જૂના પાડોશી બાળકને રમાડવા લઇ ગયા અને અપહરણની ગેરસમજ થઇ

અમદાવાદ: શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ હરિપુરા-ભાઇપુરામાં રહેતા એક ત્રણ વર્ષના બાળકને જૂના પાડોશી રમાડવા લઇ ગયા અને ગેરસમજને કારણે અપહરણ થયું હોવાની જાણ થતાં ખોખરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. ખોખરા પોલીસે આ અપહરણ મામલે ફરિયાદ નોંધાવતાં આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી છે.

ખોખરા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. દિનેશસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ શહેરનાં હાટકેશ્વર-ભાઇપુરામાં સારિકા અબ્દુલ રહીમ બંગાળી નામની મહિલા તેના ત્રણ વર્ષના પુત્ર, પતિ અને ૧૧ વર્ષની ભાણી સાથે રહે છે. સારિકા અને તેનો પરિવાર અગાઉ વટવા ચાર માળિયા ખાતે રહેતો હતો. વટવામાં તેઓ રહેતાં હતાં ત્યારે તેઓના પાડોશી સંજયભાઇ ભોલાભાઇ શ્રીમાળીના પરિચિતની દુકાનેથી તેઓએ ટીવી, ફ્રીજ વગેરે હપ્તેથી ખરીદ્યાં હતાં.

હપ્તા સ્કીમની વસ્તુઓ લેતા સંજયભાઇ વચ્ચે ગેરન્ટર તરીકે રહ્યા હતા. પાંચ મહિના અગાઉ સારિકા અને તેના પરિવારે વટવામાંથી મકાન ખાલી કરી દીધું હતું. હપ્તેથી લીધેલી વસ્તુના હપ્તા પણ ભરવાના બંધ કરી દીધા હતા. જેથી દુકાન માલિકે સંજયભાઇ પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી. ગેરન્ટર તરીકે રહ્યા હોઇ તેઓને પૈસાની ચૂકવણી કરવાની થતાં તેઓએ સારિકાને શોધવાનો પ્રયત્ન કરતાં ભાઇપુરામાં રહેતા હોવાની જાણ થતાં સંજયભાઇ તેમની પત્ની મમતાદેવી સાથે તેઓના ઘરે ગયા હતા. પરંતુ સારિકા અને તેના પતિ મળ્યાં ન હતાં. ઘરે ભાણી અને ત્રણ વર્ષનો પુત્ર હતો. દરમ્યાનમાં ત્રણ વર્ષનું બાળક સંજયભાઇને ઓળખી જતાં સાથે રમવા આવવાની જીદ કરતા તેઓ તેને લઇ ગયા હતા.

સારિકા સાંજના સમયે ઘરે પરત ફરતાં તેઓની ભાણીએ સંજયભાઇ અને તેની પત્ની તેના પુત્રને લઇ ગયા હોવાનું જણાવતાં હપ્તાના પૈસા માગતા હોવાથી તેઓના પુત્રનું અપહરણ કરી લઇ ગયા હોવાની શંકાને લઇ તેણે પોલીસને જાણ કરી હતી. જેથી ખોખરા પોલીસ તાત્કાલીક દોડી આવી હતી અને વટવાથી બાળકને મુક્ત કરાવ્યું હતું. આરોપીઓની પૂછપરછ કરતાં માત્ર રમાડવા લઇ ગયા હતા અને અપહરણની ગેરસમજ ઊભી થઇ હોવાનું જણાવ્યું હતું.

You might also like