ફોર્મની ફી ભરવા નેટ બેન્કિંગ કર્યું અને ખાતામાંથી નાણાં ઉપડી ગયાં

અમદાવાદ: અાજકાલ ઇન્ટરનેટ બેન્કિંગનો લોકો વધુ ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેનો દુરુપયોગ પણ એટલો જ થઈ રહ્યો છે. બોડકદેવ વિસ્તારમાં રહેતી એક મહિલાને અજાણી વ્યક્તિઅે ફોન કરી નોકરી માટે તમારો બાયોડેટા સિલેક્ટ થયો છે અને તેના માટે તમારે વેબસાઈટ પર એક ફોર્મ ભરવાનું રહેશે, જેના માટે ૧૦૦ રૂપિયા અોનલાઈન ચાર્જ લાગશે અને અા ૧૦૦ રૂપિયા તમને રિફંડ પણ અાપવામાં અાવશે.

મહિલાઅે વેબસાઈટ ખોલીને નેટ બેન્કિંગ દ્વારા ૧૦૦ રૂપિયા ભરવા પ્રોસેસ કરી હતી. દરમિયાનમાં અચાનક જ વેબસાઈટ બંધ થઈ ગઈ અને થોડા સમયમાં એકાઉન્ટમાં તપાસ કરતાં મહિલાના ખાતામાંથી રૂ. ૧.૪૧ લાખ ઉપડી ગયા છે.

મહિલાઅે અા અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. બોડકદેવ વિસ્તારમાં અાવેલા રાજતિલક રોહાઉસમાં નિધિકૌર હરપ્રીતસિંહ અરોરા (ઉં. વ. ૨૯) તેમના પરિવાર સાથે રહે છે. તેમના પતિ પ્લાયવુડમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે.

૩૦ નવેમ્બરના રોજ અજાણ્યા નંબર પરથી ફોન અાવ્યો હતો કે નોકરી માટે તમારો બાયોડેટા સિલેક્ટ કરવામાં અાવ્યો છે અને તેના માટે તમારે www.naukrisearch.co.in નામની વેબસાઈટ પર ફોર્મ ભરવાનું રહેશે, જેના માટે ૧૦૦ રૂપિયા અોનલાઈન ચાર્જ લાગશે અને ૧૦૦ રૂપિયા તમને રિફંડ અાપવામાં અાવશે.

નિધિકૌરે અજાણી વ્યક્તિના વિશ્વાસમાં અાવી જઇ વેબસાઈટ ખોલીને ફોર્મ ભર્યું હતું. ફી ભરવા માટે એસબીઅાઈનું અોનલાઈન નેટ બેન્કિંગ કરવા લોગ ઇન કર્યું હતું અને પેમેન્ટ અોપ્શન પર ક્લિક કરતાં એક પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી. પ્રોસેસ બાદ તેમના મોબાઈલ નંબર પર પે વર્લ્ડ મની તરફથી બે વે‌િરફિકેશન કોડ અાવ્યા હતા અને અચાનક જ વેબસાઈટ બંધ થઈ ગઈ હતી. કંઈ ગરબડ લાગતાં તરત જ નિધિકૌરે એકાઉન્ટ બેલેન્સ તપાસતાં બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યાં હતાં અને રૂ ૧.૪૧ લાખ ઉપડી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે અા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like