ગુજરાતમાં ભાજપના વિજયમાં એનસીપી-બીએસપીનો ફાળો

અમદાવાદ: જો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બસપા અને એનસીપીના ઉમેદવારોએ ઝુકાવ્યું ન હોત તો પરિણામો નાટકીય રીતે અલગ આવ્યાં હોત. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ એવો નિર્દેશ આપે છે કે ૧૦ જેટલી બેઠક પર માયાવતીના પક્ષ બસપા અને શરદ પવારના પક્ષ એનસીપીના ઉમેદવારોને મળેલા વોટ ભાજપે કોંગ્રેસના હરીફોને જે સરસાઈથી હરાવ્યા તેનાં કરતા વધુ હતા.

આમ જો આ દશ બેઠક પર બસપા અને એનસીપીના ઉમેદવારો ઊભા રહ્યા ન હોત તો આ રીતે વોટ વિભાજિત ન થાત અને તેનો ફાયદો કોંગ્રેસના ઉમેદવારને મળ્યો હોત અને દશે દશ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

જો બસપા અને એનસીપીના મત કોંગ્રેસને ગયા હોત તો ચૂંટણીનાં આખરી પરિણામોમાં ભાજપને ૮૯ અને કોંગ્રેસને ૯૦ બેઠક મળી હોત. બે અપક્ષ ઉમેદવાર કોંગ્રેસના વિદ્રોહી હતા અને એક વિજેતા એનસીપીના ઉમેદવાર હતા અને આમ ભાજપ વિરોધી મતદારોએ કુલ ૯૩ ઉમેદવારને ચૂંટ્યા હોત અને આ રીતે કોંગ્રેસ સરકાર રચી શકી હોત.

એટલું જ નહીં ૧૭ બેઠક પર બસપા-એનસીપી અને અપક્ષોએ મળીને ભાજપ ઉમેદવાર દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને જેટલી સરસાઈથી હરાવ્યા હતા તેના કરતા પણ વધુ મત મેળ‍વ્યા હતા. જો અપક્ષો, બસપા અને એનસીપીના ઉમેદવારો ઊભા રહ્યા ન હોત તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થયો હોત અને આખરી પરિણામમાં કોંગ્રેસની બેઠકની સંખ્યા ૯૭ થઈ હોત અને ભાજપ સહિત અન્યની બેઠકની સંખ્યા ૮૫ થઈ હોત.

ગોધરાનું ઉદાહરણ લઈએ તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો માત્ર ૨૫૮ મતથી પરાજય થયો હતો. આ બેઠક પર ચૂંટણી લડનાર પાંચ મુસ્લિમ ઉમેદવારોએ ભાજપ વિરોધી મતને તોડ્યા હતા અને સાથે મળીને ૪૩૩૧ વોટ પ્રાપ્ત કર્યા હતા. જે વિક્ટરી માર્જિનના વોટ કરતાં ૪,૦૭૩ વધુ હતા.

બેઠક અને વિજેતા વિજયની સરસાઈ બસપા+એનસીપી
ગોધરા, ભાજપ ૨૫૮ ૧,૨૧૫
પોરબંદર, ભાજપ ૧,૮૫૫ ૪,૩૩૭
રાજકોટ ગ્રામ્ય, ભાજપ ૨,૧૭૯ ૪,૨૦૩
પ્રાંતિજ, ભાજપ ૨,૫૫૧ ૪,૭૯૭
વિજાપુર, ભાજપ ૧,૧૬૪ ૧,૬૫૮
હિંમતનગર, ભાજપ ૧,૭૧૨ ૧,૭૫૭
ફતેપુરા, ભાજપ ૨,૭૧૧ ૩,૯૩૩
બોટાદ, ભાજપ ૯૦૬ ૧,૬૨૨
ધોળકા, ભાજપ ૩૨૭ ૪,૩૩૭
ઉમરેઠ, ભાજપ ૧,૮૮૩ ૩૫,૦૫૧

You might also like