નીટ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂઃ આધાર નંબર ફરજિયાત

નવી દિલ્હી: એમબીબીએસ અને બીડીએસના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે યોજાનારી નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ-ર૦૧૭ (નીટ) માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. નીટ આપવા માગતા ઉમેદવાર ૧ માર્ચ સુધી અરજીઓ કરી શકે છે. દેશનાં ૮૦ શહેરોમાં ૭ મેના રોજ નીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા માટે અરજી કરવા આધાર નંબર ફરજિયાત બનાવાયો છે.

સીબીએસઇના નીટ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર ઉમેદવારો વેબસાઇટ www.cbseneet.nic.inના માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરીથી દેશભરમાં ચાલી રહેલ મેડિકલ અને ડેન્ટલ કોલેજોના એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમમાંં પ્રવેશ આ પરીક્ષાના પરિણામના આધારે આપવામાં આવે છે. ભારતીય નાગરિકો ઉપરાંત એનઆરઆઇ, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન અને વિદેશી નાગરિકો પણ આ પરીક્ષા આપી શકે છે. આ તમામ ઉમેદવારો ૧પ ટકા ઓલ ઇન્ડિયા ક્વોટા માટે પાત્ર બનશે.

આ પરીક્ષા આપવા માટે ઉમેદવારની મહત્તમ વયમર્યાદા રપ વર્ષની નક્કી કરવામાં આવી છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને તેમાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તમામ ઉમેદવારોને નીટ આપવા માટે મહત્તમ ત્રણ ચાન્સ આપવામાં આવશે. ઓનલાઇન અરજી માટે આ વખતે આધાર નંબર ફરજિયાત કરવામાં આવ્યો છે, જોકે જમ્મુ-કાશ્મીર, આસામ અને મેઘાલયના ઉમેદવારોને તેમાં છૂટછાટ આપવામાં આવી છે. સીબીએસઇને આશા છે કે આ વખતે દસ લાખથી વધુ ઉમેદવારો નીટ આપશે.
http://sambhaavnews.com/

You might also like