પાક.ને ન્યૂ ક્લિયર રિઅેક્ટર અાપી ચીને ખુદ નિયમો તોડ્યા

નવી દિલ્હી: એક બાજુ જ્યાં ચીન વારંવાર પરમાણુ સંધિની વાત કરતું રહે છે તે ચીને ખુદ તેના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ૨૦૧૦માં એનપીટી (અણુ અપ્રસાર સંધિ) રિવ્યૂ કોન્ફરન્સ દરમિયાન મુકાયેલા પ્રસ્તાવનું ઉલ્લંઘન કરતા ચીને પાકિસ્તાનને ન્યૂ ક્લિયર રિઅેક્ટર અાપ્યા હતા. પરમાણુ અપ્રસારની વૈશ્વિક સંસ્થા અાર્મ્સ કંટ્રોલ એસોસિયેશન (એસીઅે) અે પોતાના રિપોર્ટમાં ચીનના અા પગલાંને અેનપીટીનું ઉલ્લંખન ગણાવ્યું છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે એક એવા દેશ (પાકિસ્તાન)ને અા રિઅેક્ટર્સ અાપવા જે અાંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સી દ્વારા નક્કી કરેલા માપદંડો હેઠળ અાવતી નથી તે એનપીટીની જોગવાઈઅોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. અા પહેલાં ચીને એનપીટીની વાત કરીને અેનઅેસજીમાં સામેલ થવાની ભારતની કોશિશો પર પાણી ફેરવી દીધું હતું. ચીને કહ્યું હતું કે જે દેશ એનપીટીમાં સામેલ નથી તેને એનએસજીમાં સામેલ કરીને પરમાણુ અપ્રસારની કોશિશોને ધક્કો લાગશે. એનપીટીની જાહેરાત ૧૯૭૦માં થઈ હતી.

અત્યાર સુધી ૧૮૭ દેશોઅે તેની પર સાઈન કરી છે. તેની પર સાઈન કરનારા દેશ ભવિષ્યમાં પરમાણુ હથિયાર વિકસાવી નહીં શકે. જો કે તેઅો શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તેની દેખરેખ અાંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી રાખશે.
રિઅેક્ટર માટે પાકિસ્તાન સાથે કરાયેલા કરાર એનપીટીના અે સહમતિ પત્રની જોગવાઈઅોનું ઉલ્લંઘન કરે છે જેમાં કહેવાયું હતું કે જે પણ દેશ સાથે પરમાણુ પદાર્થોની ડિલ કરવામાં અાવશે તેણે અાંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી દ્વારા નક્કી કરાયેલા માપદંડોને માનવા પડશે. તેમાં એક એ પણ છે કે તે દેશે કાયદાકીય રીતે વૈશ્વિક માપદંડોને પણ માનવા પડશે જેમાં કહેવાયું છે કે અા પરમાણુ પદાર્થોનો ઉપયોગ પરમાણુ હથિયારો બનાવવામાં કરવામાં નહીં અાવે. પાકિસ્તાન અા માપદંડોને માનતું નથી.

ભારતે એનપીટી પર હસ્તાક્ષર કર્યા ન હતા અને ચીને અા મુદ્દો ઉઠાવીને એનએસજીમાં ભારતની સદસ્યતા અટકાવી હતી. તેની અે અસર થઈ કે એનએસજીના સભ્ય બનવાની ભારતની કોશિશો પર પાણી ફરી વળ્યું. ભારત હજુ પણ ચીન સાથે અે મુદ્દે વાતચીત કરવા ઇચ્છે છે અને તેને અાશા છે કે ચીનનું વલણ બદલાશે.

You might also like