કળાને પણ સુધારતાં રહેવું જરૂરીઃ સોનમ

આ વર્ષે સોનમ કપૂરે બોલિવૂડમાં એક દાયકાની સફર પૂર્ણ કરી લીધી છે. તેને લાગે છે કે તેની સમગ્ર સફર એક વ્યક્તિ તરીકે વિકાસ કરવા અને તેને બહેતર બનાવવા પર કેન્દ્રિત છે. સોનમ કહે છે કે તેની ફિલ્મી કરિયર કાચબાની જેમ ધીમી જરૂર રહી, પરંતુ ક્યારેય રોકાઇ નથી. તે કહે છે કે ૨૦૧૭માં ફિલ્મ ઉદ્યોગમાં મને એક દાયકો પૂર્ણ થયો. મને લાગે છે કે સમગ્ર સફર એક વ્યક્તિ તરીકે વિકાસ કરવા અને બેસ્ટ બનવા પર કેન્દ્રિત છે. હું માનું છું કે આપણી સફર ધીમી અને સ્થિર હોય છતાં પણ વિશ્વાસવાળી વસ્તુઓ કરવી, સખત મહેનત અને સંબંધો પણ જાળવી રાખવા. તમારી કળામાં પણ સુધારો લાવવો એટલું જ મહત્ત્વનું છે.

આર. બાલ્કીની આગામી ફિલ્મ ‘પેડમેન’માં કામ કરી રહેલી સોનમને લાગે છે કે તેનો આ નિર્દેશક સાથે અદ્ભુત લગાવ છે. તે આ ફિલ્મમાં કામ કરવાની વાતને પોતાની ખુશકિસ્મતી સમજે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૫માં આવેલી બહુચર્ચિત ફિલ્મ ‘બ્લેક’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા બાદ સોનમે એક્ટિંગ કરિયરની શરૂઆત ૨૦૦૭માં કરી હતી. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘સાંવરિયા’માં તેણે રણબીર કપૂર સાથે ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત ‘રાંઝણા’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’થી તેની કરિયરને ગતિ મળી. ‘નીરજા’ એની કરિયર માટે મહત્ત્વની ફિલ્મ સાબિત થઇ.

http://sambhaavnews.com/

You might also like