જાણો શું છે જુવેનાઇલ જસ્ટિસ બિલ

નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપના સગીર આરોપીને છોડી મુકવાના ચૂકાદા બાદ લોકો કાયદામાં ફેરફાર કરવા માટે આક્રોશ વ્યક્ત કરી રહ્યાં હતા એટલું જ નહી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે તે કાયદાની ઉપરવટ જઇને નિર્ણય ન લઇ શકે અને કાયદાને બદલવાની જવાબદારી સરકારી પર છોડી દીધી હતી. સરકાર પર જુવેનાઇલ જસ્ટિસ બિલને પાસ કરાવવા માટે દબાણ વધી ગયું હતું. લોકસભા પાસ થયા બાદ આજે મંગળવારે આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું છે.

આ બિલ પાસ થતાં સગીર ગુનેગારો પર કયા પ્રકારે કાયદાનો ગાળિયો કસવામાં આવશે અને કયા પ્રકારે તેમનામાં ગુનાને લઇને ડર પેદા થશે, તે તમને સમજાવીએ.

કાનૂનની નજરમાં કોણ છે જુવેનાઇલ?
18 વર્ષ કે તેથી ઓછી ઉંમરનો કોઇ પણ ગુનેગાર કાનૂનની નજરમાં સગીર હોય છે. ઇન્ડિયન પિનલ કોડ કહે છે કે 7 વર્ષની નાની ઉંમરના કોઇપણ પર આપરાધિક કેસ દાખલ ન કરી શકાય.

આ છે જોગવાઇ:
– જુવેનાઇલ જસ્ટિસ બિલ 2000ને બદલીને નવા બિલને લાવવામાં આવશે. નવા બિલમાં જોગવાઇ છે કે રેપ અને હત્યા જેવા જઘન્ય અપરાધોમાં 16-18 વર્ષના ગુનેગારોને વયસ્ક ગણવામાં આવશે તેમના પર વયસ્કો માફક જ કેસ ચાલશે.

– રેપ અને હત્યા જેવા જઘન્ય અપરાધ કરનાર 16-8 વર્ષના કોઇપણ ગુનેગાર પર કેસ ત્યારે જ ચલાવવામાં આવશે જ્યારે તે 21 વર્ષનો થઇ જશે.

– બિલમાં દેશના દરેક જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી) અને ચાઇલ્ડ વેલફેર કમિટી (સીડબલ્યૂસી) બનાવવાની જોગવાઇ છે.

– સગીર અપરાધીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવે કે પછી તેના પર વયસ્કની માફક કેસ ચલાવવામાં આવે તે વાતનો ફેંસલો કરવાનો અધિકાર જેજેબી પાસે રહેશે.

– બાળકોની સાથે હેવાનિયત કરવી, બાળકોને ડ્રગ્સ આપવું કે બાળકોનું અપહરણ/વેચવાના ગુનામાં સજા તે જ રહેશે જે જુના બિલમાં છે.

તજજ્ઞોનું મંતવ્ય સગીરોને વયસ્કોની માફક સજા આપવાના મુદ્દે વિશેષજ્ઞોનું અલગ-અલગ મંતવ્ય છે. કેટલાકનું કહેવું છે કે અત્યારનો કાયદો બાળકોમાં અપરાધ પ્રત્યે ડર પેદા નથી કરતો જ્યારે કેટલાકનું માનવું છે કે સગીર ગુનેગારોને સુધારગૃહમાં મોકલવાથી અપરાધ પ્રત્યે તેમનો દ્રષ્ટિકોણ બદલાઇ છે અને તેમનામાં સુધારો આવે છે.

કેટલાક કાયદાકીય નિષ્ણાંતોનું કહેવું છે કે જઘન્ય ગુનો કરનાર સગીર અપરાધી પર વયસ્કોની માફક કેસ ચલાવતાં કલમ 14 (સમાનતાનો અધિકાર) અને કલમ 21 (કાયદો બધા માટે બરાબર છે)નું ઉલ્લંખન થાય છે.

 

You might also like