નયનતારા, નંદકિશોરે સાહિત્ય અકાદમી પુરસ્કારો પાછા સ્વીકાર્યા

નવી દિલ્હી : દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ હોવાના મામલે સાહિત્ય અકાદમી પુરસ્કાર પરત આપનારી લેખિકા નયનતારા સહગલ હવે તે પાછો લેવા રાજી થઈ ગયા છે.  સાહિત્યકાર કલબુર્ગી તથા દાદરી કાંડ જેવી ઘટનાઓ બાદ દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ હોવાની વાત કરીને ૪૦ સાહિત્યકારોએ પોતાના   સાહિત્ય અકાદમી પુરસ્કારો પાછા આપી દીધા હતા. સાહિત્યકાર ઉદય પ્રકાશની સાથે નયનતારા સહગલે એક રીતે એવોર્ડ વાપસી ઝંબેશની શરૂઆત કરી હતી.

 

એક અહેવાલ મુજબ પંડિત જવાહરલાલ નેહરુની ભાણી નયનતારા હવે તે પાછો લેવા તૈયાર થઈ ગયા છે. અસહિષ્ણુતાના વિરોધમાં પોતાના  સાહિત્ય અકાદમી એવોર્ડ પાછા આપી દેનારા લેખકો હવે તે પાછો લેવા લાગ્યા છે. તેમાં નયનતારા સહગલનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે  સાહિત્ય

અકાદમી તરફથી તેમને એક પત્ર મળ્યો હતો. તેમાં જણાવાયું હતું કેપાછો આપવામાં આવેલો એવોર્ડ સ્વીકારવો તે અમારી નીતિની વિરુધ્ધમાં છે.  તેથી અમે તમને આ એવોર્ડ પાછો મોકલી રહ્યા છીએ.

 

સહગલે તેમને અપાયેલો રૂ.૧ લાખનો ચેક પરત આપી દીધો હતો. બંન્ને લેખકોએ એવોર્ડ પાછો લેવાની વાતનો સ્વીકાર કર્યો હતો. ૮૮ વર્ષીય નયનતારાને ૧૯૮૬માં તેમની નવલકથા ‘રીચ લાઈક અસ’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે એવોર્ડ પરત આપતા જણાવ્યું હતું કે મોદીના શાસનમાં આપણે પાછળની તરફ જઈ રહ્યા છીએ.હિંદુત્વના દાયરામાં મર્યાદિત થઈ રહ્યા છીએ. ભારતીયો દહેશતમાં જીવી રહ્યા છે. તેમણે સાહિત્ય અકાદમી  પર મૌન રહેવાનો આક્ષેપ કર્યો હતો.

 

જોકે, હિંદી સાહિત્યના દિગ્ગજ કવિ અશોક વાજપેયી પોતાના નિર્ણય પર મક્કમ છે.તેમણે જણાવ્યું કે તેમને પણ અકાદમી તરફથી પત્ર મળ્યો છે.  પરંતુ મને લાગતું નથી કે તેનાથી તેની પ્રતિષ્ઠા પાછી ફરી શકે.તેથી મને નથી લાગતું કે મારા માટે પરત અપાયેલા એવોર્ડને ફરી લેવાનું કોઈ કારણ બાકી રહ્યું હોય.

You might also like