કોંગ્રેસ દ્વારા ‘ઊડ ગઈ વિકાસ કી ચીડિયા’ સૂત્ર લખેલાં 35 લાખ ટી-શર્ટનો ઓર્ડર

નવી દિલ્હી: આગામી દિવસોમાં છત્તીસગઢ સહિત અન્ય કેટલાંક રાજ્યની વિધાનસભા અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે કોંગ્રેસે ભાજપના વિકાસ મોડલ વિરુદ્ધ ટીશર્ટ વોર અભિયાનનો આરંભ કરી દીધો છે. આ માટે કોંગ્રેસે ઉડ ગઈ વિકાસ કી ચીડિયા લખાણવાળાં ૩૫ લાખ ટીશર્ટનો ઓર્ડર આપી દીધો હોવાનું જાણવા મળે છે.

આ માટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આયોજનમાં પાર્ટી તરફથી તેના કાર્યકરોને ઉડ ગઈ વિકાસ કી ચીડિયા લખાણવાળાં એક-એક લાખ ટીશર્ટનું વિતરણ કરવામાં આવશે. આ માટે ૩૫ લાખ ટીશર્ટનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ નવતર પ્રયોગને ભાજપના વિકાસ મોડલને પડકારવા માટે અજમાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હાલ છત્તીસગઢના કોંગ્રેસ કાર્યકરો આવા લખાણવાળાં ટીશર્ટ પહેરીને ફરતા જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં આવાં ટીશર્ટ દેશનાં તમામ રાજ્યમાં ફાળવવામાં આવશે તેમ પાર્ટીનાં સૂત્રો તરફથી જણાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે બનાવેલા આ ટીશર્ટ પીળા અને કાળા રંગનાં છે. તેનો કલર આકર્ષક હોવાથી તેના પર લખાયેલું સૂત્ર પણ લોકો સરળતાથી વાંચી શકે તેમ છે.

છત્તીસગઢમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજ્યની ભાજપ સરકાર સામે કોંગ્રેસે વિકાસ કી ચીડિયાના નામે આ અભિયાન હાથ ધર્યું છે. છત્તીસગઢમાં હાલ ટી સ્ટોલ, પાનની દુકાનો અને રેસ્ટોરાં જેવાં જાહેર સ્થળોએ કોંગ્રેસના કાર્યકરો ઉડ ગઈ વિકાસ કી ચીડિયા લખાણવાળાં ટીશર્ટ પહેરીને ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે કોંગ્રેસનું આ નવું અભિયાન ભાજપ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેવી ગણતરીએ ભાજપના અધ્યક્ષ અમિત શાહ હાલ અનેક રાજ્યમાં રેલી અને સભાનું આયોજન કરી રહ્યા છે.

You might also like