નહેરુનગર સેટેલાઇટ રોડ પરનાં પાંચ ઘેઘૂર ઝાડનું ચૂપચાપ નિકંદન

અમદાવાદ: નહેરુનગરથી ઝાંસીના સ્ટેચ્યુ સુધીના મુખ્ય રસ્તા પર અવેલાં ૧પ વર્ષ જૂનાં પાંચ ઝાડનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અરધી રાત્રે નિકંદન કાઢી નાખતાં આસપાસના રહીશોમાં રોષની લાગણી ફેલાઇ છે. રસ્તા પરના આ ઘેઘૂર ઝાડ ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યાં હોવાનું જણાવીને તંત્રએ રાત્રે બે વાગ્યે ચુપચાપ ઝાડ હટાવવાની કામગીરી આટોપી લીધી હતી.

સવારે શરૂ થયેલા ટ્રાફિક દરમ્યાન વૃક્ષોનાં સ્થાને બેરિકેટ જોઇને લોકોમાં નારાજગી સાથે આશ્ચર્ય ફેલાયું હતું. આ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની બગીચા વિભાગના ઇન્ચાર્જ જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે કુલ પાંચ ઝાડ મૂળમાંથી કાઢી લેવામાં આવ્યાં છે. ઝાડની ઉંમર ૧પ વર્ષની હતી. આ ઝાડનું રિપ્લાન્ટેશન કરાશે કે કેમ તેના જવાબમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઝાડ રિ પ્લાન્ટ થઇ શકે તેવા નહોતાં.

આ રસ્તા પર ત્રણ લીમડાનાં ઝાડ હતાં જે લીલાંછમ અને ઘેઘૂર હતાં. સ્થાનિક રહીશ રજનીભાઇ શાહે જણાવ્યું હતું કે રિપ્લાન્ટેશનની પદ્ધતિનો યોગ્ય રીતે અમલ કરાતો નથી. તેના કારણે ગોળ ગોળ જવાબો આપી કારણો આપી ઝાડનું નિકંદન કઢાયું. આ ઝાડ ટ્રિમ પણ કરી શકાયાં હોત. આ રોડ આગળ જતા હજુ પણ બે થી ત્રણ ઝાડ રસ્તા પર આવી શકે છે. પરંતુ ટ્રિમિંગના ઓઠા હેઠળ તેનું પણ નિકંદન કાઢી નખાય તેવી પણ શક્યતા છે. આ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઇ તેમાં વૃક્ષો નડતાં હોવાથી તેને હટાવવાની કામગીરી તંત્રના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગે હાથ કરી હતી.

You might also like