નેગેટિવિટી જ મારી તાકાત બની છે

સફળતા મળી જાય પછી ઘણી વખત તમારી અંદર રહેલી નેગેટિવિટી સુષુપ્તાવસ્થામાં ચાલી જાય છે. કંઈક નવું કરવાનું જોમ, ઉમંગ અને ઉત્સાહ દિલની અંદર સતત જીવંત રહેતો હોય છે. પોતાની જાત સાથેનો વિશ્વાસ તમારી સૌથી મોટી તાકાત બની જાય છે. કોઈ આગળ વધતું જ રહે તો તેની તાકાત ઓછી કરવામાં કે એની હિંમત તૂટી જાય એવા પ્રયત્નો કરનારાઓની પણ કંઈ કમી નથી હોતી. જે સારું થતું હોય તેનાં વખાણ કરવાને બદલે શું ખૂટે છે તેની વાતો કરવામાં પોતાના જ લોકો કોઈ નાનપ નથી અનુભવતા હોતા. હકીકત એ હોય છે કે આગળ વધી રહેલી વ્યક્તિને પોતાના લોકો સામે લડવું નથી હોતું જીવવું હોય છે પણ દરેક વ્યક્તિ આવી ભાવના સમજી શકે એવી પણ ક્યાં હોય છે?

વાત છે શીખા નામની એક સફળ અને પાવરફુલ બિઝનેસવુમનની. ચાલીસ વર્ષની શીખાએ ભણવાનું પૂરું કર્યું ત્યારથી નાનીમોટી નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. રૂઢિચુસ્ત પિયરની મર્યાદાઓમાં રહીને એણે પોતાની રીતે કરિયરની કેડી કંડારી. એક પ્રાઈવેટ ફર્મમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે તે જોડાઈ હતી. ત્યાં ધીમેધીમે પંદર વર્ષે એ કંપનીમાં પચાસ ટકાની ભાગીદાર બની.

લગ્નની ઉંમર થઈ એટલે માતા-પિતાએ મુરતિયો શોધીને લગ્ન કરાવી દીધાં. શીખાના મતે એનો જીવનસાથી સમજુ છે. પરંપરા અને નિયમોની વાત આવે ત્યારે એનો પતિ પણ સમાજ અને પરિવારની બેડીઓમાંથી મુક્ત થઈને વિચારી શકતો નથી. લગ્ન બાદ શીખા બે દીકરીઓની માતા બની. બંને દીકરીઓને કોઈ છૂટછાટ ન મળે ત્યારે તેનું મન પરિવાર સામે બળવો કરવા તરફ વળી જાય છે. સહન થાય ત્યાં સુધી એ સહન કરે છે પણ ખોટી વાત સામે એ ઝૂકી નથી શકતી.

સાસરે સંયુક્ત પરિવારમાં રહેતી શીખા કહે છે, મારા પતિ સરકારી નોકરી કરે છે. સસરા નિવૃત્ત થઈ ગયા છે. સાસુ એકદમ ટિપિકલ ગૃહિણી છે જે વહુને દબાવમાં જ રાખવી જોઈએ એવી માનસિકતામાંથી બહાર નથી આવતાં. પતિથી નાની બહેન સાસરે છે અને ગૃહિણી છે. નણંદના ઘરે બે દીકરા છે જ્યારે મારે બે દીકરી છે. લગભગ સરખી ઉંમરનાં ચારેય ભાઈ-બહેન વચ્ચે સરળ અને સહજ સંબંધ છે. વડીલો અને નણંદ મારી બંને દીકરીઓની પરીક્ષાનાં પરિણામો પરથી મારી સફળતા કે નિષ્ફળતા નક્કી કરે છે. ભલેને હું પતિ કરતાં વધુ કમાઈ લાવતી હોઉં કે પછી જાહેરજીવનમાં પતિ કરતાં વધુ જાણીતી હોઉં. એ લોકોને આ બધી વાતોથી કોઈ ફરક નથી પડતો.

પતિને પણ મારી પ્રગતિમાં ખાસ કોઈ રસ નથી. સાસુને હું કમાઈને આપું એ કરતાં મારી રસોઈ એમનાં કરતાં ઓછી સ્વાદિષ્ટ બને છે એવી ટકોર કરવામાં વધુ આનંદ આવે છે. સસરા મારી સફળતા કે સમાજમાં મને કોઈ સન્માન મળે ત્યારે કદીય મારાં વખાણ નથી કરતા. પતિ ચાહવા છતાંય એની માનસિકતા છોડી નથી શકતા.

શીખા વિચારે છે કે સતત ને સતત નેેગેટિવિટી- નકારાત્મકતાને મારે સહન કરવી પડે છે. રોજ એક નવી સવાર પડે છે એક નવી આશા લઈને ઊઠું છું. ઘરકામ કરીને ઓફિસે જાઉં છું. સાંજે આવું ત્યારે એક ઉત્સાહસભર ભાવના સાથે ઘરમાં પ્રવેશું છું. ગમે તેટલું કરવાં છતાંય પરિવારજનોની નેગેટિવિટી જતી નથી. હું કોઈને બદલવા નથી માગતી પણ જે થઈ રહ્યું છે એ જોઈને કોઈનામાં રતિભાર જેટલોય બદલાવ નથી આવતો. સમય વહેતો ગયો એમ શીખાએ આ નેગેટિવિટીને પોતાની ઉપર હાવી થવા ન દીધી.

એ કહે છે, મારા દિલ ઉપર કોઈ પણની ભાવના કે વિચારોનો એટલો પ્રભાવ નથી પડવા દીધો કે હું તૂટી પડું. મારી અંદર રહેલી પોઝિટિવિટીની તાકાતને મેં જાળવી રાખી છે. કેટકેટલીય વાર તમામ લોકોના નકારાત્મક પ્રતિભાવ અને વિચારો મારી તાકાત સામે વિકરાળ ચહેરો લઈને ખડાં થઈ જાય છે. ઘણી વખત મન બળવો પોકારવાનું પણ વિચારી બેસે છે, પરંતુ હું પણ મારી ટિપિકલ વિચારસરણીમાંથી બહાર નથી આવી શકતી કે પતિથી જુદાં પડીને કંઈ મળવાનું નથી. આર્થિક રીતે પગભર છું, દીકરીઓનું અને મારું જીવન આરામથી જીવી શકાય એટલું કમાઈ શકું છું. એ લોકોની નકારાત્મક્તાને દૂર ઠેલી શકું છું પણ સામા થવાનું પગલું ભરી નથી શકતી. કોઈ વખત એવું લાગે છે કે જિંદગીમાં ફરિયાદો સિવાય કંઈ નથી. આ લાગણીને પણ મારા માથે હાવી નથી થવા દેતી. એટલે જ કદાચ દરરોજ મારી જાત સાથે મહિલાદિનની ઉજવણી કરું છું.

જ્યોતિ ઉનડકટ

You might also like