નેટ ન્યુટ્રાલિટીઃ ભારતનો જડબાંતોડ જવાબ

ભારતમાં હમણાંહમણાં નેટ ન્યુટ્રાલિટી શબ્દ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. નેટ ન્યુટ્રાલિટી એટલે કે નેટવર્ક ન્યુટ્રાલિટીનો સૌથી સરળ અર્થ ઈન્ટરનેટની આઝાદી એવો થાય. જેમાં ઈન્ટરનેટનો વપરાશ કરનાર વ્યક્તિ કોઈ પણ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની તરફથી કોઈ જાતનાં બંધન કે મર્યાદાઓ વિના ઈન્ટરનેટનો વપરાશ કરી શકે છે. જોકે આ સેવા પર ફ્રી ઈન્ટરનેટ સર્વિસના નામે ટેલિકોમ અને ઈન્ટરનેટ જાયન્ટ કંપનીઓએ તરાપ મારવાનો મનસૂબો ઘડ્યો હતો. આ માટે ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં તરફેણ અને વિરુદ્ધમાં જનમત યુદ્ધ પણ ચાલી રહ્યું હતું. આખરે ભારતની સંદેશાવ્યવહાર નિયામક પ્રાધીકરણ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ જનમતની તરફેણમાં ચુકાદો આપીને કંપનીઓના મેલા મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. નેટ ન્યુટ્રાલિટી શું છે અને તેનાથી કોને ફાયદો અને કોને નુકસાન થઈ શકે તે અંગે સમજવું ખાસ જરૂરી છે.

ભારતમાં નેટ ન્યુટ્રાલિટી
ભારતમાં નેટ ન્યુટ્રાલિટી અંગેના કાયદા, નિયમો કે વિસ્તૃત સમજૂતીનો જોઈએ તેટલો પ્રસાર નહોતો એટલે ટેલિકોમ કંપની એરટેલે નેટ ન્યુટ્રાલિટી પર સૌથી પહેલો ભારતમાં પ્રહાર કર્યો. એરટેલે ડિસેમ્બર,૨૦૧૪માં એવો નિર્ણય જાહેર કર્યો કે તેમના ઈન્ટરનેટ માધ્યમથી વપરાતી સ્કાઇપ, વૉટ્સએપ કૉલ, ફેસબુક કૉલ કે પછી આઈમો જેવી વોઈસ કૉલ સેવા મેળવવા માટે ગ્રાહકોને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે, કારણ કે આ બધી નિઃશુલ્ક સેવાઓના કારણે તેમની ટેલિકોમ સેવાઓ પર અસર પડતી હતી. વૉટ્સએપ કે સ્કાઈપ પર મફતમાં વાત થઈ જતી હોવાથી લોકો સામાન્ય કૉલ પર વાત ન કરે તે દેખીતું છે. એરટેલના આ નિર્ણયથી જ લોકોને નેટ ન્યુટ્રાલિટી અંગે જાણ થઈ અને તેનાથી થનારા સંભવિત ફાયદા- નુકસાન અંગે જાણવા ઉત્સુક બન્યા. જો કે ત્યારે ભારતમાં નેટ ન્યુટ્રાલિટી અંગે કોઈ ચોક્કસ કાયદો ન હોવાથી એરટેલનું આ પગલું નેટ ન્યુટ્રાલિટી વિરુદ્ધ હશે પરંતુ કાયદા વિરુદ્ધનું નહોતું.

આ વિવાદ વચ્ચે જ ફેસબુકે ભારતમાં રિલાયન્સ નેટવર્કની મદદથી internet.orgની શરૂઆત કરી. ફેસબુકનો મત એવો હતો કે internet.orgના માધ્યમથી તેઓ વિકાસશીલ તેમજ અવિકસિત દેશોમાં મફત ઈન્ટરનેટની સેવા આપી શકે. જોકે આ મફત અપાતી ઈન્ટરનેટ સેવામાં સીમિત વેબસાઈટ્સનો જ સમાવેશ કરાયો હતો. કઈ વેબસાઈટને આ યાદીમાં સમાવિષ્ટ કરવી તેનો હક ફેસબુકને હતો તેથી ઘણાં વિરોધ બાદ ફેસબુકેinternet.orgના માધ્યમથી પ્રતિક્રિયા આપી કે આ સેવાના કેટલાંક નિયમો પરિપૂર્ણ કરતી હોય તેવી સાઈટ્સને ફ્રી વેબસાઈટની યાદીમાં સમાવવામાં આવશે. ઈન્ટરનેટ જગતમાં આ પગલાંના ઘણાં ઘેરા પ્રત્યાઘાત પડતાં ફેસબુકેinternet.orgને પડતી મૂકવી પડી હતી. જોકે સપ્ટેમ્બર,૨૦૧૫માંં ફ્રી બેઝિક્સ નામે ફેસબુક દ્વારા ફરીથી તેને પ્રમોટ કરવામાં આવી અને ફેસબુકના દરેક યુઝર્સને ફ્રી બેઝિક્સની તરફેણમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. જેથી ભારતમાં આ સેવા શરૃ કરવા માટે ટ્રાઈ સમક્ષ ફેસબુક પોતાનો મજબૂત પક્ષ રજૂ કરી શકે.

જોકે શરૃઆતથી આ મામલે સક્રિય ન જણાતી ટ્રાઈએ પછીથી દેશભરનાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓ પાસેથી બે વાર સૂચનો અને તેમની ઇચ્છા દર્શાવતાં અભિપ્રાયો મંગાવ્યા હતા. આ દરમિયાન ભારતના ૭૦૦થી પણ વધુ ઊભરતા સ્ટાર્ટ-અપે પણ ટ્રાઈને નેટ ન્યુટ્રાલિટી તરફ વિચારવા માટે પિટિશન કરી હતી. પિટિશન કરનાર એક સ્ટાર્ટ-અપ ‘વેલ્ધી’ના સંચાલક નિસર્ગ ગાંધી કહે છે કે, “જો નેટ ન્યુટ્રાલિટીના અધિકાર છિનવાઈ જશે તો અમારે અમારી પ્રોડક્ટ પ્રમોટ કરવા ટેલિકોમ કંપનીઓને પણ ચોક્કસ રકમ ચૂકવવી પડશે અને તેમના નિયમો અનુસરવા પડશે. આવું ન થાય અને બધાને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનો સમાન હક મળે તે માટે અમે આ પિટિશન ફાઈલ કરી છે.”

આ મામલે સોશિયલ મીડિયામાં પણ નેટ ન્યુટ્રાલિટીની વિરુદ્ધમાં અને તરફેણમાં યુદ્ધ ચાલ્યું હતું અને મુદ્દો કેટલાક દિવસો સુધી સતત ચર્ચામાં રહ્યો હતો. આ તમામ પરિસ્થિતિના કારણે ૮ ફેબ્રુઆરી,૨૦૧૬ના રોજ ટ્રાઈએ અંતે જાહેર કર્યું કે, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સે ડેટા રેટ કે ડેટા યુસેજ બાબતે થતા ભેદભાવથી દૂર રહેવું. ટ્રાઈનું આ પગલું નેટ ન્યુટ્રાલિટી સુવિધાને મજબૂત કરતું હતું. ટ્રાઈએ નેટ ન્યુટ્રાલિટીના પક્ષમાં ચુકાદો આપતાં પોતાની મહત્ત્વાકાંક્ષી યોજના ફ્રી બેઝિક્સ મુદ્દે ફેસબુકને ભારતમાં પછડાટ ખાવી પડી છે.

આ જ રીતે એરટેલની ‘એરટેલ ઝીરો’ પ્લાનની વિગતો બહાર આવી હતી. આ પ્લાન હેઠળ એરટેલ કંપનીનું ઈન્ટરનેટ વાપરતા ગ્રાહકો કેટલીક વેબસાઈટ અને એપ્લિકેશન કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વિના ઉપયોગ કરી શકે. જેમાં સો-દોઢસો જેટલી વેબસાઈટ-એપ્લિકેશનની યાદી આપવામાં આવી હતી. જો યુઝર આ વેબસાઈટ પર જાય તો તેનો ચાર્જ એરટેલ કંપની ચૂકવે. આ સિવાયની કોઈ વેબસાઈટ કે એપ્લિકેશન વાપરવા માટે તમારે નિયત ડેટાચાર્જ ચૂકવવો પડે. દેખીતી રીતે તો આ લાભદાયક વાત હતી, પરંતુ તેમાં વપરાશકર્તાઓના સર્ફિંગ પર પરોક્ષ રીતે મર્યાદા મુકાતી હતી. ફ્રી સેવા મળવાની લાલચે ગ્રાહક નિયત વેબસાઈટનો ઉપયોગ જ કરશે. કોઈ વેબસાઈટને ફ્રી સેવામાં જોડાવા ટેલિકોમ કંપની સાથે અમુક કરાર કરવાના અને ચોક્કસ રકમ આપવી પડે તેવું પણ બને. આ વ્યવસ્થા નવોદિત વેબસાઈટ અને સ્ટાર્ટ-અપ માટે ખતરારૃપ હતી. શરૃઆતમાં ઓછી આવકના કારણે તેઓ સર્વિસ પ્રોવાઈડર સાથે કોઈ સાંઠગાંઠ ન કરી શકે અને પરિણામે તેનો ઈચ્છિત વિકાસ ન થાય.

નેટ ન્યુટ્રાલિટી પર તરાપથી શું નુકસાન?
નેટ ન્યુટ્રાલિટી પર તરાપ મારવામાં આવે તો સૌથી મોટો ખતરો ડિજિટલ કૉલોનાઇઝેશન ઊભું થવાનો છે. જેમાં તમે દેખીતી રીતે તો સ્વતંત્ર છો, પરંતુ ઈન્ટરનેટ સંબંધી સેવાઓના વપરાશમાં તમે જરા પણ સ્વતંત્ર નથી. જેમાં ઈન્ટરનેટ આપનાર કંપની નક્કી કરશે કે તમને કઈ વેબસાઈટ ઉપર કેટલી ઝડપથી એક્સેસ આપવો. જેમ કે, તમારી સર્વિસ પ્રોવાઈડર કંપનીની સાંઠગાંઠ એમેઝોન સાથે હશે તો તમે ફ્લિપકાર્ટ કે બીજી કોઈ હરીફ કંપનીની વેબસાઈટ ઓપન કરશો તો તે અત્યંત ધીરેધીરે ખૂલશે. આથી કંટાળીને તમે એમેઝોન પરથી ખરીદી કરવા મજબૂર બનશો.

નેટ ન્યુટ્રાલિટીના કારણે સૌથી મોટો ફટકો નવા આંત્રપ્રિન્યોર તેમજ નવા સ્ટાર્ટ-અપને પણ થશે. વેબસાઈટ કે એપ્લિકેશનને પ્રમોટ કરવા તેમણે તમામ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને પૈસા ચૂકવવા પડે તેવું પણ બને અથવા તો તેમના જ ક્ષેત્રની જાયન્ટ કંપનીઓએ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને પૈસા ચૂકવી દીધા હોય તો તેમની વેબસાઈટ કે એપ્લિકેશન ઓપન કરતાંકરતાં યુઝર્સ કંટાળી જાય એવું પણ બને. ટૂંકમાં, નેટ ન્યુટ્રાલિટી હટાવાય તો ઈન્ટરનેટ જગતની મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જાય તેવી મહત્તમ શક્યતા રહેલી છે.

ફ્રી ઈન્ટરનેટથી કોને ફાયદો ?
નેટ ન્યુટ્રાલિટીને હટાવાય અને ફ્રી ઈન્ટરનેટ જેવી સુવિધાઓ અમલી બને તો તેનો ફાયદો વિદ્યાર્થીઓ અને ઈન્ટરનેટનો સીમિત ઉપયોગ કરનાર લોકોને છે. નેટ ન્યુટ્રાલિટીના અભાવે ફ્રી બેઝિક્સ જેવી સેવાઓ અસ્તિત્વમાં આવશે. જેના કારણે ઈન્ટરનેટ પરની અમુક વેબસાઈટ અને એપ્લિકેશન વિનામૂલ્યે એક્સેસ કરી શકાશે. ઈન્ટરનેટનો વપરાશ કરવો જે વર્ગ માટે મુશ્કેલ છે, તેઓને ફ્રી બેઝિક્સ જેવી સુવિધાથી ફાયદો થઈ શકે તેમ છે.

ફ્રી બેઝિક્સનો મુખ્ય ધ્યેય ભારત જેવા દેશોમાં મહત્તમ લોકોને ફ્રી ઈન્ટરનેટ સુવિધા આપવાનો હોય તો ફ્રી સાઈટ્સની સુવિધા શા માટે? જો આવો જ ઉમદા હેતુ હોય તો ફ્રી ડેટા આપવો જોઈએ. જેથી યુઝર તેના માટે જરૃરી વેબસાઈટ સર્ફ કરી શકે. ફ્રીમાં વપરાશ કરવા મળતી વેબસાઈટ એક વ્યક્તિ માટે ઉપયોગી હોય અને અન્ય વ્યક્તિ માટે ઉપયોગી ન હોય તેવું પણ બને. નેટ ન્યુટ્રાલિટીના કારણે જ ફેસબુક કે ગૂગલ જેવી સેવાઓ આજે વિશ્વને ઉપયોગી થઈ રહી છે. જો નેટ ન્યુટ્રાલિટીનો અભાવ હશે તો માત્ર મોટી કંપનીઓ જ સફળ ઈન્ટરનેટ સેવાઓ આપવા સક્ષમ હશે અને નવા સાહસિકો માટે તો ડિજિટલ ગુલામીની અવસ્થા રહેશે.

ચિંતન રાવલ

You might also like