પાડોશીઓને અદલાબદલી થયાની ૪૧ વર્ષે ખબર પડી

કેનેડાના એક ગામના બે યુવાનોને ૪૧ વર્ષે ખબર પડી કે સરકારી હોસ્પિટલમાં જન્મ થયા પછી તેમની અદલાબદલી થઇ ગઇ હતી. તેઓ ૪૧ વર્ષે સુધી સાથે ઉછર્યા. ગયા વર્ષે તે જ ગામમાં આવી એક ઘટના બનતા તેમને પણ શંકા ગઇ. એટલે શંકાનું સમાધાન કરવા ડીએનએ ટેસ્ટ કરાવ્યો.

ડીએનએ ટેસ્ટનું પરિણામ આવ્યા પછી તો તેમણે શું પ્રતિભાવ આપવો તે પણ સમજ પડતી ન હતી. તેઓ આટલાં વર્ષો સુધી એકબીજા સાથે રહ્યા અને ઉછર્યા પરંતુ હવે નવા ઘરમાં જવું કે જૂના ઘરે જ રહેવું તે અંગે ભારે વિમાસણમાં મુકાઇ ગયા છે. કેનેડાના માનીતોબા ગામના નોર્વે હાઉસ ઇન્ડિયન હોસ્પિટલમાં લિયોન સ્વેન્સન અને ડેવિડ ટેટ વર્ષ ૧૯૭૫માં ત્રણ દિવસના અંતરે જન્મ્યા હતા. તેમનું કહેવું છે કે એક જ ગામમાં હોવાથી અને તેમનો દેખાવ અને વર્તન માતાપિતાથી જુદાં હોવાથી તેમને શંકા તો હતી પરંતુ ચોક્કસપણે કંઇ કહી શકતા ન હતા.

જોકે, ગત વર્ષે આ જ હોસ્પિટલમાં આવો એક કેસ બહાર આવ્યો. તે કેસમાં પણ ડીએનએ ટેસ્ટ પછી ખબર પડી કે પાંચ દિવસના અંતરે જન્મેલી બે છોકરીઓની અદલાબદલી થઇ ગઇ હતી. તેમને સરકારે આ ભૂલ બદલ વળતર પણ આપ્યું. તે કેસ પછી લિયોન અને ડેવિડે પણ ડીએનએ ટેસ્ટ કરવા માટે અરજી કરી હતી.

બંને યુવાનો કહે છે, “આ હકીકત તેમના માટે ભારે આંચકાજનક છે, પરંતુ તેઓ તેમના અત્યારનાં માતાપિતાને પણ તેટલું જ સન્માન આપશે અને સારા સંબંધ રાખશે.” જોકે, આ પ્રકારની બે ઘટના બહાર આવતા સરકારે પણ તપાસ આદરી છે અને પગલાં લેવાની વાત કરી છે.

You might also like