NEET વિવાદના કેન્દ્રમાં શિક્ષણ વિભાગ છે

નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ). છેલ્લા એક માસથી વિવાદનું કેન્દ્ર રહેલી આ મેડિકલ અભ્યાસની પ્રવેશપરીક્ષાને લઈને ગુજરાતમાં ધોરણ-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. બેચલર ઓફ મેડિસીન એન્ડ બેચલર ઓફ સર્જરી (એમબીબીએસ) તથા બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (બીડીએસ)માં એડમિશન લેવા માટે સુપ્રીમ કોર્ટે આખા દેશમાં એક જ પ્રવેશપરીક્ષા (નીટ) લેવાનો આદેશ આપ્યો એ સાથે જ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ૧૮ રાજ્યોમાં તેનો વિરોધ થયો હતો અને ધોરણ-૧૨ સાયન્સના ડૉક્ટર બનવા માગતા અનેક વિદ્યાર્થીઓને પોતાનું ભાવિ અંધકારમય દેખાવા લાગ્યું હતું.

જોકે છેક છેલ્લી ઘડીએ કેન્દ્ર સરકારે એક વર્ષ માટે નીટને ટાળવાના વટહુકમને મંજૂરી આપતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ૨૦ મેના રોજ રાજ્યોના પ્રતિનિધિઓ સાથે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં નીટનો વિરોધ કરી રહેલાં રાજ્યોનાં બોર્ડને એક વર્ષ સુધી નીટમાંથી છૂટ આપવા મુદ્દે ચર્ચા થઈ હતી. જે મુજબ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશની ઉપરવટ જઈને નીટને એક વર્ષ માટે મોકૂફ રાખવા માટે વટહુકમ બહાર પાડ્યો હતો જે સંદર્ભે રાષ્ટ્રપતિએ કેન્દ્રીય આરોગ્યમંત્રીને ખુલાસો કરવા પણ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને હાલપૂરતી રાહત મળી
જોકે આ લખાઈ રહ્યું છે ત્યારે નીટના વિવાદ વચ્ચે છેલ્લા સમાચાર એ છે કે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નીટ એક વર્ષ માટે પાછી ઠેલવાના કેન્દ્ર સરકારના વટહુકમ પર સહી કરી દીધી છે. આ સાથે જ નીટનો વિરોધ કરી રહેલા ગુજરાત, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં મેડિકલના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને તેમની બોર્ડની પરીક્ષાના માર્ક્સ તથા રાજ્ય બોર્ડની પ્રવેશપરીક્ષાના આધારે પ્રવેશ મળશે.

ગુજરાતની વાત કરીએ તો અગાઉ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરના પરિણામ સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કર્યું હતું. એ વખતે ગુજકેટના પરિણામનો કોઈ અર્થ નથી તેવી વાતો વહેતી થઈ હતી, કારણ કે સુપ્રીમ કોર્ટે ચાલુ વર્ષથી જ નીટનો અમલ કરવાનો આદેશ આપ્યો હતો.

અસમંજસભરી આ સ્થિતિ વચ્ચે ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહના પરિણામ બાદ બી.એસસીમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ફોર્મ ભરી રહ્યા હતા. મેડિકલ-ડેન્ટલની પ્રવેશપ્રક્રિયા બાબતે સત્તાવાર સ્પષ્ટતા થવાની બાકી હોવાથી અવઢવની સ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓ બી.એસસી પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા હતા. જેનો ખ્યાલ એ બાબત પરથી આવે છે કે બી.એસસી પ્રવેશ કમિટીએ ત્રણ જ દિવસમાં કુલ ૬૦૦૦ હજારથી વધુ બુકલેટનું વિતરણ કર્યું હતું.

ગુજકેટનું મહત્ત્વ ફરીથી સ્થાપિત થયું
હવે જ્યારે રાષ્ટ્રપતિએ નીટ એક વર્ષ માટે પાછી ઠેલવાના વટહુકમને મંજૂરી આપી દીધી છે ત્યારે ગુજકેટનું મહત્ત્વ ફરીથી સ્થાપિત થયું છે. ત્યારે બી.એસસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાય તેવી પૂરી શક્યતા છે, કારણ કે રાજ્ય સરકારી બોર્ડના વિદ્યાર્થીઓએ ૨૪ જુલાઈના રોજ યોજાનાર નીટની બીજા તબક્કાની પરીક્ષા આપવી નહીં પડે અને ગુજકેટના આધારે મેડિકલમાં પ્રવેશ આપવામાં આવશે. કેન્દ્ર સરકારના વટહુકમમાં આ વર્ષે રાજ્યોમાં મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશનો આધાર નીટને બનાવવો કે અલગ પ્રવેશપરીક્ષાને તેનો આધાર રાજ્યો પર છોડવામાં આવ્યો છે.

જો કે મેનેજમેન્ટ ક્વૉટા હેઠળ કેન્દ્ર સરકારની મેડિકલ કૉલેજો અને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીએ નીટ આપવાની રહેશે. જ્યારે એ જ કૉલેજોમાં સરકારી ક્વૉટામાં પ્રવેશ ગુજકેટના આધારે મળશે. હાલ ગુજરાતમાં ૬ સરકારી અને ૧૨ ખાનગી મેડિકલ કૉલેજ છે. જ્યારે ડેન્ટલ શાખામાં ૨ સરકારી અને ૧૧ ખાનગી ડેન્ટલ કૉલેજ છે. જેમાં માત્ર સરકારી બેઠકો માટે આ વર્ષે નીટના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી છે. એ જ રીતે ખાનગી મેડિકલ કૉલેજોમાં સરકારી બેઠકો માટે પણ છૂટ આપવામાં આવી છે.

દરમિયાન ૨૩, મેના રોજ કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાએ વટહુકમ મામલે સ્પષ્ટતા કરવા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે નીટનો વિરોધ કરનાર રાજ્ય સરકારો તરફથી આવેલી રજૂઆતો રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરી હતી. દરમિયાન વટહુકમ દ્વારા આ રાજ્યોને નીટના દાયરામાંથી શા માટે બહાર રાખવામાં આવ્યા તેની પણ તેમણે ચોખવટ કરી હતી. જેને માન્ય રાખીને રાષ્ટ્રપતિએ વટહુકમ પર સહી કરી હતી.

કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે આ વર્ષે નીટના દાયરામાંથી રાજ્યોને મુક્તિ આપવામાં આવી છે, પરંતુ આગામી વર્ષથી તમામ રાજ્યો નીટના દાયરામાં આવી જશે. હાલ રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમને મંજૂરી મળી ગયા બાદ સરકાર સમગ્ર મામલે વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડશે. જેના આધારે મેડિકલમાં પ્રવેશની પ્રક્રિયા સ્પષ્ટ થશે.નીટ મામલે વાલીઓમાં જે અસંતોષ ઊભો થયો હતો છે તે જોતા કેન્દ્ર સરકારનો નિર્ણય હાલપૂરતો યોગ્ય જણાઈ રહ્યો છે. છતાં ગુજરાતમાં નીટ મામલે ખરેખર કોઈ દોષી હોય તો તે રાજ્યનો શિક્ષણ વિભાગ છે.

આ વિવાદ નવો નથી
નીટનો વિવાદ નવો નથી. હકીકતે છેલ્લાં ત્રણ વર્ષથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો. કાયદાકીય વમળો વચ્ચે નીટ યોજાશે તેવી જાણકારી હોવા છતાં રાજ્યના શિક્ષણ વિભાગે કોઈ પગલાં લીધાં નહોતાં. શિક્ષણજગતના નિષ્ણાતોના મતે, નીટનો વિવાદ શરૂ થયો ત્યારથી જ રાજ્ય સરકારે અભ્યાસક્રમમાં સુધારો કરવાની જરૂર હતી. રાજ્યનો શિક્ષણ વિભાગ કઈ હદે બેદરકાર છે તેનો ખ્યાલ એ બાબત પરથી આવે છે કે છેલ્લાં ત્રણ વર્ષથી નીટનો વિવાદ ચાલતો હોવા છતાં શિક્ષણ વિભાગે આજદિન સુધી નીટની પરીક્ષા પ્રમાણેનો નવો અભ્યાસક્રમ દાખલ કર્યો નથી. જેનો ભોગ આજે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓએ બનવાનો વારો આવ્યો છે.

મેરિટને બદલે મનીપાવર ધ્યાને લેવાય છે!
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીટની પરીક્ષાના આધારે મેડિકલમાં એડમિશન થાય તે ગુજરાતના વિદ્યાર્થીઓના ફાયદામાં હોવા છતાં ખાનગી મેડિકલ કૉલેજો અને તેમના સંચાલકો સાથેની મિલીભગતના કારણે ગુજરાતમાં દાખલ કરવામાં આવતી નથી. એક ગણતરી પ્રમાણે હાલ દેશમાં કુલ ૪૨૨ મેડિકલ કૉલેજો-યુનિવર્સિટીઓ છે. જેમાંની ૨૨૪ કૉલેજો પ્રાઈવેટ છે. દેશભરમાં એમબીબીએસની કુલ ૫૦ હજાર બેઠકો પૈકી આ પ્રાઈવેટ કૉલેજોની ક્ષમતા ૫૩ ટકા જેટલી થવા જાય છે. સ્વાભાવિક રીતે જ આ બેઠકો પર મેરિટને આધારે નહીં પણ મનીપાવરના આધારે એડમિશન મળે છે.

વિદ્યાર્થીએ ધોરણ-૧૨ સાયન્સમાં કેટલા ટકા મેળવ્યા છે તે અહીં ગણતરીમાં જ નથી. એડમિશનનો એકમાત્ર આધાર વાલીના ડૉનેશન આપવાની કેપેસિટી પર નિર્ભર કરે છે. શિક્ષણ જગતનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખાનગી મેડિકલ કૉલેજોમાં એક એડમિશન પાછળ રૂ.૫૦ લાખથી લઈને એક કરોડ સુધી ડૉનેશન લેવાય છે. આ વ્યવહાર ખાનગીમાં થતો હોવાથી તેના પુરાવા મળવા મુશ્કેલ છે. એક સરવૅ પ્રમાણે આ આખો કારોબાર રૂ.૧૨,૦૦૦ કરોડ આસપાસ થવા જાય છે. ખાનગી કૉલેજોનો સ્વાર્થ અહીં છે.

જો નીટના પરિણામ મુજબ દેશભરની મેડિકલ કૉલેજોમાં એડમિશન થાય તો તેમણે પણ તમામ બેઠકો મેરિટ પ્રમાણે જ ભરવી પડે અને મેરિટ પ્રમાણે જ બેઠકો ભરાય તો ડૉનેશન નામની અસલ કમાણી કાયમ માટે બંધ થઈ જાય. આવી સ્થિતિમાં સીબીએસસી બોર્ડના અભ્યાસક્રમની બીક અને ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાયનું બહાનું આગળ ધરીને તેઓ પોતાનો ગરાસ બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે.

જોકે અહીં પણ છેલ્લે તો રાજ્યનો શિક્ષણ વિભાગ જ ગુનેગાર ઠરે છે, કારણ કે વર્ષ ૨૦૧૧-૧૨માં નીટ લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી ત્યારે ગુજરાતે સીબીએસસી પ્રમાણે અભ્યાસક્રમ બદલવા ત્રણ વર્ષનો સમય માગ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. આ મર્યાદા વર્ષ ૨૦૧૫માં પૂરી પણ થઈ ગઈ. છતાં ગુજરાતના શિક્ષણ વિભાગે સીબીએસસી પ્રમાણે અભ્યાસક્રમ બદલ્યો નથી. આ મામલે રાજ્ય સરકાર રીતસર ઊંઘતી ઝડપાઈ છે.

સુપ્રીમનો ચુકાદો માથે ચડાવવાનો વખત આવ્યો ત્યારે ફરી એના એ જ ‘ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય’નાં રોદણાં રોવાં શરૂ થઈ ગયાં છે. જો સરકાર ખરેખર આ મામલે ગંભીર હોય તો ત્રણ વર્ષમાં આ સમસ્યાનો નિવેડો લાવી દીધો હોત. પણ ગુજરાતના કમનસીબે એ શક્ય બની શક્યું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિક્ષણ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ખાનગી મેડિકલ કૉલેજોના લાભાર્થે નીટ ન યોજાય તે માટે સક્રિય રસ દાખવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં વધુ શ્રદ્ધા
અમદાવાદમાં નીટ મામલે સંગઠિત થયેલા વાલીઓના આગેવાન દિલીપભાઈ પટેલ નીટના વિવાદમાં રાજ્યના શિક્ષણ વિભાગને જ દોષી માને છે. તેઓ કહે છે, “૨૦૧૩થી આ સમસ્યા ચાલતી હતી. સુપ્રીમ કોર્ટે આ પગલું લેવું પડ્યું તેની પાછળ શિક્ષણ વિભાગ જ જવાબદાર છે, કારણ કે તેમણે અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલી સમયમર્યાદામાં નીટ પ્રમાણેનો અભ્યાસક્રમ દાખલ કર્યો નહીં. આટલી મહત્ત્વની બાબતને શિક્ષણ વિભાગે સાવ હળવાશથી લીધી. જેના કારણે હાલ આ સ્થિતિ આવીને ઊભી રહી છે.

આજે સ્થિતિ એ છે કે નીટ યોજાશે કે નહીં તે બાબતે અમને વાલીઓને સરકાર પર જરાય ભરોસો નથી. વટહુકમ બાદ પણ અનેક વાલીઓએ પોતાનાં સંતાનોને નીટ માટેના ક્લાસીસ શરૂ કરાવી દીધા છે. જેની બે મહિનાની ફી રૂ.૩૫થી ૪૦ હજાર છે. વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં છે કે આટલા ટૂંકા ગાળામાં આખો કોર્સ કેવી રીતે પૂર્ણ થઈ શકશે ? અમને સરકાર કરતાં સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં વધુ શ્રદ્ધા છે. તેથી નીટની તૈયારીઓ શરૂ કરાવી દીધી છે. અમે તમામ વાલીઓ નીટને આવકારીએ છીએ પણ ગુજરાતમાં તેનું ઈમ્પ્લિમેન્ટ અયોગ્ય સમયે થયું છે. ”

વાલીઓની વ્યથા યોગ્ય છે છતાં આ બાબતે હવે કશું પણ થઈ શકે તેમ નથી. છેલ્લા સમાચાર પ્રમાણે વટહુકમમાં પણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડા પાસે સ્પષ્ટતા માગી છે કે મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટનું આયોજન કરવા કેન્દ્ર સરકાર સહમત થયા બાદ હવે કયા કારણથી સરકાર વટહુકમ બહાર પાડીને યુ-ટર્ન લઈ રહી છે ? રાષ્ટ્રપતિએ આ મામલે કાયદાકીય નિષ્ણાતોની સલાહ માગી છે. ત્યારે નીટની સમસ્યાનો સમયસર અને યોગ્ય ઉકેલ આવે તે ઇચ્છનીય છે.

નરેશ મકવાણા

You might also like