નેતાજીના પૌત્ર ચંદ્રકુમાર બોઝ ભાજપમાં જોડાયા

હાવડા : નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝ આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપના ફરીથી અધ્યક્ષ બનેલા અમિત શાહની હાવડામાં યોજાયેલી રેલી દરમ્યાન ચંદ્રકુમાર પક્ષમાં જોડાયા હતાં. વડાપ્રદાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નેતાજીની ૧૧૯ની જયંતીએ તેમના સંબંધિત ૧૦૦ ડિજિટલ ફાઈલો જાહેર કરાઈ તેના બે દિવસ બાદ ચંદ્રકુમાર ભાજપમાં જોડાયા છે. ચંદ્રકુમારે મોદી સરકારના આ પગલાંને આવકાર્યું હતું.

ફાઈલો જાહેર કરવાની બાબતે ચંદ્રકુમાર અગાઉ ઘણી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓ નેતાજીની બાબતે પરિવારના સત્તાવાર પ્રવકતા છે. માહિતી મુજબ તેમને પશ્ચિમ બંગાલ વિધાનસભા ચૂંટણીમાં પક્ષના ઉમેદવાર બનાવાય તેવી શકયતા છે. આ અંગેના સવાલના જવાબમાં ચંદ્રકુમારે જણાવ્યું હતું કે ચૂંટણી લડવા અંગેનો નિર્ણય પક્ષે કરવાનો છે. તેમણે કોંગ્રેસના શાસનકાળ દરમ્યાન કેટલીક ફાઈલોનો નાશ કરાયો હોવાનાં પણ આક્ષેપ કર્યો હતો.

તેને આધારે જ તેમણે મોદી સરકારને રશિયા, જર્મની, બ્રિટન અને અમેરિકાથી નેતાજી સંબંધિત ફાઈલો જાહેર કરાવવાનો અનુરોધ કરવા જણાવ્યું હતું. દરમ્યાન, રેલીમાં મળતા સરકાર પર પ્રહારો કરતાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતુ કે, બંગાળમાં માત્ર ચિટફંડનો ઉદ્યોગ જ વિકસી રહ્યો છે. રાજય રાષ્ટ્રવિરોધી તત્વોનું સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે. જયાં નકલી ચલણનો કારોબાર ફેલાતો  રહ્યો છે. રાજયમાં આગામી થોડાક મહિનામાં વિધાનસભા ચૂંટમી યોજાવાની છે

You might also like