જય સદ્દગુરૂ સ્વામી!

આ બાજુ સ્વામીએ નદીમાં સ્નાન કર્યું. કોરાં વસ્ત્રો પહેર્યાં; વગડામાં ખીલેલાં સુંગધી પુષ્પો વીણી ચાદરની ખોઈમાં ભર્યાં અને આશ્રમમાં પાછા આવ્યા. સ્વામીએ જાતે ફૂલોની માળા પરોવી. જાતે ચંદન ઘસ્યું અને નીલકંઠવર્ણી ક્યારે પધારે! એની આતુર હૈયે રાહ જોવા લાગ્યા.

આ બાજુ ભગવાન નીલકંઠવર્ણી પણ સ્વામીને સમય આપવા માગતા હોય, એમ નદીને કિનારે મોડે સુધી સભા ભરીને બેઠા અને જ્ઞાનવાર્તા કરતા રહ્યા. સંધ્યાનો સમય થવા આવ્યો. ત્યારે તેઓ સભા પૂર્ણ કરી આશ્રમે પધાર્યા. અહીંયા મુક્તાનંદ સ્વામી તો ક્યારનાય રાહ જોઈને બેઠા હતા. એક એક પળનો વિલંબ એમને જુગ જેવો લાગતો હતો. આશ્રમમાં સભા વખતે બેઠકની એક વિશિષ્ટ વ્યવસ્થા રહેતી. મધ્યભાગે ગુરુ ગાદીના પ્રતીક સમાન એક પીઠિકા રાખવામાં આવતી. તેના ઉપર સદ્ગુરુ રામાનંદ સ્વામીની ચરણ પાદુકા પધરાવવામાં આવતી. એ ચરણપાદુકાને વંદન કરીને સૌ પોતપોતાની જગ્યાએ બેસતા. નીલકંઠવર્ણીનું સ્થાન પીઠિકાની સમીપે જમીન ઉપર બિછાવેલા આસન ઉપર રહેતું.
આજે નીલકંઠવર્ણી ગુરુ ગાદીને પ્રણામ કરી જેવા નીચે બેસવા ગયા એ જ સમયે મુક્તાનંદ સ્વામી એકદમ ઉતાવળા ત્યાં પહોંચ્યા. ગાદી પરની પાદુકાઓ એકબાજુ કરી, નીલકંઠવર્ણીનો હાથ પકડી પરાણે ગુરુ ગાદી પર બેસાડી દીધા.

નીલકંઠવર્ણી હસીને બોલ્યા, હાં હાં સ્વામી! આ શું કરો છો? આ તો ઈશ્વરમૂર્તિ સંત સદ્દગુરૂ રામાનંદ સ્વામીની ગાદી છે. અહીં મારાથી કેમ બેસાય?” મુક્તાનંદસ્વામી સીને બોલ્યા, “વર્ણીરાજ! તમે તો ઈશ્વરના પણ ઈશ્વર છો, સદ્ગુરુની કૃપાથી મારી ભ્રાંતિ ભાંગી ચૂકી છે, સાચી ઓળખાણ થઈ ચૂકી છે. મારાથી જે અપરાધ થાય છે, તેને ક્ષમા કરજો.”

સર્વે સંતો તથા હરિભક્તો મુક્તાનંદ સ્વામીનું આ હૃદય પરિવર્તન નિહાળી રહ્યા હતા. ‘અચાનક આમ કેમ થયું?’ તે કોઈના કળ્યામાં આવતું ન હતું. એક પર્વતભાઈ બધી વાત સમજી ગયા હતા. એમનાં અંતરમાં તાળો બેસી ગયો હતો કે સ્વામી કંઈક જડ્યાની વાત કરતા હતા તે આ જ છે. આ બાજુ મુક્તાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીના ભાલમાં સ્વહસ્તે ઉતારેલ ચંદનની અર્ચા કરી, પ્રેમથી ગૂંથેલ પુષ્પની માળા વર્ણીરાજના કંઠમાં પહેરાવી અને અંતરની ઊર્મિઓમાંથી પ્રગટેલી આરતીનું ગાન કરતાં કરતાં આરતી ઉતારી.
જય સદ્દગુરૂ સ્વામી… પ્રભુ!
જય સદ્દગુરૂ સ્વામી…
સહજાનંદ દયાળુ,
બળવંત બહુનામી… જય દેવ૦
આ અવસર કરુણાનિધિ
કરુણા બહુ કીધી,
મુક્તાનંદ કહે મુક્તિ,
સુગમ કરી સીધી… જય દેવ૦
આ અદ્દભૂતપ્રસંગે મુક્ત મુનિએ રચેલ આરતીનું આ પદ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાખો નરનારીઓ સંધ્યા સમયે ગાય છે અને નિરાજન મહોત્સવ ઊજવે છે. પોતાની દિવ્ય અનુભૂતિની વાત મુક્તાનંદ સ્વામીએ આગેવાન સંતો હરિ ભક્તોને કરી અને સમાધિ અંગે સર્વને નિઃસંશય ક્યાં. મુક્તાનંદ સ્વામી સદ્ગુણોનો ભંડાર હતા; ઉંમરમાં નીલકંઠવર્ણીથી ઘણા મોટા હતા, છતાં રામાનંદ સ્વામીએ જ્યારે યુવાન નીલકંઠને સર્વના ગુરુ પદે સ્થાપ્યા ત્યારે એમના અંતરમાં સહેજ પણ ઈર્ષ્યાનો ભાવ જાગ્યો ન હતો. મુક્તાનંદ સ્વામી શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે તેમ નિર્મત્સર સંત હતા. ગુરુદેવ રામાનંદ સ્વામીનાં વચને તેઓ જીવનભર નીલકંઠના સેવક થઈ રહ્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ એમની સદ્ગુરુ રામાનંદ સ્વામી જેવી જ આમન્યા જાળવી હતી.
શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી, એસજીબીપી, ગુરુકુળ, છારોડી

You might also like