જાણીતા અભિનેતા, લેખક, દિગ્દર્શક નીરજ વોરાનું નિધન

મુંબઈ: લાંબી બિમારી બાદ બોલિવૂડના એક્ટર, રાઈટર અને ફિલ્મ મેકર નીરજ વોરાનું આજે વહેલી સવારે ૪.૦૦ વાગ્યે નિધન થયું હતું. ૫૪ વર્ષના ‘ફિર હેરા ફેરી’ના ડાયરેક્ટર નીરજ વોરાએ આજે સવારે ૪.૦૦ કલાકે મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

નીરજ વોરા બ્રેઈન સ્ટોક બાદ છેલ્લા એક વર્ષથી કોમામાં હતા. મીડિયા અહેવાલો અનુસાર નીરજ વોરાનો પાર્થિવ દેહ હેલા ફિરોઝ નડિયાદવાલાના નિવાસસ્થાન ‘બરકત વિલા’ ખાતે લઈ જવાશે અને ત્યાર બાદ આજે બપોરે ૩.૦૦ વાગ્યે સાંતાક્રૂઝ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે ટ્વિટર દ્વારા તેમના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પરેશ રાવલે લખ્યું હતું કે, ‘નીરજ વોરા – ‘ફિર હેરાફેરી’ સહિત કેટલીય હિટ ફિલ્મોના લેખક અને ડાયરેક્ટર હવે આપણી વચ્ચે રહ્યા નથી. ‘ઓમ શાંતિ’ તુષાર કપૂર અને અશોક પંડિતે પણ સ્વર્ગસ્થ નીરજ વોરાને શ્રદ્ધાંજલિ આપી હતી.

નીરજ વોરાએ વર્ષ ૨૦૦૦માં રિલીઝ થયેલી સુપર હીટ કોમેડી ફિલ્મ ‘હેરાફેરી’ની સ્ટોરી લખી હતી. એ જ રીતે વર્ષ ૨૦૦૬માં નીરજ વોરા હેરાફેરી’ સિક્વલ ‘ફિર હેરાફેરી’ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેમણે જ લખી હતી. નીરજ વોરા ‘હેરાફેરી-૩’ પર કામ કરી રહ્યા હતા, પરંતુ દરમિયાન તેમને સ્ટ્રોક આવતા તેઓ કોમામાં સરી પડ્યા હતા.

નીરજ વોરાએ પોતાની કરિયરની શરૂઆત સપોર્ટિંગ અભિનેતા તરીકે ફિલ્મ ‘હોલી’ દ્વારા કરી હતી. આમિર ખાન અભિનિત ‘રંગીલા’ની સ્ટોરી લખીને તેમને બોલિવૂડમાં નવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અક્ષયકુમાર અભિનીત ફિલ્મ ‘ખિલાડી-૪૨૦’ (૨૦૦૦)થી નિરજ વોરાએ દિગ્દર્શન ક્ષેત્રે ઝુકાવ્યું હતું. તેમણે ‘વેલકમ બેક’ (૨૦૧૫), ‘બોલ બચ્ચન’ (૨૦૧૨), ‘ખટ્ટા મીઠા’ (૨૦૧૦) સહિત કેટલીય ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.

આ ઉપરાંત તેમણે ‘અકેલે હમ, અકેલે તુમ’, ‘તાલ’, ‘જોશ’, ‘બદમાશ’, ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’, ‘આવારા પાગલ િદવાના’ જેવી ફિલ્મોના સંવાદો પણ લખ્યા હતા. આ સિવાય નીરજ વોરાએ વર્ષો સુધી ગુજરાતી થિયેટરમાં પણ કામ કર્યું હતું. વર્ષ ૧૯૯૨માં તેમના નાટક ‘અફલાતૂન’ પર પાછળથી રોહિત શેટ્ટીએ બ્લોક બસ્ટર ફિલ્મ ‘ગોલમાલ’ બનાવી હતી.

You might also like