અંતર્યામીને શોધવા સાચા સદ્‌ગુરુના માર્ગદર્શનની જરૂર

મનુષ્ય એક પરિઘ વિનાનું સર્કલ છે. આત્મા તેનું કેન્દ્રબિંદુ છે. શરીર સીમિત હોવા છતાં આત્મકેન્દ્રમાંથી ઉત્પન્ન થતી ત્રિજ્યાઓ અનંતને આંબવાની શકિત ધરાવે છે. આત્મા પણ અનંતનો એક ભાગ છે. અનંતમાંથી ભીતર તરફ આવતો એક છેડો છે. આ છેડો ભીતરમાં રહીને વ્યક્તિના સર્વાંગોનું સંચાલન કરે છે.
આ વિશ્વના પ્રાકૃતિક તાલ સાથે મનુષ્ય પોતાના તનનો તંબૂરો અને મનના મંજીરા વગાડતાં શીખી જાય તો જ શબ્દ અને સૂરતા એકરૂપ બને. આમ થયા પછી જ આત્મતત્ત્વનો ગેબી નાદ ગુંજવા લાગે છે. આ નાદ આમ તો અવિરત ચાલુ છે પણ વ્યક્તિની દુર્લક્ષતાના કારણે આ અંતરનાદનો અનુભવ થતો નથી.
મોટા ભાગે જ્યારે બાહ્ય ભૌતિક અવાજોનો બિલકુલ અભાવ સર્જાય છે ત્યારે જ ભીતરી શબ્દનો ભણકાર અનુભવાય છે. આ અવાજ સાંભળવા ઘણા લોકો યોગસાધનાનો સહારો લેતા હોય છે, જોકે આ પ્રકારનો અવાજ ઘણી વાર કાનની અંદરના ભાગમાંથી થતા
કુદરતી ફેરફારના કારણે પણ સંભળાય છે.
આ વિશ્વ અનંત છે, તેમાં વ્યાપી રહેલા પરમાત્મા પણ અનંત છે. આ અનંત વિશ્વને માપી શકાતું નથી, પણ પામી શકાય છે. સંતો, શાસ્ત્રો અને બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુઓના કથન મુજબ વિશ્વવ્યાપી પરમાત્માનો એક અંશ પ્રત્યેક વ્યક્તિના દેહમાં બિરાજમાન છે. મહામાનવોએ આ અંશને આત્મા કહ્યો છે. આ અંતર્યામીને શોધવા કોઈ સાચા સદ્‌ગુરુના માર્ગદર્શન મુજબ આત્મખોજ કરવાની જરૂર છે. સામાન્ય રીતે કોઈ પણ ભૌતિક મંદિરમાં રહેલી દેવમૂર્તિનાં દર્શન બંધ બારણે થઈ શકતાં નથી. બહાર લાગેલાં તાળાં અને બારણાં ખોલીને અંદરનો અંધકાર દૂર કરવા માટે દીપક પ્રગટાવવો પડે છે. આમ કરવાથી જ દર્શન શક્ય બને છે.
આમ, દેવનાં દર્શન પહેલાં મંદિરની માહિતી હોવી આવશ્યક છે. આપણે દેહમંદિરની વાત કરી રહ્યા છીએ. સૌપ્રથમ દેહમંદિરનાં તાળાં અને બારણાં ખોલી જ્ઞાનનો દીપક પેટાવવો પડશે. આવરણો હટાવ્યા પછી જ આત્મતત્ત્વનો અણસાર મળી શકશે.
દેહનું ભાન થયા પછી જ દેહાભ્યાસ વિશે વિચારી શકાય. ઘટનું જ્ઞાન થયા પછી જ તેમાં રહેલા તત્ત્વનો તાગ મેળવી શકાય છે. અંતઃકરણના સિંહાસન પર બેસીને શરીરના પ્રત્યેક પરમાણુને જીવન આપનાર આત્મા ખુદ અવ્યક્ત રહીને અન્યને વ્યકિતત્વ બક્ષે છે. વાસ્તવમાં આત્મા અને પરમાત્મા અલગ નથી, એક જ તત્ત્વ છે. માત્ર અજ્ઞાનનું આવરણ દ્વૈત સર્જે છે.

You might also like