ગઢડા સ્વામિનારાયણ મંદિર પાસેના ઊંડા ખાડામાં ખાબકતાં બે બાળકનાં મોત

અમદાવાદ: ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિર પાસે ખોદેલા ઊંડા ખાડામાં ગઇ કાલે સાંજે બે બાળકો ખાબકતાં બંનેના મોત થયાં હતાં. આ ઘટનાના પગલે ગામ લોકોમાં રોષ ભભૂકયો હતો અને મોડી સાંજ સુધી સ્વામિનારાયણ મંદિરે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં.

ગઢડા ખાતે આવેલા જૂના સ્વામિનારાયણ મંદિર પાસે મંદિરની જ જૂની ધર્મશાળા પાડી દઇ નવી ધર્મશાળા બનાવાઇ રહી છે. નવી બની રહેલી ધર્મશાળાના પાયા પાસે ૪૦ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવતા એક જૂનવાણી કૂઇ મળી આવી હતી. આ કૂઇમાં ર૦ ફૂટ જેટલું પાણી હતું. ગઇકાલે સાંજે ગઢડા ગામમાં જ રહેતા મેહુલ નરેશભાઇ દેકાણી (ઉ.વ.૧૧) અને કેવલ (ઉ.વ.૧૩) આ બંને બાળકો જૂના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે ૪૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યા હતા.

મોડી સાંજ સુધી બંને બાળકો પોતપોતાના ઘરે પરત ન ફરતા ઘરના સભ્યોએ ચિંતાતુર બની જઇ શોધખોળ શરૂ કરતા મંદિર પાસેના ખાડા નજીકથી બંને બાળકોનાં ચપ્પલ મળી આવ્યાં હતાં. આથી પોલીસે ખાડામાં તપાસ કરાવતા બંને બાળકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહને પી.એમ. માટે મોકલી આપ્યા હતા. બે બાળકોનાં ખાડામાં પડી જવાથી થયેલાં મોતના સમાચાર ગઢડા ગામમાં વાયુવેગે પ્રસરતા મંદિર નજીક લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં હતાં અને લોકોએ મંદિરના સંચાલકો સામે રોષ દાખવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like