નીરજા સિદ્ધાંતવાદી અને બહાદુર હતીઃ સોનમ કપૂર

નીરજા ભનોટની સાહસિક કથા પર બનેલી ‘નીરજા’ ફિલ્મમાં સોનમ કપૂરે નીરજાની ભૂમિકા અદા કરી છે. ‘અભિયાને’ સોનમ સાથે વાતચીત કરી હતી. સોનમ કહે છે, “ર૩ વર્ષીય નીરજા એક સક્સેસફુલ મોડૅલ હતી. યુવાનીમાં જ તેણે મૉડૅલિંગ શરૂ કરી દીધું હતું, પરંતુ તે એર હોસ્ટેસ બનવા ઇચ્છતી હતી. એ વખતે ઍર હોસ્ટેસની જોબ પણ ગ્લેમરસ હતી. નીરજાના જીવનને જાણવા હું તેની માતાને અનેક વાર મળી ચૂકી છું.

ઘટનાનાં ચાર સપ્તાહ પહેલાં જ તેણે હાઈજૅક અંગેની ટ્રેનિંગ મેળવી હતી અને તેની માતાને આ અંગેની જાણકારી આપી હતી, જેથી ગભરાઈ ગયેલી માતાએ આવો બનાવ બને તો ભાગી જવાની સલાહ આપી ત્યારે નીરજાએ કહ્યું કે, “દરેક માતા આવું ઇચ્છે તો દેશનું શું થશે?” ફ્લાઈટ હાઈજેક થયાના સમાચાર સાંભળીને નીરજાની માતાને અંદાજો આવી ગયો હતો કે હવે નીરજા પાછી નહીં આવે. આ છોકરી ગમે તે કરશે, તે સિદ્ધાંતવાદી અને બહાદુર હતી. આ કહાની સાંભળતાં જ હું ફિલ્મ બનાવવા તૈયાર થઈ. હું તેના પરિવારને મળવા ચંદીગઢ તેના ઘરે ગઈ હતી અને એક દિવસ ત્યાં રોકાઈ પણ હતી.”

“નીરજાનો પરિવાર સિદ્ધાંતવાદી છે અને પરિવારમાં બધાં જ તેની વાત સાંભળતા. તે કંઈ ખોટું સહન નહોતી કરી લેતી. તે સાહસિક હતી. લગ્નના બે માસ બાદ જ તેણે માતા-પિતાને કહ્યું કે, “દહેજ અંગેની માગણીથી તે ત્રાસી ગઈ છે અને ઘરે પરત આવવા માગે છે.” તેનાં માતા-પિતાએ તેને પરત બોલાવી લીધી હતી. નીરજા તેના જન્મદિવસના બે દિવસ પહેલાં જ મૃત્યુ પામી હતી. તેની માતાનું દુઃખ હું સમજી શકું છું. અમે તો અભિનયના સ્ટાર્સ છીએ. ખરા હીરો નીરજા જેવા લોકો છે.”

ફિલ્મ બાદ કોઈ બદલાવ અનુભવે છે? તેવા સવાલના જવાબમાં સોનમ કહે છે, “મને લાગે છે કે યુવાનીમાં દરેક લોકો આદર્શવાદી હોય છે. કામ કરવું, સાચું બોલવું અને સિદ્ધાંતોને વળગી રહેવું એ શાળામાંથી જ શિખવવામાં આવે છે. આ સ્ક્રિપ્ટ મારી પાસે આવી એ દરમિયાન મેં એક મુદ્દે સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવેલો અને કેટલાંકે મારો વિરોધ કર્યો હતો. તેમને સમજાયું નહીં હોય કે હું સચ્ચાઈની સાથે છું. અન્યાય સામે લડવામાં લોકો આપણી સાથે હોય જ છે. નીરજાએ તો લોકો માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. મારા જીવનની સફર મુશ્કેલ રહી છે, પરંતુ હું હંમેશાં પ્રામાણિક રહેવા ઈચ્છું છું. આ કારણથી જ હું ‘નીરજા’ બની શકી છું.”

નીરજાના જીવન અને કામગીરી અંગે જાણવા હું તેના પરિવાર, મિત્રો અને કો-વર્કર્સને મળી હતી. કેબિન ક્રૂની તાલીમ પણ લીધી હતી એટલે કોઈ પણ મને તે લુકમાં જુએ તો નીરજાને જ યાદ કરે. મારો અવાજ અને બોડી લેંગ્વેજ તેના જેવાં જ છે, પરંતુ ચહેરા પરનો હાવભાવ બદલવો મુશ્કેલ હોઈ નીરજાના જીવનને સમજ્યા બાદ જ તે શક્ય બન્યું. તેનું હૃદય એટલું કોમળ હતંુ કે પંજાબી હોવા છતાં તે નોનવેજ નહોતી ખાતી. નીરજાની ભૂમિકા સાથે આ ફિલ્મ મારા માટે પણ યાદગાર બની રહેશે.”

You might also like