નેપાળની ઓલી સરકાર રાજકીય સંકટમાંઃ પ્રચંડ પીએમ બની શકે છે

કાઠમંડુઃ નેપાળમાં વડા પ્રધાન ખડકપ્રસાદ શર્મા ઓલીના નેતૃત્વવાળી સાત મહિના જૂની સરકાર રાજકીય સંકટમાં ઘેરાઈ ગઈ છે. ઓલી જે ગઠબંધનની બહુમતીના આધારે વડા પ્રધાન બન્યા છે તેમાં એકાએક અપસેટ સર્જાતાં રાજકીય કટોકટી ઊભી થઈ છે. ઓલીને વડા પ્રધાનપદ છોડી દેવાની નોટિસ મળી ચૂકી છે. એક નવું ગઠબંધન સંપૂર્ણ બહુમતી સાથે સરકાર રચવા આગળ આવ્યું છે.

પુષ્પકમલ દહાલ ‘પ્રચંડ’ની યુનિફાઈડ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ (માઓવાદી) આ ગઠબંધનમાં બીજા નંબરનું સૌથી મોટું ઘટક જૂથ છે. બુધવારે પ્રચંડે વડા પ્રધાન ઓલીની મુલાકાત લીધી હતી અને તેમને પોતાના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થવા જણાવ્યું હતું. નેપાળી કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ છે અને ગૃહમાં સૌથી મોટો રાજકીય પક્ષ છે. પ્રચંડે જણાવ્યું છે કે નેપાળી કોંગ્રેસે તેમને ટેકો આપવાની ખાતરી આપી છે.

આ સરકારમાં પ્રચંડના પક્ષ યુસીપીએન (એમ) અને ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ- યુનિફાઈડ માર્કસિસ્ટ લેનનિસ્ટ (સીપીએમ-યુએમએલ) વચ્ચેની તિરાડ હવે વધુ પહોળી થઈ ગઈ છે. આ સ્થિતિની અસર સંસદમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની રાહ જોવાઈ રહી છે.

You might also like