કોહલીને ‘વિરાટ’ ઝટકોઃ IPLમાં ડિવિલિયર્સ RCBનો નવો કેપ્ટન?

આરસીબીની ટીમ ‘ઘર કે સારે બલ્બ બદલ ડાલૂંગા’ની સ્થિતિમાં દેખાઈ રહી છે

બેંગલુરુઃ ક્રિકેટની દુનિયામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે અને એ સમાચાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ચાહકોને નિરાશ કરી શકે છે.

ગત આઇપીએલ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેનારા અને પછી આઇપીએલ માટે ઉપલબ્ધ રહેવાની જાહેરાત કરનારાે એ. બી. ડિવિલિયર્સ આઇપીએલની આગામી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)નો કેપ્ટન બને તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આરસીબી ટીમ મેનેજમેન્ટે ગેરી કર્સ્ટનને ડેનિયલ વિટોરીના સાથે નવો કોચ બનાવી દીધો છે.

આરસીબીની ટીમ ‘ઘર કે સારે બલ્બ બદલ ડાલૂંગા’ની સ્થિતિમાં દેખાઈ રહી છે. એ જ કારણ છે કે ઘણાં વર્ષથી ટીમનો કોચ રહેલો ડેનિયલ વિટોરી અને તેના સ્ટાફની સેવાઓ સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાને કોચિંગ સ્ટાફમાં સ્થાન આપવામાં આવ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એવા સમાચારો મળી રહ્યા છે કે આરસીબી મેનેજમેન્ટે વિરાટ કોહલીના સ્થાને ડિવિલિયર્સને કેપ્ટન બનાવી દેવાનો નિર્ણય કરી લીધો છે.

સૂત્રો અનુસાર ગત સિઝનમાં વધુ એક ખરાબ પ્રદર્શન બાદ આરસીબીએ કોહલીને કેપ્ટનપદેથી હટાવીને ડિવિલિયર્સને ટીમની કમાન સોંપવાનો નિર્ણય કર્યો હતો. ડિવિલિયર્સ આઇપીએલની આખી સિઝન માટે ઉપલબ્ધ રહેવાનો છે, કારણ કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

વાસ્તવમાં કોહલી માટે આ એક ‘વિરાટ’ ઝટકા સમાન છે. આની પાછળનું કારણ એક જ છે કે આરસીબી મેનેજમેન્ટ ટીમને એક નવી નજરથી જોવા માગે છે.

ઘણાં વર્ષની કોશિશો છતાં વિરાટ કોહલી આરસીબી ટીમને ખિતાબ અપાવવામાં નિષ્ફળ રહ્યો છે. આ ઉપરાંત નવા કોચ તરીકે નિમાયેલો ગેરી કર્સ્ટન અને ડિવિલિયર્સ બંને દક્ષિણ આફ્રિકાના છે. આથી તેઓ સારો તાલમેલ બેસાડી શકે તેમ છે.

You might also like