ધો. ૧૦-૧૨નાં નવાં પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને ત્રણ માસ પહેલાં મળી જશે

અમદાવાદ: રાજ્યમાં વર્ષ ૨૦૧૭થી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રથી ધો. ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના પાઠ્યપુસ્તકો ત્રણ મહિના એડ્વાન્સમાં એટલે કે માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓને મળતાં થઇ જશે તેવો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે દાવો કર્યો છે.

ધો. ૧૦ અને ૧૨માં ગણિત અને વિજ્ઞાન તેમજ કમ્પ્યૂટર સિવાયના કુલ ૪૧ વિષયનાં પાઠ્યપુસ્તકો બદલાશે. આ અંગે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક પ્રમુખ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે તમામ પુસ્તકો માર્ચમાં બજારમાં ઉપલબ્ધ થઇ શકે તેના માટે ઓનલાઇન બુકિંગનો પ્રયોગ કરાયો છે. ધો. ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પદ્ધતિ દૂર થવાના કારણે મેડિકલ અને પ્રવેશ માટે નીટ ફરજિયાત હોવાથી સીબીએસસી અને ગુજરાત શિક્ષણ બોર્ડનો અભ્યાસક્રમનો તફાવત દૂર કરી દેવાયો છે. ધો. ૯ અને ૧૧નાં પુસ્તકો ગત વર્ષે બદલાયાં હતાં.

આ વર્ષે ધો. ૧૨નાં જાડાં પુસ્તકોને ભાગ-૧ અને ૨ તરીકે રજૂ કરાશે તેમજ પુરવણી પુસ્તિકા મુખ્ય પુસ્તકમાં ભેળવી દેવાશે. રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કુલ ૧૮૮ શાળા વિકાસ સંકુલની રચના કરાઇ છે. સંકુલ દીઠ સમાયેલી તમામ શાળાઓ વતી ઓનલાઇન પુસ્તકોના ઓર્ડર ૩૧ જાન્યુઆરી સુધીમાં ફરજિયાત મૂકી દેવાનાં રહેશે. ધો. ૧૨ વાણિજ્ય પ્રવાહમાં નામાનાં મૂળ તત્ત્વો, વાણિજ્ય વ્યવહાર અને સંચાલન, સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને અર્થશાસ્ત્રી સહિત પાંચ વિષયોનો અભ્યાસક્રમ બદલાયો છે, જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, અંગ્રેજી, રાજ્યશાસ્ત્ર, સંગીત, શારીરિક સ્વાસ્થ્ય અને વાચનમાળા સહિતનાં તમામ પુસ્તકો બદલાયાં છે.

નવો અભ્યાસક્રમ ધરાવતા તમામ ૪૧ પાઠ્યપુસ્તકોનાં કવર પેજ વિષય આધારિત બનાવાયાં છે. જે તે પુસ્તકનાં અભ્યાસક્રમને પ્રગટ કરતું કવર પેજ નવા પુસ્તકોનું હશે.

You might also like