ચીન સાથેના હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટની ડીલ રદ કરતું નેપાળ

કાઠમંડુ: નેપાળને પોતાના તરફ કરવાના ચીનના પ્રયાસોને મોટો ફટકો લાગ્યો છે, જેમાં નેપાળ સરકારે બુધી ગંડાકી નદી પર બનાવવામાં આવતા હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ અંગેનો ચાઈનીઝ કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે.

નેપાળના નાયબ વડા પ્રધાન કમલ થાપાએ ગઈ કાલે ટિ્વટ કરી આ અંગે માહિતી આપી હતી અને હવે આ કોન્ટ્રાક્ટ ભારતીય કંપનીને મળે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. થાપાએ ટિવટ કર્યું હતું કે કેબિનેટે ગેચોઉબા ગ્રૂપ સાથે બુધી ગંડાકી નદી પર બનનારા હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને રદ કરી દીધો છે, જોકે આ અંગે જ્યારે ચીનને પ્રતિક્રિયા આપવા જણાવાયું ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે આ અંગે તેમની પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. નેપાળ અને ચીન વચ્ચેના સંબંધો ઘણા સારા છે.

બીજી તરફ એવી વાત બહાર આવી છે કે હવે આ પ્રોજેક્ટ ભારતીય કંપની એનએચપીસીને મળી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળ સરકારે ચીનની કંપની સાથે આ પ્રોજેક્ટ અંગે ડીલ કરી હતી. ત્યારબાદ જ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના વન બેલ્ટ વન રોડના સમર્થનની વાત કરવામાં આવી હતી.

You might also like