નીરવ મોદીનું ભારતમાં નહીં, અમેરિકામાં પ્રત્યર્પણ થશેઃ ર૦ વર્ષની જેલ થઈ શકે

(એજન્સી) મુંબઇ: બેન્કરપ્સીના એક કેસમાં અમ‌ેરિકા પણ ભાગેડુ ડાયમન્ડ બિઝનેસમેન નીરવ મોદીના લંડનથી પ્રત્યર્પણની માગણી કરી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે જો આમ થશે તો મોદીનું ભારતમાં પ્રત્યર્પણ શક્ય બનશે નહીં, કારણ કે અમેરિકામાં નીરવ મોદીનું પ્રત્યર્પણ થયા બાદ તેને સખતમાં સખત સજા મળી શકે છે. નીરવ મોદી હાલ લંડનની એક જેલમાં બંધ છે.

માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર પીએનબીને રૂ.૧૩,પ૦૦ કરતાં વધુનો ચૂનો લગાવીને ફરાર થઇ ગયેલ નીરવ મોદી પર ગત સપ્તાહમાં અમેરિકાના અત્યંત કડક કાયદા રેકેટિયર ઇન્ફલુઅન્સ્ડ એન્ડ કરપ્ટ ઓર્ગેનાઇઝેશન (રીકો) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું છે કે રીકો એક્ટ હેઠળ નીરવ મોદીને અમે‌રિકામાં જ ર૦ વર્ષની જેલની સજા થઇ શકે છે, સાથે જ તેને એટર્ની ફી અને ભારતમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ તેમજ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ હેઠળ થનારા દંડથી ત્રણ ગણી વધુ રકમનો દંડ ચૂકવવો પડશે.

પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે ઇડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે અમેરિકા પણ હવે નીરવ મોદીના પ્રત્યર્પણ હેઠળ દાવો કરી શકે છે અને આ માટે તે ટૂંક સમયમાં બ્રિટનને એક પત્ર લખનાર છે કે જેથી રીકો એક્ટ હેઠળ તેની સામે કેસ ચલાવી શકાય.

નીરવ મોદી સામે એક અમેરિકન બેન્કરપ્સી કોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે. અમેરિકાની કોર્ટે નીરવ મોદી અને તેના બે સાગરીતો મિ‌િહર ભણશાળી અને અજય ગાંધી સાથે ત્રણેય વિરુદ્ધ અમેરિકન કંપનીઓ ફાયર સ્ટાર ડાયમંડ, એ.જેફ એન્ડ ફેન્ટસી (મોદીની માલિકીની) રીકો એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.

You might also like