હું મારી માતૃભાષા ભોજપુરીની દશા સુધારીશઃ નીતુ ચંદ્રા

થોડા સમયથી નીતુ ચંદ્રા બોલિવૂડ ફિલ્મોથી દૂર છે તેનું કારણ એ છે કે તે ભોજપુરી સિનેમાની દશા સુધારવામાં સક્રિય છે. નીતુનું કહેવું છે કે તે આ ફિલ્મોની તસવીર દર્શકોની વચ્ચે બદલી દેશે. ‘દેશવા’ અને ‘મિથિલા મખાન’ જેવી ફિલ્મોની નિર્માતા નીતુ ચંદ્રાનું કહેવું છે કે તે ભોજપુરી ફિલ્મો દ્વારા પોતાની માતૃભાષાની છબીને સ્પષ્ટ કરવા ઇચ્છે છે.

તે હિંદી ફિલ્મોમાં કામ કરવાના બદલે ભોજપુરી ફિલ્મોની નિર્માતા શા માટે બનવા ઇચ્છે છે. તે આ અંગે વાત કરતાં કહે છે કે હું બિહારથી આવું છું. અહીં ભોજપુરી ફિલ્મોને અશ્લીલ ફિલ્મની જેમ જોવાય છે. તમે જ્યારે ભોજપુરી સાંભળો છો ત્યારે તમે તેની સાથે જોડાવા ઇચ્છો છો. આ ફિલ્મોને નિમ્ન કક્ષાની સમજાય છે તેનાં ઘણાં કારણ છે. આ મારી માતૃભાષાની સિનેમા છે.

નીતુ કહે છે કે મેં અને મારા ભાઇએ ભોજપુરી, મૈથિલી અને મગધી ભાષામાં ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું છે. અમે ફિલ્મો દ્વારા માતૃભાષાની છબી બદલવા ઇચ્છીએ છીએ. તેને ખૂબ જ બદનામ કરવામાં આવી છે. વેપાર સાથે તેને કોઇ લેવાદેવા નથી. જો તમે પરિવર્તન ઇચ્છતા હો તો તમારે પરિવર્તન લાવવું પડશે.

નીતુ ચંદ્રા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પોતાના ભાઇ નિર્દેશક નીતિન ચંદ્રા સાથે મળીને પ્રોડક્શન હાઉસ ચલાવે છે. આ પ્રોડક્શન હાઉસ પોતાના પ્લેટફોર્મ નીઓબિહાર માટે ભોજપુરી, મૈથિલી અને મગધી ભાષામાં કન્ટેન્ટ બનાવે છે. નીતુ કહે છે કે હું માનું છું કે કન્ટેન્ટવાળી કોમર્શિયલ ફિલ્મો બનાવવાની ખૂબ જ જરૂર છે. •

You might also like