સરકાર આતંકવાદને ક્યારેય સાંખી લેશે નહીં: રાજનાથસિંહ

નવી દિલ્હી : સંસદ પર આતંકી હુમલાની વરસી નિમિત્તે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે જણાવ્યું હતું કે મોદી સરકારનું વલણ આતંકવાદને સહેજ પણ સાંખી લેવાનું નથી. રાજનાથસિંહે સંસદ પર હુમલાની ૧૪મી વરસી નિમિત્તે સંસદની સુરક્ષા કરતા પોતાનું સર્વસ્વ ગુમાવી દેનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સિંહે પોતાના સંદેશમાં જણાવ્યું કે અમારી સરકારે આતંકવાદને ક્યારેય સાંખી નહીં લેવાનું વલણ અપનાવ્યું છે. અમે ભારતને વધુ સુરક્ષિત દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

૧૪ વર્ષ અગાઉ સંસદ પર હુમલાને નિષ્ફળ બનાવવાના પ્રયાસમાં પોતાનું બલિદાન આપનારા લોકોને શ્રદ્ધાંજલિ આપતા ગૃહમંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્ર તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલશે નહીં. તેમણે કહ્યું, “હું અપ્રતિમ બહાદુરી અને સાહસ દર્શાવનારા આ વીર સુરક્ષાકર્મીઓને સલામ કરું છું. દેશ તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલશે નહીં.”

૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા ભારતીય સંસદ પર થયેલા હુમલાની આજે ૧૪મી વરસી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી, પૂર્વ પીએમ મનમોહન સિંહ અને સોનિયા ગાંધી સહિતના સાંસદો તથા નેતાઓએ આ હુમલાના શહીદોને શ્રદ્ઘાંજલી આપી હતી. ૧૪ વર્ષ અગાઉ એમ્બેસેડર કારમાં ધસી આવેલા પાંચ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરુ કર્યો હતો.

તેઓના આ ગોળીબારમાં દિલ્હી પોલીસના ૬ જવાનો સહિત કુલ ૯ જણા શહીદ થયા હતા, જયારે ૧૫ જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે સુરક્ષા જવાનોએ મોર્ચો સંભાળ્યા બાદ તમામ પાંચેય આતંકવાદીઓને ઠાર માયિ હતા. આતંકવાદીઓ કારમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હથિયારો લઈને ધસી આવ્યા હતા. તેઓ સાંસદોને બંધક બનાવવા માંગતા.

જોકે સંસદના બંને ગૃહો સ્થગિત થયેલા હોવાને કારણે પીએમ અટલ બિહારી વાજપેયી અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિત ઘણા નેતાઓ પોતાના નિવાસ સ્થાને જવા નીકળી ગયા હતા. જોકે આ સમયે તે સમયના ગૃહમંત્રી લાલ કૃષ્ણ અડવાણી તેમના સાથી મંત્રીઓ તથા ૨૦૦ જેટલા સાંસદો સંસદ ભવનમાં જ હતા. જોકે સુરક્ષા કર્મીઓએ તમામ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

વડાપ્રધાન મોદી ઉપરાંત લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી, રાજ્યસભાના ઉપસભાપતિ પી. જે. કુરિયને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સંસદ પર હુમલાની ૧૪મી વરસી નિમિત્તે સંસદ ભવન સંકુલમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ, આનંદ શર્મા અને ભાજપા સાંસદ સત્યનારાયણ જટિયા પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદી શહીદોના પરિવારજનોને પણ મળ્યા હતા. સાંસદોએ શહીદોના માનમાં મૌન પણ પાળ્યું હતું.

You might also like