નીટના પ્રશ્ને વાલી મંડળના સભ્યો ભૂખ હડતાળ પર ઊતરશે

અમદાવાદઃ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટરન્સ (નીટ)ની લેવાયેલી પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાના મુદ્દા ઉપરાંત નીટના પ્રશ્નોને લઇને વાલી મંડળ આજે ભૂખ હડતાળ પર ઉતરશે. રૂપાલી સિનેમા સામે સરદાર બાગ પાસે યોજાયેલા ધરણાંમાં ‘પાસ’ પણ જોડાશે અને સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ ખુલ્લો ટેકો જાહેર કરતાં સમગ્ર બાબતને રાજકીય રંગ મળશે. વાલીઓની માગ છે કે સરકાર ર૦૧૭માં નીટની લેવાયેલી ગુજરાતી માધ્યમની પરીક્ષામાં વિદ્યાર્થીઓને થયેલા અન્યાયના મુદ્દે અલગથી મેરિટ લિસ્ટ બહાર પાડે.

ગુજરાત સ્ટેટ પેરન્ટન્સ એન્ડ સ્ટુડન્ટ એસોસિએશન (વાલી મંડળ)ના પ્રમુખ કનુભાઇ પટેલ આક્ષેપ કરતાં કહ્યું હતું કે તાજેતરમાં લેવાયેલી નીટ ર૦૧૭ની પરીક્ષામાં ઇરાદાપૂર્વક ગુજરાતી માધ્યમનું પેપર અઘરું કાઢવામાં આવ્યું હતું. જેના કારણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન રોળાયું છે. એક વિદ્યાર્થિની તૃપ્તિએ મુદ્દે જીવ પણ ખોયો છે. વિદ્યાર્થીઓને ન્યાય મળે તે મુદ્દે આજે વિદ્યાર્થીઓ, વાલીઓ ડોક્ટર્સ મોટી સંખ્યામાં ભૂખ હડતાળ પર ઊતર્યા છે. આવતી કાલે વાલી મંડળના પાંચ સભ્યો આ રજુઆતને લઇને વડા પ્રધાનને મળવા દિલ્હી જશે.

વાલી મંડળના પ્રમુખ કનુભાઇ પટેલના વધુમાં જણાવ્યા મુજબ આજે બપોરે પાસના હાર્દિક પટેલ તેમની સાથે ધરણાંમાં જોડાશે. ઉપરાંત ભાજપ યુવા મોરચાના ઋત્વિજ પટેલના પિતા મનુભાઇ પટેલ કે જેઓ નેશનલ મેડિકલ કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ અને અન્ય ડોક્ટર મોટી સંખ્યામાં ધરણાં કાર્યક્રમમાં જોડાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પણ આ બાબતે ખુલ્લો ટેકો આપતાં હવે ગુજરાતીમાં લેવાયેલી નીટના મુદ્દે થયેલા અન્યાયના મુદ્દાને રાજકીય રંગ મળશે.

You might also like