Exclusive: ‘નીરજા’ અને પેન એમ-૭૩ હાઈજેકનાં ગુજરાતી સાક્ષીઓ

ર૯ વર્ષ પૂર્વે આતંકવાદીઓએ કરેલા વિમાન અપહરણની એક ઘટનામાં નીડર બનીને મુસાફરોના જીવ બચાવનાર ભારતીય મહિલા ફ્લાઈટ અટેન્ડેન્ટના જીવનને તાદૃશ્ય કરતી ફિલ્મ ‘નીરજા’ આગામી ૧૯ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. માનવતા કાજે આતંકવાદી હુમલામાં અપાયેલા નીરજા ભનોટ નામની એ યુવતીના બલિદાનથી માત્ર ભારત જ નહીં, પાકિસ્તાનની આંખો પણ ભીંજાઈ હતી, એટલે જ ભારતે તેના મૃત્યુને મરણોપરાંતનો શૌર્ય ઍવોર્ડ ‘અશોકચક્ર’ આપીને નવાજી હતી તો પાકિસ્તાને પણ તેને ‘નિશાન-એ-ઈન્સાનિયત’નો ખિતાબ આપ્યો હતો. આ કહાની કોઈ વીરકથાથી કમ નથી, એટલે જ તેને ‘વીરાંગના કથા’ તરીકે પણ ઓળખી શકાય. હાઈજેક થયેલી આ ફ્લાઈટમાં ત્યારે ર૧ ગુજરાતીઓ પણ સામેલ હતા. ‘અભિયાન’ રજૂ કરે છે આ ઘટનાને નજરે નિહાળનાર એ ગુજરાતી પ્રવાસીઓના સાક્ષીભાવે સમગ્ર બનાવની એક્સક્લુઝિવ સ્ટોરી…

“પહેલીવાર ‘નીરજા’ ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારે ૨૯ વર્ષ પહેલાં આંખો સામે બનેલી એ ઘટના તાજી થઈ ગઈ. બંદૂકના ધડાકા અને આતંકવાદીઓની ધમકી, બાળકો-મહિલાઓનો રડવાનો અવાજ અને પુરુષોની આંખોનો ડર, કટોકટીના એ સત્તર કલાક આખી જિંદગીની દુઃખદ યાદ બની ગયા છે.” આ શબ્દો છે અમદાવાદનાં પ્રીતિ શાહ-ખરીદિયાના. એ ગોઝારા વિમાન અપહરણકાંડની યાદ તાજી થતાં જ એ અવાચક બની ગયાં હતાં. રામ માધવાણી દિગ્દર્શિત અને સોનમ કપૂર અભિનીત ‘નીરજા’ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. સિનેમાની નીરજા તો સોનમ છે, પરંતુ એ હતભાગી ફલાઈટમાં અમદાવાદના ૨૧ પ્રવાસીઓ હાજર હતા અને તેમને આતંકવાદીઓ સામે બાથ ભીડનારી વીરાંગના નીરજાને સદેહે લડતાં જોઈ છે. કચકડે મઢેલી ફિલ્મ કેવી હશે એ સસ્પેન્સ છે પણ પ્લેન હાઈજેકના સાક્ષીઓ આ ઘટના એમના શબ્દોમાં વર્ણવે છે.

શું હતી પેન-એમ-૭૩ હાઈજેકની દુર્ઘટના?
એક સમયની જાણીતી એરલાઈન્સ કંપની પેન-એમની ફ્લાઈટ નંબર ૭૩એ પાંચમી સપ્ટેમ્બર, ૧૯૮૬ના રોજ મુંબઈથી ન્યૂયોર્ક જવા ઉડાન ભરી હતી. ફ્લાઈટનો રૂટ વાયા કરાચી (પાકિસ્તાન), ફ્રેન્કફર્ટ (જર્મની) હતો. મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આ વિમાનમાં બોર્ડ થઈ રહેલા પ્રવાસીઓમાં અમેરિકા જવાનો તથા ખ્યાતનામ એરલાઈન્સમાં મુસાફરી કરી રહ્યાંનો અદમ્ય ઉત્સાહ હતો. જોકે તેમને સપનેય ખ્યાલ નહોતો કે પ્રવાસની શરૂઆત ભલે પાસપોર્ટ પરના સિક્કાની છાપથી થરૂ થઈ હોય, પરંતુ આ પ્રવાસની ક્યારેય ન ભૂંસાઈ શકે તેવી છાપ તેમનાં જીવન પર પડશે. વિમાનમાં ૩૬૦ પ્રવાસીઓ સાથે ૧૯ ક્રૂ મેમ્બર્સ મળીને કુલ ૩૭૯ લોકો હતાં.

વહેલી પરોઢે ચાર વાગ્યે મુંબઈથી ઉડાન ભરેલું આ વિમાન ૬ વાગ્યે કરાચીના જિન્હા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યું. એરપોર્ટનો ગ્રાઉન્ડ સ્ટાફ રૂટિન સફાઈ માટે આવ્યો ત્યારે એરપોર્ટ સિક્યુરિટી ગાર્ડના યુનિફોર્મમાં આવેલા ચાર હાઈજેકર્સે એર હોસ્ટેસને પકડીને બંદૂક તાકતાં જાહેર કર્યું કે, વિમાન હાઈજેક થઈ ચૂક્યું છે. હાઈજેકર્સનો ધ્યેય વિમાનને સાયપ્રસ લઈ જઈ ત્યાંની જેલમાં કેદ ૧૫૦૦ જેટલા પેલેસ્ટાઇનોને મુક્ત કરાવવાનો હતો. જોકે વિમાનની કૉકપીટ બંધ હોવાથી તેમણે સૌપ્રથમ પ્રવાસીઓ અને એર હોસ્ટેસીસને તાબામાં લેવાનું શરૂ કર્યું. બોઈંગ-૭૪૭ પ્રકારના આ વિમાનમાં કુલ ચાર કમ્પાર્ટમેન્ટ હતા. કેટલાંક પ્રવાસીઓને સીટ પર તો કોઈને ગેંગ-વેમાં હાથ માથા પર પાછળ રાખીને બેસવાની ફરજ પાડીને બે કમ્પાર્ટમેન્ટમાં સમાવાયા. વિમાનની સિનિયર ફ્લાઇટ અટેન્ડન્ટ હતી ર૩ વર્ષીય નીરજા ભનોટ. પ્લેન મુંબઈથી કરાચી પહોંચ્યું ત્યાં સુધીમાં તેણે પ્રવાસીઓ પ્રત્યે મહેમાનગતિ તો દર્શાવી, પરંતુ કરાચીમાં પરિસ્થિતિનો તાગ મેળવી તેણે બહાદુરી પણ દર્શાવી.

નીરજાએ સમયસૂચકતા વાપરીને કૉકપીટમાં હાઈજેક કોડ પાઠવી દીધો જેથી કૉકપીટમાં રહેલાં પાઇલટ, કો-પાઇલટ અને ફ્લાઈટ એન્જિનિયર બહાર નીકળીને ભાગી ગયા. આ વાતની જાણ હાઈજેકર્સને થતાં તેમણે રાજેશકુમાર નામના પ્રવાસીને ગોળી મારી દીધી અને વિમાનની બહાર ફેંકી દીધો. જેથી વિમાનમાં રહેલા અન્ય પ્રવાસી અને એરપોર્ટ ઓથોરિટી તેમના ઈરાદાની ગંભીરતા સમજે.

આ હાઈજેકર્સ અબુ નિદાલ નામના આતંકવાદી સંગઠનના હતા. બાદમાં એવું પણ સાબિત થયું હતું કે હાઈજેકર્સને લિબિયાનું સમર્થન હતું. પાઇલટ ભાગી જવાથી હવે તેઓ લાચાર બન્યા હતા. આથી ફ્લાઇટમાં રહેલા અમેરિકન નાગરિકોને અલગ તારવીને તેમનો ખેલ ખતમ કરવા પ્રવાસીઓનાં પાસપોર્ટ એકઠાં કરવા ફ્લાઇટ અટેન્ડેન્ટ નીરજાને સૂચના આપી. નીરજાએ પાસપોર્ટ એકઠાં કરતી વખતે અમુક પાસપોર્ટ સીટની નીચે ફેંકી દીધા, જેથી તે પ્રવાસીઓને બચાવી શકાય. રાત્રે ૧૦ વાગ્યા સુધી પ્રવાસીઓને વિમાનમાં જ રખાયા.

જોકે પ્રવાસીઓને નાસ્તો-પાણી કરવાની તેમજ અન્ય કેટલીક છૂટછાટ અપાઈ હતી. ૧૦ વાગ્યે વિમાનની લાઈટ ડીમ થવા લાગી તેમજ એરકંડિશન બંધ થતાં બધાંને ગૂંગળામણ થવા લગી. અંતે વિમાનમાં અંધારું થઈ જતાં હાઈજેકર્સને બાજી હાથમાંથી જઈ રહી હોવાનો અંદાજ આવી ગયો. જેથી અરબી ભાષામાં કંઈક વાક્ય બોલીને તેમણે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું. આ સમયે ઈમરજન્સી એક્ઝિટથી બહાર નીકળી જવાની નીરજા પાસે તક હતી, પરંતુ ભાગવાને બદલે તેણે તમામ પ્રવાસીઓની મદદ કરવાનું વિચાર્યું અને તેમને બહાર કાઢવા મદદ કરી. તેને ખભાના ભાગે ગોળી વાગી છતાં તેણે પોતાની ફરજ ચાલુ રાખી. અંતે કેટલાંક બાળકોને બચાવવા જતાં તે વધુ ચાર ગોળીનો ભોગ બની.

નીરજાએ છેલ્લા શ્વાસ સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી. પ સપ્ટેમ્બરે આ દુર્ઘટના બની જેના બે દિવસ બાદ જ નીરજાનો ૨૩મો જન્મદિવસ હતો. નીરજાએ ૩૫૯ લોકોના જીવ એકલા હાથે બચાવ્યા. આ દુર્ઘટનામાં નીરજા સહિત ૨૦ પ્રવાસીઓનાં મોત થયાં હતાં જેમાં બે ગુજરાતીઓ પણ સામેલ હતા. વિમાન હાઈજેક કરનાર ચારેય આતંકવાદીઓએ પછીથી એરપોર્ટ પર જ સરન્ડર કરી દીધું હતું. આ ઘટના આધારિત હિન્દી ફિલ્મ ‘નીરજા’ ૧૯ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. નીરજાના ભાઈઓએ ફિલ્મના નિર્માતા તરફથી ઑફર કરવામાં આવેલી રકમ કે રૉયલ્ટી લેવાનો ઈન્કાર કર્યો છે.

કોણ છે નીરજા ભનોટ ?
નીરજાનો જન્મ ૭ સપ્ટેમ્બર, ૧૯૬૩ના રોજ ચંદીગઢમાં પત્રકાર હરીશ તથા રમા ભનોટના ઘરે થયો હતો. બે ભાઈઓ અખીલ અને અનીશની તે લાડકી બહેન હતી. બાદમાં તેનો પરિવાર મુંબઈ સ્થાયી થયો હતો. ૧૯૮૫માં નીરજાનાં લગ્ન થયાં પરંતુ પતિના ત્રાસ અને દહેજની માંગને કારણે ટૂંકા લગ્નજીવન બાદ તે પતિને છોડીને માતા-પિતાના ઘરે મુંબઈ આવી ગઈ. ૧૬ જાન્યુઆરી, ૧૯૮૬માં તે પેન-એમ એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે જોડાઈ અને પાર્ટટાઈમ મૉડેલિંગ પણ કરતી હતી. નીરજાને ‘હિરોઈન ઑફ હાઈજેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાની ઉંમરે માનવતા માટે વીરતાપૂર્ણ કાર્ય કરીને મોતને ભેટેલી નીરજાને ભારત સરકારે મરણોપરાંત ‘અશોકચક્ર’ એવોર્ડથી સન્માન કર્યું તો પાકિસ્તાન સરકારે પણ તેને ‘નિશાન-એ-ઈન્સાનિયત’નો ખિતાબ આપ્યો હતો. ભારતમાં સૌથી નાની વયે ‘અશોકચક્ર’ મેળવનાર નાગરિક અને એકમાત્ર મહિલા હોવાનો વિક્રમ નીરજાના નામે છે.

હાઈજેક વિમાનમાં ૨૧ ગુજરાતીઓ હતા
‘નીરજા’ પ્રદર્શિત થવા જઈ રહી છે ત્યારે તેની કહાની અંગે વધુમાં વધુ લોકો માહિતગાર થયા હશે, પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે એ ઘટના વખતે પેન-એમ-૭૩માં નીરજા સાથે ૨૧ પ્રવાસીઓ ગુજરાતના હતા. અમદાવાદ સ્થિત સાંસ્કૃતિક ગ્રૂપ ‘આવિષ્કાર’નું અમેરિકામાં ૧૭ જગ્યાએ નૃત્યનું પરફોર્મન્સ હોઈ આ ગ્રૂપ ન્યૂયોર્ક જઈ રહ્યું હતું. ગ્રૂપે એક વર્ષ સુધી નૃત્યની પ્રેક્ટિસ કરી હતી જેથી અમેરિકામાં બેસ્ટ પરફોર્મન્સ રજૂ કરીને લોકોની વાહવાહી મેળવી શકાય, પરંતુ તેઓ નહોતાં જાણતાં કે રસ્તામાં જ તેમને ગોળીઓ અને ગ્રેનેડના વરસાદનો સામનો કરવો પડશે. ત્યારે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ ન હોવાથી આ ગ્રૂપે મુંબઈથી ફ્લાઇટ લીધી હતી. કલ્પેશ દલાલ અને તૃપ્તિ દલાલ નામે દંપતી સાથે અન્ય લોકો અમેરિકા જઈ રહ્યાં હતાં જોકે આખા ગ્રૂપની ટિકિટ કન્ફર્મ ન હોઈ ગ્રૂપ મેનેજર તેમજ વ્યવસ્થા સંભાળતા કલ્પેશ દલાલ અન્ય કેટલાક સભ્યો સાથે મુંબઈ રોકાઈ ગયા અને બાકીના લોકોને પેન-એમ-૭૩માં અમેરિકા જવાની વ્યવસ્થા ગોઠવાઈ. ગ્રૂપનાં તૃપ્તિ દલાલ અને રૂપલ દેસાઈનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.

વીતકોની આપવીતી
‘આવિષ્કાર’ ગ્રૂપ આજે પણ કાર્યરત છે. ગ્રૂપના બે સભ્યોનાં આ દુર્ઘટનામાં અવસાન થયાં હોવાથી તેઓ આ બનાવને યાદ કરવા માગતાં નથી. ત્રણ દાયકા થવા આવ્યા હોવા છતાં આ દુર્ઘટનાની યાદથી તેઓ હચમચી જાય છે, આમાંથી કેટલાંક તો ‘નીરજા’ ફિલ્મ જોવાની પણ ના કહી રહ્યાં છે. ‘અભિયાન’ જ્યારે આ ઘટનાનાં વીતકોની મુલાકાતે પહોંચ્યું ત્યારે પણ લાગ્યું કે, તેઓ આ ઘટનાને પોતાની સ્મૃતિમાંથી દૂર કરવા ઇચ્છે છે, કારણ કે આ ઘટનાના ૧૭ કલાક તેમના જીવનમાં આજે પણ અવારનવાર ડોકિયું કરતાં રહે છે.

અમદાવાદમાં બિઝનેસ કરતાં ધર્મેન્દ્ર શાહ આ ઘટનાના સાક્ષી છે. તેઓ કહે છે, “મારી ઉંમર ત્યારે ૨૦ વર્ષની હતી. બી.એસસી. પૂર્ણ કરીને ‘આવિષ્કાર’માં ગાયક અને સંગીતકારની ભૂમિકા ભજવતો હતો. મુંબઈ એરપોર્ટ પહોંચ્યા ત્યારે જાણ થઈ કે તમામ ટિકિટ કન્ફર્મ ન થઈ હોવાથી અમારા મેનેજર કલ્પેશભાઈ અન્ય કેટલાક લોકો સાથે પછીની ફ્લાઇટમાં વ્યવસ્થા કરીને આવવાના છે. ફ્લાઇટ કરાચી એરપોર્ટ પહોંચી અને ગ્રાઉન્ડ સ્ટાફ પ્લેનમાં આવ્યો પછી માલૂમ પડ્યું કે ફ્લાઇટ હાઈજેક થઈ ચૂકી છે. મને હાથ ઉપર અને માથું નીચે કરીને બેસવાની સૂચના અપાઈ હતી. કોઈ સૂઝ નહોતી પડતી કે હવે શું થશે?

જોકે દિવસ દરમિયાન બધા પ્રવાસીઓને પાણી, કોલ્ડ્રિંક અને સૅન્ડવિચ આપવામાં આવ્યાં હતાં, પરંતુ બાળકોને બાદ કરતા કોઈ પ્રવાસીઓએ કંઈ ખાધું નહોતું. લાઈટ બંધ થતા ચારેચાર હાઈજેકર્સે અરબી ભાષામાં કાંઈક રટણ કરીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. હું કમ્પાર્ટમેન્ટમાં સૌથી છેલ્લે બેઠો હતો અને પાછળ જ ઈમરજન્સી એક્ઝિટ હોવાથી તે ખૂલતાં જ મેં બહાર કૂદકો માર્યો અને વિંગ પર પડ્યો. વિંગથી જમીન સુધીનું અંતર વીસથી પચીસ ફૂટ હતું તેથી કૂદકો મારવાની મારી હિંમત નહોતી. અન્ય પ્રવાસીઓ કૂદકો મારીને ભાગ્યા એટલે મેં પણ કૂદકો માર્યો અને લંગડાતા પગે ટર્મિનલ સુધી પહોંચ્યો. બાદમાં મને કરાચીની જિન્હા હોસ્પિટલ લઈ જવાયો. મારા પગમાં ત્રણ ફ્રેક્ચર હતાં. સારવાર બાદ અમને હોટેલ મિડ-વેમાં લઈ જવાયા. અહીં રોકાણની વ્યવસ્થા પેન-એમ એરલાઈન્સ તરફથી કરાઈ હતી.

૮ સપ્ટેમ્બરે સવારે અમે મુંબઈ એરપોર્ટ પરત પહોંચ્યા. આ ઘટનાની મારા પર એટલી ઊંડી અસર હતી કે અઢી મહિના સુધી સાઇકિયાટ્રિસ્ટની સલાહ લેવી પડી. ફિલ્મ જોઈને વ્યથિત તો થઈશ, પરંતુ હું આ ફિલ્મ જોવા જઈશ. નીરજાના ભાઈ અનીશ ભનોટ મારા સંપર્કમાં છે અને નીરજાની યાદમાં બનાવાયેલા ટ્રસ્ટના કાર્યક્રમોમાં પણ હું ભાગ લઉં છું. ફિલ્મના દિગ્દર્શક રામ માધવાણી અને અભિનેત્રી સોનમ કપૂર સાથે પણ ફિલ્મ સંદર્ભે મારી મુલાકાત થઈ છે.”

મેહુલ શાહ નામના અન્ય એક મુસાફરને આ દુર્ઘટનામાં કોઈ ઈજા તો નહોતી પહોંચી, પરંતુ પ્લેનમાંથી બહાર આવ્યા બાદથી ભારત આવવા સુધીની તેની સફર હૃદયદ્રાવક છે. તેઓ કહે છે, “ત્યારે હું ૨૧ વર્ષનો હતો . ગ્રૂપમાં હું ડાન્સર તરીકે જોડાયો હતો. પ્લેન હાઈજેક થયું ત્યારે મેં જોયું કે એક હાઈજેકરે એર હોસ્ટેસના માથા પર બંદૂક રાખી હતી. . રાત્રે પ્લેનમાં અંધારું થતાં ગોળીબાર શરૂ થયો તે સમયે હું દૂબળો હોવાથી સીટની નીચે સંતાઈ ગયો જેથી મને ઈજા ન પહોંચી. દરમિયાન મારી જમણી તરફનું ઈમરજન્સી એક્ઝિટ ખૂલતાં હું ભાગીને ટર્મિનલ તરફ પહોંચ્યો. તૃપ્તિબહેનનો પુત્ર ખંજન તેની માતાને શોધી રહ્યો હતો. ઈજાગ્રસ્તોને જિન્હા હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં હતાં. હું ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે રૂપલને પગમાં સર્જરી કરવી પડે તેમ હોઈ મેં ડૉક્ટરોને તાત્કાલિક સર્જરી કરવા જણાવ્યું.

બાદમાં તૃપ્તિબહેનનું ગોળી વાગવાથી મોત થયું હોવાની જાણ થઈ અને ડૉક્ટર્સ રૂપલને પણ બચાવી શક્યા નહીં. આ ક્ષણો જીવનમાં ક્યારેય ભૂલી નહીં શકું. અધૂરામાં પૂરું સવારે સાત વાગ્યે પેન-એમના કરાચીસ્થિત મેનેજરે નવ વાગ્યા સુધીમાં હોટેલ ખાલી કરવાની સૂચના આપી. જેથી મેં મેનેજર સાથે રકઝક કરી અને તેના એક ચીફ મેનેજર સાથે ફોન પર ઝઘડો પણ કર્યો. અંતે અમને તે હોટેલમાં એક દિવસ માટે રોકાવાની પરવાનગી મળી. અમારા અમુક સાથી હજુ અમને મળ્યા નહોતા. વિઝા કે પાસપોર્ટ ન હોવાથી હોટેલની બહાર જવા મળતું નહોતું.

અમેરિકાસ્થિત એક મિત્રને ફોન કરીને મેં મારી વ્યથા કહી. તેણે થોડી મહેનત કરી કરાચીમાં રહેતાં મોહમદભાઈ નામના એક વેપારીનો સંપર્ક આપ્યો, જેઓ મને તેમની કારમાં લેવા આવ્યા. બહાર જવાની પરવાનગી ન હોઈ મોહમદભાઈએ મને બુરખો પહેરાવ્યો જેથી હું કારમાં બેસી તેની સાથે જઈ શકું. તે મારી સાથે આખો દિવસ કરાચીમાં દરેક હોસ્પિટલે ફર્યા અને મારા ગ્રૂપના લોકોને શોધવામાં મદદ કરી.

આગલા દિવસે એટલે કે આઠમી સપ્ટેમ્બરે અમે કરાચી એરપોર્ટ પહોંચ્યા ત્યારે અખાતની એરલાઈન્સની એર હોસ્ટેસે મને અમારા ગ્રૂપની બે વ્યક્તિના મૃતદેહ અંગેની પૂછપરછ કરી. જોકે એ મૃતદેહો ક્યાં છે તેની મને જાણ નહોતી. તેણે મને કહ્યું, “જો તું એ મૃતદેહો અહીં જ છોડીને જતો રહીશ તો તું પણ નહીં બચે.” આ વાતનું મને ખૂબ લાગી આવ્યું. ભારતના તત્કાલીન સિવિલ એવિયેશન તથા સંરક્ષણ પ્રધાન ભારતીય યાત્રીઓને પરત લાવવા કરાચી આવ્યા હતા.

મેં તેમને મૃતદેહોને સાથે ભારત લઈ જવાની વિનંતિ કરી ત્યારે તેમણે મને ઉદ્ધત જવાબ આપતાં કહ્યું કે, “તમને ભારત લઈ જવાની વ્યવસ્થા માંડ થઈ છે અને તારે મૃતદેહો લઈ ત્યાં જવું છે?” આથી પેલી એર હોસ્ટેસના કહેવાથી મેં મારો બોર્ડિંગ પાસ ફાડી નાખ્યો. અહીં જ રહેવાની જીદ કરી. અંતે તેઓ સહમત થયા. ફિલ્મ રિલીઝ થવા સમયે જો હું સ્વસ્થ હોઈશ તો જ જોવા જઈશ.”

જાણીતા ગાયક નયન પંચોલી પણ આ ફ્લાઇટમાં હતા અને આ ઘટનામાં તેમણે પોતાની એક આંખ પણ ગુમાવી હતી. આ વાત કહેતાં તેમની આંખો ભીની થઈ જાય છે. તેઓ કહે છે કે, “હું ‘આવિષ્કાર’માં ગાયક હતો. રાત્રે જ્યારે હુમલો શરૂ થયો ત્યારે અમે બચવાનો રસ્તો શોધી રહ્યા હતા. મેં ઈમરજન્સી એક્ઝિટ જોયું અને તે ખોલવા પ્રયત્નો કરવા લાગ્યો. હાઈજેકરે આ જોયું અને મારા પર ગ્રેનેડ ફેંક્યો. ગ્રેનેડમાં રહેલા સ્પ્લિંટર મારી આંખમાં ખૂંચી ગયા. મને એમ જ લાગ્યું કે મારી આંખ બહાર આવી ગઈ છે. અંતે જેમતેમ કરીને હું પણ પ્લેનમાંથી બહાર નીકળ્યો. ત્યાં હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ટાંકા લઈ મારી આંખ બંધ કરી દેવામાં આવી.

જો એ વખતે યોગ્ય સારવાર મળી હોત તો મારી આંખ બચી શકી હોત. બાદમાં મુંબઈની બે હોસ્પિટલમાં સારવાર બાદ શિકાગોની હોસ્પિટલમાં સારવારમાં નકલી આંખ બેસાડવામાં આવી. અત્યારે તો ઇચ્છા નથી થતી કે હું આ ફિલ્મ જોવા જાઉં, પરંતુ રિલીઝ બાદ આ મુદ્દે વિચારીશ.” એ વખતે ગ્રૂપનાં પરફોર્મર તરીકે અમેરિકા જઈ રહેલાં પ્રીતિ ખરીદિયા આ દુઃખદાયક સ્મૃતિઓને ઢંઢોળતાં કહે છે કે,”મેં એક વર્ષ સુધી પરફોર્મન્સની પ્રેક્ટિસ કરી હતી.

ફ્લાઇટમાં ઘૂસેલા આતંકવાદી સિક્યુરિટીના ડ્રેસમાં હોવાથી અમને એમ થયું કે ચેકિંગ કરવા આ લોકો અંદર આવ્યા હશે અને બધાને હાથ ઊંચા કરવા કહી રહ્યા છે. બાદમાં ફ્લાઇટ હાઈજેક થયાની જાણ થઈ ત્યારે વિચારવાની ક્ષમતા જ ન રહી. અમને પહેલાં ગેંગ-વેમાં બેસાડ્યા ને પછી સીટ પર બેસાડવામાં આવ્યા. બપોરના સમયે બધાંને થોડી અનુકૂળતાથી બેસવાની તથા વાતો કરવાની છૂટ મળી હતી. રાત્રે જ્યારે ફાયરિંગ શરૂ થયું ત્યારે પણ અમે માંડ બચ્યા. ‘નીરજા’નું ટ્રેલર જોઈને હું ભાવુક થઈ હતી. ફિલ્મ જોવાની ઇચ્છા છે, પરંતુ ડર અને દુઃખ બંનેનો અનુભવ થઈ રહ્યો છે.”

અમદાવાદની જાણીતી સંસ્થા ‘સંવેદના’નાં સંચાલક જાનકી વસંત પણ હાઈજેક થયેલી એ ફ્લાઈટમાં હતાં. તેઓ આ ઘટના અંગે ભાવુક થઈને કહે છે, “હું મારું નૃત્ય કૌશલ્ય બતાવવા પ્રથમ વાર અમેરિકા જઈ રહી હોવાથી ખૂબ જ આનંદિત હતી. ફ્લાઇટ હાઈજેક થયા બાદ મેં જોયું કે હાઈજેકરે એક એર હોસ્ટેસના માથા પર બંદૂક રાખેલી છે. ફાયરિંગ સમયે કપરી પરિસ્થિતિ સર્જાઈ. અમારી તરફ ગ્રેનેડ ફેંકાયો, સ્પ્લિંટર મારા અને રૂપલના પગમાં ખૂંચી ગયા. રૂપલને વધુ ઈજા થવાથી મેં તેને ટેકો આપ્યો અને ઈમરજન્સી એક્ઝિટમાંથી અમે વિંગ પર આવ્યા. પગમાંથી લોહી વહેતું હોઈ માંડ ટર્મિનલે પહોંચ્યા, જ્યાંથી અમને હોસ્પિટલ લઈ જવાયા. હું આ ફિલ્મ જોઈશ અને ના કહી રહ્યા છે તેમને પણ જોવા લઈ જઈશ.”

દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં રૂપલ દેસાઈના ભાઈ આશિષ દેસાઈ તથા બહેન સોનલ વખારિયા હાલ અમદાવાદમાં છે. આશિષ દેસાઈ કહે છે, “હજુપણ આ ઘટના અમારા માટે દુઃખદાયક છે. મારા પિતા રૂપલબહેનનો મૃતદેહ લેવા મુંબઈ પહોંચ્યા ત્યારે બધાં કૉફિન પર મૃતકના નામનો ટૅગ અને ફોટો ચોંટાડવામાં આવ્યા હતા. જેમાં મારી બહેનના ટૅગ પર નીરજાનો ફોટો હતો અને નીરજાના ટૅગ પર મારી બહેનનો ફોટો હતો. આથી મારા પિતાએ તત્કાલીન એવિયેશન મંત્રી સમક્ષ ટૅગ અને ફોટો લગાવવામાં ભૂલ થઈ છે તેવી ભૂલ કૉફિનમાં મૃતદેહ રાખવામાં પણ થઈ હોવાની શક્યતા દર્શાવી. કૉફિન ખોલી ખરાઈ કરવાની વાત કરી. લાંબી રકઝકના અંતે તેમણે કૉફિન ખોલવાની મંજૂરી આપી.”

વીરાંગના નીરજા ભનોટની બહાદુરીની સાથે તેની સાથે ફ્લાઈટમાં હાજર ગુજરાતી પ્રવાસીઓની કામગીરી પણ વિશેષ રહી હતી. જોકે આઘાતમાં સરી ગયેલા આ ગ્રૂપના સદસ્યોએ આ ઘટનાને ભૂલવા ઘણાં પ્રયાસો કર્યા, પરંતુ હવે ‘નીરજા’થી આ ઘટના પરદે જીવંત થવા જઈ રહી છે ત્યારે તેમણે પણ પોતાની વાત રજૂ કરીને મન હળવું કર્યું.

મહિલાઓને સહાય માટે ‘નીરજા ભનોટ પેન-એમ ટ્રસ્ટ’
નીરજાના મોટા ભાઈ અને લેખક અનીશ ભનોટ કહે છે, “આ દુર્ઘટના વખતે હું ૨૮ વર્ષનો હતો અને ત્યારે બહેન ગુમાવ્યાનું દુઃખ થયેલું, પરંતુ બાદમાં ગર્વ પણ અનુભવાયો કે તેણે વીરતાભર્યું કામ કર્યું છે. રામ માધવાણી દિગ્દર્શિત ફિલ્મ ‘નીરજા’માં સોનમ કપૂર નીરજા ભનોટનું પાત્ર ભજવી રહી છે. આજની યુવાપેઢીના ઘણાં ઓછા લોકોને આ ઘટના કે નીરજા વિશે જાણકારી છે. ફિલ્મ દ્વારા તેઓ આ અંગે જાણી શકશે.

મારી દૃષ્ટિએ રામ માધવાણી આ ફિલ્મ બનાવીને દેશસેવાનું એક કામ કરી રહ્યા છે. લોકો આજે પણ અમને આદરથી જુએ છે. અમારા રિવાજ મુજબ દીકરીના પૈસા ન લેવાતાં હોઈ પેન-એમ એરલાઈન્સ દ્વારા મળતું વળતર પણ મારા પિતાએ નકાર્યું હતું. બાદમાં તેમના મિત્રએ વળતરના પૈસા સ્વીકારી નીરજાના નામે ટ્રસ્ટ બનાવી સારાં કાર્યોમાં તેનો ઉપયોગ કરવા જણાવ્યું. આ બાબતની જાણ પેન-એમ એરલાઈન્સને થતાં તેમણે ટ્રસ્ટનું નામ ‘નીરજા ભનોટ પેન-એમ ટ્રસ્ટ’ રાખવા જણાવ્યું અને બે લાખ ડૉલરનું વળતર આપ્યું. જેમાં એરલાઈન્સના કર્મચારીઓએ પણ યોગદાન આપ્યું અને કુલ ૨,૩૦,૦૦ ડોલરની સહાયથી ટ્રસ્ટ શરૂ કરાયું. જેમાં દર વર્ષે બે મહિલાઓને ઍવોર્ડ અપાય છે.”

દિગ્દર્શક રામ માધવાણીની નજરે ‘નીરજા’
‘નીરજા’ના લેખક સાઈવને આ કહાની અંગે અતુલ કસ્બેકર (પ્રોડ્યુસર)ને વાત કરી અને અતુલે મને ફિલ્મનું દિગ્દર્શન કરવા કહ્યું. આ કહાની પર મોટિવેશનલ અને આદર્શ ફિલ્મ બનાવવા અમે ચંદીગઢમાં નીરજાના પરિવારને પણ મળ્યા. બાદમાં નીરજાની માતાએ અમારા સેટ પર આવીને અમને શુભેચ્છા પણ પાઠવી હતી. અમે આ ફિલ્મ તેમની યાદગીરીને સમર્પિત કરી છે, કારણ કે ફિલ્મના ટ્રેલર લોન્ચના બે દિવસ પહેલાં જ તેમનું દેહાંત થયું હતું. ઘટનાના સાક્ષીઓ હજુ પણ આઘાતમાં હોઈ ફિલ્મ જોવાની ના કહે છે, પરંતુ આ એક મોટી ઘટના હતી જેથી આઘાતનો અહેસાસ કરાવવાની સાથે અમે તેમના દિલને પણ સ્પર્શી શકીએ તેવી યોગ્ય રજૂઆત બતાવવા ઈચ્છીએ છીએ. તેઓ નીરજાની બહાદુરી અંગે જાણી શકે. આ ફિલ્મ ભય સામે લડવાનું અને ફરજ અદા કરવાનું શીખવે છે.

ફિલ્મ અંગે અનેક રિસર્ચ કર્યા બાદ અમે ઘટનાના ૧૬ કલાકમાં શું બન્યું એ દર્શાવવા પ્રયાસ કર્યો છે. નીરજાએ કેવી બહાદુરી બતાવી જેથી તેને અશોકચક્ર મળ્યો? તેણે ત્રણ અમેરિકનના પાસપોર્ટ છુપાવ્યા, બાળકોને બચાવ્યાં, ઈમરજન્સી દરવાજા ખોલ્યા, પ્રવાસીઓને બચાવવાના પ્રયાસમાં તેણે પોતાનો જીવ ગુમાાવ્યો. નીરજાના રોલને સોનમે યોગ્ય રીતે નિભાવ્યો છે. ઘટનાના સાક્ષીઓએ મારી પર વિશ્વાસ મૂકીને મને જાણકારી આપી હતી જે મેં ફિલ્મમાં દર્શાવી છે. સેટ પર દરરોજ નીરજાના ફોટા પાસે દીપ પ્રગટાવીને શૂટિંગની શરૂઆત થતી હતી. હું ઈચ્છું છું કે ઘટનાના દરેક સાક્ષી આ ફિલ્મ જુએ અને પ્રતિક્રિયા આપે.

અમેરિકાએ આ શું કર્યું ?
અમેરિકાની ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)એ બેંગકૉકથી ઝડપેલો ઝાયદ હસન સાફરીની આ હાઈજેક ઘટનાનો માસ્ટર માઈન્ડ હતો. બાદમાં એવું પણ સાબિત થયું કે, આતંકવાદીઓને લિબિયાનું સમર્થન હતું. આથી પેન-એમના ભારત અને અમેરિકાસ્થિત ૧૬૦ પીડિતોએ અમેરિકાની કોર્ટમાં લિબિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ૨૦૧૧માં અમેરિકા અને લિબિયા વચ્ચે થયેલા એક સોદા મુજબ અમેરિકાએ લિબિયાને આતંકવાદી રાષ્ટ્ર તરીકેની ગણનામાંથી દૂર કર્યું તેમજ અમેરિકામાં લિબિયા વિરુદ્ધ ચાલતા તમામ કેસ બંધ કર્યા જેથી તેમનો પરસ્પર વિદેશ વ્યાપાર વધી શકે. આ સોદામાં લિબિયાએ અમેરિકાને ૧.૫ બિલિયન ડૉલરની કિંમત ચૂકવી હતી. જેથી લિબિયા સમર્થિત આતંકવાદી બનાવોના પીડિતોને વળતર ચૂકવી શકાય. જોકે અમેરિકાએ ૧૬૦ લોકોમાંથી માત્ર પોતાના ૪૦ પ્રવાસીઓને જ આ વળતર આપ્યું. આ મુદ્દે ધર્મેન્દ્ર શાહ કહે છે, “દુર્ઘટનામાં લોહી સૌનું રેડાયું હતું અને નીરજાની સમયસૂચકતાએ જ સૌને બચાવ્યા હતા. તો પછી માત્ર અમેરિકન નાગરિકોને જ વળતર કેમ ?”

પેન-એમ- ૭૩માં રહેલાં ગુજરાતી પ્રવાસીઓ
હાઈજેક્ડ ફ્લાઈટના પ્રવાસીઓમાં ગુજરાતનાં તૃપ્તિ દલાલ (ગોળી વાગવાથી મૃત્યુ), રૂપલ દેસાઈ (પગમાં ગ્રેનેડ બ્લાસ્ટ થવાથી મૃત્યુ), ધર્મેન્દ્ર શાહ, મેહુલ શાહ, પરિતા પટેલ, શૈલી રાવલ શેઠ, જાનકી વ્યાસ વસંત, ખંજન દલાલ, કલ્પેશ દલાલ, પ્રીતિ શાહ ખરીદિયા, વિશાલ પટેલ, ઉર્મિ પરીખ, નયન પંચોલી, તુલસીભાઈ ડટાણિયા, પરેશા શાહ, શિલ્પા પટેલ, કલ્પના શાહ, ઉત્પલા દેસાઈ, શિરીન ખંભોળજા સામેલ હતા.

મને મૃતદેહ જ્યાં રખાયેલા હતા ત્યાં લઈ જવાયો. ૨૦ મૃતકોમાંથી અમારા ગ્રૂપની બે વ્યક્તિના મૃતદેહની ઓળખ કરતી વખતની મારી મનોવ્યથાને હું ક્યારેય ભૂલી નહીં શકું. : મેહુલ શાહ, પેન-એમ-૭૩ના પ્રવાસી મેં ત્રણ હાઈજેકરને જોયા ત્યારથી મારા મનમાં નકારાત્મક વિચારો આવતાં હતા. એક હાઈજેકર શર્ટ કાઢી માત્ર પેન્ટમાં આંટાફેરા કરી રહ્યો હતો. તેના સાથીઓ તેને મુસ્તાક નામથી સંબોધી રહ્યાં હતા. : નયન પંચોલી, જાણીતા ગાયક અને પેન-એમ-૭૩ના પ્રવાસી

જમણી બાજુ રહેલું ઈમરજન્સી એક્ઝિટ ખૂલતાં અમે તેમાંથી કૂદી પડ્યા. અંધારામાં ટર્મિનલ સુધી પહોંચતા જે ડર અનુભવ્યો છે તે મારું મન જ જાણે છે. ટર્મિનલ સુધીનું એ અંધારું આજે પણ ભય પમાડે છે. : પ્રીતિ શાહ ખરીદિયા, પેન-એમ-૭૩ના પ્રવાસી

એક પ્રવાસીનું બાળક ખૂબ જ રડતું હોઈ હાઈજેકર તે બાળકને તેડી પ્લેનમાં આંટા મારવા લાગ્યો જેથી બાળક ડરી જાય અને ચૂપ થઈ જાય. ખબર નહીં એ સમયે બાળકની માતાની હાલત શું થઈ હશે! : ધર્મેન્દ્ર શાહ, પેન-એમ-૭૩ના પ્રવાસી

ફરજ પરના ડૉ. ફરહાને તેમજ અન્ય કર્મચારીઓએ અમારી ખૂબ કાળજી લીધી હતી. તે ડૉક્ટરે તેની ફિયાન્સીનાં કપડાં પણ મને પહેરવાં આપ્યાં હતાં. કરાચીના સ્થાનિકોની કાળજી હું ક્યારેય નહીં ભૂલું: જાનકી વસંત, પેન-એમ-૭૩ના પ્રવાસી

“ત્યારે હું ૧૬ વર્ષનો હતો. નયનભાઈ પર ગ્રેનેડ ફેંકાયો તે મેં નજરે જોયું હતું. તેની સામેના ઈમરજન્સી એક્ઝિટ પરથી અમે નીચે કૂદકો માર્યો. મને પણ દાઢી અને હાથમાં સ્પ્લિંટર ખૂચ્યા હતા. : વિશાલ પટેલ, પેન-એમ-૭૩ના પ્રવાસી

“મારા પિતાની ઇચ્છા નહોતી કે રૂપલબહેન અમેરિકા જાય. બહેનની સગાઈ થઈ હતી અને અમેરિકાથી આવ્યા બાદ તેનાં લગ્ન હતાં. હું આ દુર્ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકું તેથી હું આ ફિલ્મ જોવા નહીં જાઉં.” : સોનલ વખારિયા, પેન-એમ-૭૩નાં પ્રવાસી મૃતક રૂપલ દેસાઈનાં બહેન

ચિંતન રાવલ
વિશેષ માહિતીઃ હીના કુમાવત-મુંબઈ
તસવીરોઃ અમિત દવે-અમદાવાદ

You might also like