મોદી પેન્ટ પહેરતાં પણ નહોતા શીખ્યા ત્યારે નહેરુ-ઈન્દિરાએ ફોજ બનાવી હતી: કમલનાથ

લોકસભા ચૂંટણીમાં ભાજપના એ દાવા પર મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે આકરા શબ્દોમાં હુમલો કર્યો છે, જેમાં ભાજપ એવો દાવો કરતો રહ્યો છે કે, દેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથોમાં સુરક્ષિત છે. સીએમ કમલનાથે પીએમ મોદી પર સીધું નિશાન તાકીને જણાવ્યું હતું કે, જ્યારે તેમણે (મોદીએ) પાયજામો અને પેન્ટ પહેરવાનું પણ શીખ્યું ન હતું ત્યારે પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ આ દેશની ફોજ (સેના), એરફોર્સ અને નેવી બનાવ્યા હતા.

સીએમ કમલનાથે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના હરસુદમાં એક ચૂંટણી રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, મોદીજી તમે દેશની સુરક્ષાની વાતો કરો છે. શું પાંચ વર્ષ પહેલાં (મોદી વડા પ્રધાન બન્યા તે પહેલાં) દેશ સુરક્ષિત હાથોમાં નહોતો? તેમણે વધુમાં કહ્યું કે, મોદીજી જ્યારે તમે પાયજામો અને પેન્ટ પહેરતા પણ શીખ્યા નહોતા, ત્યારે જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ આ દેશની ફોજ (સેના) બનાવી હતી, એરફોર્સ બનાવી હતી, નેવી બનાવી હતી અને આપ કહો છો કે, દેશ તમારા હાથમાં સુરક્ષિત છે.

ભાજપ પર પ્રહાર કરતા કમલનાથે જણાવ્યું કે, સૌથી વધુ આતંકી હુમલા કોની સરકારમાં થયા? કોના કાર્યકાળમાં થયા? કોની સરકાર હતી જ્યારે સંસદ પર આતંકી હુમલો થયો હતો? ભાજપની સરકાર હતી અને આંકડા દર્શાવે છે કે, સૌથી વધુ આતંકી હુમલા જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હોય છે ત્યારે જ થાય છે.

કમલનાથે કહ્યું કે, મોદી કહે છે કે, કરોડો યુવાનોને રોજગાર આપશું. કેટલા યુવાનોને રોજગાર મળ્યો છે? આજે પણ યુવાનો રોજગાર માટે ભટકી રહ્યા છે. મોદી કહે છે કે, અચ્છે દિન આયેંગે. કોના સારા દિવસો આવ્યા? મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીએ નાના વેપારીઓની કમર તોડી નાખી છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન કમલનાથ છિંદવાડા વિધાનસભા અને તેમના પુત્ર નકુલનાથ છિંદવાડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારના રૂપમાં ચૂંટણી મેદાનમાં છે. મધ્યપ્રદેશની રાજનીતિમાં પહેલી વખત પિતા અને પુત્ર એક જ જિલ્લામાંથી, એક જ પક્ષમાંથી લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.

કમલનાથ મુખ્યપ્રધાન બન્યા ત્યારબાદ છિંદવાડાથી ચૂંટાયેલા ધારાસભ્ય દીપક સક્સેનાએ કમલનાથ માટે રાજીનામું આપી દીધું હતું. હવે છિંદવાડા વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી થઈ રહી છે. કમલનાથ આ અગાઉ નવ વખત છિંદવાડા લોકસભા બેઠકથી ચૂંટાયા છે. ૧૭ ડિસેમ્બરે તેમણે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા.

લોકસભા ચૂંટમી માટે ચોથા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલે થવાનું છે, જ્યારે મધ્યપ્રદેશ માટે આ પહેલો તબક્કો હશે. એ દિવસે જ મધ્યપ્રદેશની ૬ લોકસભા બેઠકો સીધી, શહડોલ, જબલપુર, મણ્ડલા, બાલાઘાટ અને છિંદવાડામાં મતદાન
થવાનું છે.

You might also like