કેટલાક લોકો હિન્દુ શબ્દને ‘અછૂત’ બનાવવાની કોશિશ કરી રહ્યા છે: વેંકૈયા

શિકાગો: અમેરિકાના શિકાગોમાં આયોજિત વિશ્વ હિન્દુ કોંગ્રેસના સમાપન સમારોહમાં સંબોધન કરતાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે કેટલાક લોકો હિન્દુ શબ્દને ‘અછૂત’ અને ‘અસહનીય’ બનાવવાની કોશિશ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ સંમેલનનું આયોજન સ્વામી વિવેકાનંદના શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં આપેલા ઐતિહાસિક ભાષણની ૧રપમી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું હતું, તેમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે પણ ભાગ લીધો હતો. રવિવારે સમાપન કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભાષણ આપ્યું હતું.

તેમણે હિન્દુ ધર્મનાં સાચાં મૂલ્યોના સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂકવા જણાવ્યું, જેથી આવા વિચારો અને પ્રકૃતિને બદલી શકાય, જે ખોટી માહિતી અને સૂચનાઓ પર આધારિત છે.

બીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસને સંબોધિત કરતાં ઉપરાષ્ટ્રપતિ નાયડુએ જણાવ્યું હતું કે ભારત સાર્વભૌમિક સહનશીલતામાં વિશ્વાસ કરે છે અને તમામ ધર્મને સાચા માને છે, તેમનો આદર કરે છે.

હિન્દુ ધર્મનાં અગત્યનાં પાસાંને રેખાંકિત કરતાં તેમણે જણાવ્યું હતું કે હિન્દુ દર્શનનાં મૂળ તત્ત્વોમાં ધ્યાન રાખવું અને માન આપવું તેનો પણ સમાવેશ થાય છે.

નાયડુએ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે હિન્દુ ધર્મ અંગે ઘણી ખોટી માહિતીઓ અને વિગતો ફેલાવવામાં આવી રહી છે. કેટલાક લોકો હિન્દુ શબ્દને જ અછૂત અને અસહનીય બનાવવાની સતત કોશિશ કરી રહ્યા છે. વ્યક્તિએ વિચારોને સાચા અને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈને રજૂ કરવા જોઈએ, જેથી દુનિયા સામે સૌથી પ્રામાણિક પરિપ્રેક્ષ્ય રજૂ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે શિકાગોમાં સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૩ના રોજ આપેલા ભાષણનાં ૧રપ વર્ષ પૂરાં થવા નિમિત્તે વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં ૮૦ દેશોએ ભાગ લીધો હતો.

You might also like