મ્યુનિ. ભાજપમાં નવા પ્રભારી નિમાશે?

અમદાવાદ: ભાજપ શાસિત મ્યુનિ.  કોર્પો.માં મોટા ભાગના પ્રોજેક્ટો કે કામોની ગાડી હાઇકમાન્ડની લીલીઝંડી મેળવ્યા બાદ પાટા પર ચઢે છે. ટોચના હોદ્દેદારોને હંમેશાં પ્રભારીની દિશામાં નજર તાકવી પડે છે. પ્રભારીની સંમતિ પ્રાપ્ત કરીને અમદાવાદને ‘લવેબલ એન્ડ લિવેબલ’ બનાવવાની દિશામાં શાસકો એક ડગલું ભરી શકે છે, જોકે કેટલાક સમયથી મ્યુનિ. ભાજપમાં નવા પ્રભારી નિમાશે તેવી અટકળો થઇ રહી છે.

ભાજપના ઉપાધ્યક્ષ ઉપરાંત પ્રદેશ પ્રવક્તાની જવાબદારી સંભાળી ચૂકેલા આઇ.કે. જાડેજા લાંબા સમયથી મ્યુનિ. ભાજપના પ્રભારીની ફરજ નિભાવે છે, પરંતુ પ્રદેશ પ્રવક્તાપદે ભરત પંડ્યાની થયેલી નિમણૂક તેમજ હાર્દિક પટેલના સંદર્ભમાં તેમણે કરેલા ટ્વિટ વગેરે બાબતોથી ભાજપ હાઇકમાન્ડ નવા પ્રભારીની શોધમાં હોવાની ચર્ચા ઊઠી છે.

મ્યુનિ. ભાજપના કેટલાક ટોચના હોદ્દેદારો નામ ન છાપવાની શરતે કહે છે કે દર મંગળવારે યોજાતી ‘મંગળવારી’માં હવે પક્ષના નેતા બિપિન સિક્કા નેતૃત્વ કરી રહ્યા છે. છેલ્લી ચાર મંગળવારી પૈકી એક મંગળવારી બિપિન સિક્કાની ગેરહાજરીથી થઇ શકી ન હતી, પરંતુ બિપિન સિક્કાનો મંગળવારીમાં સિક્કો ચાલે અને પ્રભારી સતત ગેરહાજર રહે તેનો સામાન્ય અર્થ એવો નીકળે કે ગાંધીનગર સ્તરેથી કંઇક રંધાઇ રહ્યું છે.

સંગઠનમાં જે પ્રકારે વ્યાપક ફેરફાર કરાયા અને રાકેશ શાહની જગ્યાએ જગદીશ પંચાલ નવા શહેર પ્રમુખ બન્યા તેને જોતાં તથા ભાજપ પ્રભારીની દિશામાં પણ અંદરખાનેથી હિલચાલ થતી હોય તેમ લાગે છે, જોકે હજુ નવા પ્રભારીના નામની તો અટકળો જ થઇ રહી છે. અલબત્ત કોર્પો.માં વહીવટલક્ષી કામગીરી પર બાજનજર રાખતાં ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલનો ‘દબદબો’ શાસક પક્ષમાં યથાવત્ છે. ભાજપમાં સુરેન્દ્ર પટેલનું વહીવટલક્ષી પ્રભારીનું મહત્ત્વ લેશમાત્ર ઓછું થયું નથી તેમ પણ આ ટોચના હોદ્દેદારો ‘ખાનગી’માં સ્વીકારે છે.

You might also like