એ.કે જોતિને બનાવાયા દેશનાં મુખ્ય ચૂંટણી કમિશ્નર

નવી દિલ્હી : ગુજરાતના ઓફિસરોનો કેન્દ્રમાં દબદબો છે તે વાત ફરીથી સિદ્ધ થઇ છે, કારણ કે મોદી સરકારે ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર અચલકુમાર જોતિ- એ.કે.જોતિને ભારતના ચીફ ઇલેક્શન ઓફિસર એટલે કે સીઇસી બનાવ્યા છે. હાલ તેઓ ભારતના ચૂંટણી પંચમાં બીજાસ્થાને કમિશનરની ફરજો બજાવે છે. એ.કે.જોતિ આગામી 6ઠ્ઠી જુલાઇએ તેમના નવા પદનો ચાર્જ સંભાળશે. તેમના માથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જવાબદારી આવી છે, એ ઉપરાંત તેઓ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પણ મહત્વની ભૂમિકા અદા કરશે.

જોતિ સમયગાળો 23મી જાન્યુઆરી 2018 સુધીનો છે અને તેઓ નસીમ ઝેદીના પુરોગામી બનશે. ભારતના ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ 65 વર્ષ સુધી ભોગવી શકાય છે પરંતુ જોતિ હાલ 64 વર્ષના છે તેથી તેમનો ટેન્યોર જાન્યુઆરી 2018 સુધીનો રહેશે. હાલ બે કમિશનરમાં બીજાસ્થાને ઓમપ્રકાશ રાવત ફરજ બજાવે છે.

1975ની બેચના અધિકારી જોતિએ ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેવાં કે રેવન્યુ, ઉદ્યોગ, પાણી પુરવઠા તેમજ સરદાર સરોવર નર્મદા નિગમમાં ચેરમેન તરીકે કામ કર્યું છે. તેઓ 1999 થી 2004 સુધી કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન રહી ચૂક્યાં છે. તેઓ જ્યારે 1લી જાન્યુઆરી 2010 થી 31મી જાન્યુઆરી 2013માં ચીફ સેક્રેટરી હતા ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન હતું.

તેઓ જ્યારે આ સર્વોચ્ચ પદ પરથી નિવૃત્ત થયા ત્યારે મોદીએ તેમને ગુજરાતના વિઝિલન્સ કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા પરંતુ ત્યારબાદ નવી દિલ્હીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને ગયા ત્યારે તેમણે તેમની નિયુક્તિ ભારતના ચૂંટણી પંચમાં કમિશનર તરીકે કરી હતી. હવે તેઓને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવી દેવામાં આવ્યા છે.

You might also like