છે અને બેન્કો પાસે પૂરતા પ્રમાણમાં કરન્સી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૮ નવેમ્બરના રોજ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો રદ કરવામાં આવ્યા બાદ દેશભરની બેન્કો અને એટીએમમાંથી લોકો રૂપિયા ઉપાડવા તેમજ નોટો બદલવા માટે લાંબી કતારોમાં ઊભા રહે છે. સરકાર પણ લોકોને રાહત આપવા માટે સમયાંતરે જરૂરી પગલાં ભરી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈએ ગભરાવવાની જરૂર નથી. નોટોનું છાપકામ અને સપ્લાય વધી રહ્યો છે અને બેન્કો પાસે પૂરતા પ્રમાણમાં કરન્સી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કરન્સીને લઈને ચિંતિત ન રહે અને ઘરમાં બિનજરૂરી કરન્સીનો સંઘરો ન કરે.

You might also like