વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મોત થયાનો બ્રિટીશ વેબસાઈટનો દાવો

લંડન : નેતાજી સુભાષચંદ્ર બોઝ રહસ્યમય રીતે લાપતા થયા તેનો ભેદ ઉકેલવાના પ્રયાસ રૂપે બ્રિટનની એક વેબસાઈટે કેટલાક કહેવાતા સાક્ષીઓના નિવેદન જાહેર કર્યા છે જેને લીધે એવું લાગે છે કે આ સ્વતંત્રતા સેનાનીનું તાઈવાનમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. પાંચ સાક્ષીઓના હવાલાથી એ બાબતને પૂરવાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ૧૮ ઓગસ્ટ,૧૯૪૫ના રોજ તાઈપેઈમાં વિમાનીમથકના બહારના વિસ્તારમાં વિમાન દુર્ઘટનામાં ઈન્ડિયન નેશનલ આર્મીના સ્થાપકનું મૃત્યુ થયું હતું.

આ સાક્ષીઓમાં નેતાજીના એક નીકટના સહયોગી, બે જાપાની ડોક્ટર, એક દુભાષિયો અને એક તાઈવાની નર્સનો સમાવેશ થાય છે. બલ્યુડબલ્યુડબલ્યુડોટબોઝફાઈલ્સડોટઈન્ફોએ એક નિવેદનમાં જણાવ્યું છે,’ આ વાતને લઈને પાંચેયમાં કોઈ મતભેદ નથી કે ૧૮ ઓગસ્ટ,૧૯૪૫ની રાત્રે બોઝનું મૃત્યુ થયું હતું.’બોઝના સહાયક કર્મચારી કર્નલ હબીબુર રહેમાને આ ઘટનાના છ દિવસ બાદ ૨૪ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ એક લેખિત અને હસ્તલિખિત નિવેદન આપ્યું હતું.

જેમાં બોઝ દ્વારા તેમને કહેવામાં આવેલા છેલ્લા શબ્દોને સમર્થન મળે છે. દુર્ઘટનાના દિવસે રહેમાન બોઝની સાથે જ હતા પરંતુ તેઓ બચી ગયા હતા. રહેમાનના નિવેદનમાં જણાવાયું છે,’મૃત્યુ પહેલા તેમણે (બોઝે) મને કહ્યું હતું કે તેમનો અંત નજીક છે અને તેમણે મને તેમના તરફથી આ સંદેશો દેશવાસીઓને આપવા કહ્યું હતું, હું ભારતની આઝાદી માટે છેલ્લા શ્વાસ સુધી લડ્યો અને હવે હું તે જ પ્રયાસમાં મારું જીવન છોડી રહ્યો છું. જ્યાં સુધી દેશ આઝાદ ન થઈ જાય ત્યાં સુધી દેશવાસીઓ આઝાદીની લડત ચાલુ રાખે. આઝાદ હિંદ ઝિંદાબાદ.’

સપ્ટેમ્બર,૧૯૪૫માં પોલીસ અધિકારીઓ ફિનલી અને ડેવિસની આગેવાનીમાં બે ભારતીય ગુપ્તચર ટીમો તપાસ માટે બેંગકોક,સાઈગોન અને તાઈપેઈ ગઈ. આ ટીમો એવા તારણ પર પહોંચી હતી કે બોઝનું મૃત્યુ વિમાન અકસ્માતને લીધે થયું હતું. ટીમોનેએચ કે રોય અને કે પી ડેની પણ મદદ લીધી હતી. તેમને જાપાની સધર્ન આર્મીના ચીફ ઓફ સ્ટાફ તરફથી હિકારી કિકાનને મોકલવામાં આવેલા એક ટેલિગ્રામની નકલ પણ મળી હતી. હિકારી કિકાન એક એવું એકમ હતું.

જે જાપાન સરકાર અને બોઝની ‘વચગાળાની સ્વતંત્ર ભારત સરકાર’ વચ્ચે સંપર્ક સેતુ તરીકે કામ કરતું હતું. ૨૦ ઓગસ્ટ, ૧૯૪૫ના આ તારમાં બોઝ માટે ‘ટી’ શબ્દનો ઉપયોગ કરતાં લખાયું છે,’ ૧૮ તારીખે ‘ટી’ રાજધાની (ટોકિયો) પરત ફરતી વખતે તાઈહોકુ(તાઈપેઈનું જાપાની નામ)માં પોતાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાને લીધે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તે જ દિવસે મધરાતે તેમનું મૃત્યુ થઈ ગયું.’

You might also like