NCLATનો અનિલ અંબાણીને ફટકોઃ જેલમાં જવું પડે તેવા સંજોગ

(એજન્સી)નવી દિલ્હી: એરિક્સનની બાકી નીકળતી રકમ ચૂકવવા માટે અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા સમાપ્ત થવાના થોડા દિવસ પહેલાં નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી)એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને રૂ. ૨૫૯ કરોડનું આઇટી રિફંડ જારી કરવા માટે આદેશ આપવા ઇનકાર કર્યો છે.

એનસીએલટીએ જણાવ્યું છે કે આ મામલો તેના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતો નથી. આમ, હવે એનસીએલટીએ અનિલ અંબાણીને ઝટકો આપ્યો હોવાથી અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એરિક્સનને નિર્ધારિત સમયમર્યાદામાં પેમેન્ટ કરવાનું હોવાથી જો હવે અનિલ અંબાણી તેમ કરવામાં નિષ્ફળ જશે તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેમને જેલમાં જવું પડશે. વાસ્તવમાં આરકોમ આ રકમ દ્વારા એરિક્સનને પેમેન્ટ કરવા માગતી હતી. સુપ્રીમ કોર્ટે આરકોમ ગ્રૂપને એરિક્સનને રૂ. ૪૫૩ કરોડ ચાર સપ્તાહમાં ૧૯ માર્ચ સુધી ચૂકવવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો ગ્રૂપ આવું કરવામાં નિષ્ફળ જશે તો અનિલ અંબાણીને જેલમાં જવું પડશે.

એનસીએલએટીના ચેરમેન ન્યાયમૂર્તિ એસ.જે. મુખોપાધ્યાય અને સભ્ય (જ્યુડિશિયલ) ન્યાયમૂર્તિ બંસીલાલ ભટ્ટની બેન્ચે જણાવ્યું હતું કે બેન્કરપ્સી કાયદા હેઠળ દાખલ થયેલી અપીલમાં કોઇ પણ પક્ષને નિર્દેશ જારી કરી શકાય નહીં. ખાસ કરીને ત્રાહિત પક્ષને આવું કરવા માટે જણાવી શકાય નહીં. બેન્ચે જણાવ્યું હતું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીન છે. એનસીએલએટી સુપ્રીમ કોર્ટ દ્વારા કોઇ આદેશ જારી કરવામાં આવે ત્યાં સુધી ૩૦ મે, ૨૦૧૮ના ઇન્ટરિમ આદેશને હટાવી શકે નહીં કે કોઇ રકમ રિફંડ કરવા માટે વચગાળાનો આદેશ જારી કરી શકે નહીં. આરકોમએ એનસીએલએટી સમક્ષ અપીલ કરીને ઇન્કમટેક્સ રિફંડના રૂ. ૨૫૯ કરોડ જારી કરવા સૂચના આપવા અનુરાધ કર્યો હતો.

You might also like