છત્તીસગઢ: એન્કાઉન્ટરમાં ત્રણ વરદીધારી નક્સલવાદીઓ ઠાર

દંતેવાડા: છત્તીસગઢમાં બીજાપુર-દંતેવાડાના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારે થયેલી અથડામણમાં ત્રણ નકસલીઓને ઠાર મારવામાં પોલીસને મોટી સફળતા મળી હતી. ફરસપાલ પોલીસ સ્ટેશન વિસ્તારના કચ્ચીઘાટી ક્ષેત્રમાં પોલીસ અને નક્સલો વચ્ચે થયેલી અથડામણમાં ડીઆરજીએ ત્રણ વરદીધારી નકસલીઓને ઢાળી દીધા છે. પોલીસને ઘટનાસ્થળેથી બે પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યા છે. નકસલીઓની ઓળખ અજય નિવાસી જગરગુંડા, ફાગુ નિવાસી ફુડનેલ અને મનીષા નિવાસી પુસકલા બીજાપુર તરીકે થઈ છે.

દંતેવાડાના એસપી કમલોચન કશ્યપે નકસલીઓના મોતને સમર્થન આપ્યું છે. એસપીએ જણાવ્યું હતું કે બાતમીદારે ફરસપાલ વિસ્તારમાં નકસલીઓની હિલચાલની જાણ કરી હતી આથી તેમણે ૪ ઓગસ્ટની રાત્રે ૧૧.૦૦ કલાકે પોલીસ ટીમને સર્ચ ઓપરેશન હાથ ધરવા મોકલી આપી હતી.

દરમિયાન આજે વહેલી સવારે ૬.૦૦ વાગ્યાની આસપાસ ફરસપાલ અને ચિત્તાપુરના કચ્ચીઘાટી વિસ્તારમાં નકસલીઓ પોલીસની જાળમાં ફસાઈ ગયા હતા. બંને બાજુ તરફથી થયેલા ગોળીબારમાં નકસલીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટના સ્થળે લોહીના ડાઘા મળી આવ્યા હતા. ત્રણ નકસલીઓની લાશ સાથે ૩૧૫ બોરની રાઇફલ, ૩૫ જિલેટિન, ૪૦ મીટર વાયર અને નકસલી સાહિત્ય મળી આવ્યા છે.

એસપીએ જણાવ્યું હતું કે જવાનોએ નકસલીઓને માર્યા ગયેલા પોતાના સાગરીતોના મૃતદેહ ઘસડીને લઈ જતા જોયા હતા. આ અગાઉ નકસલીઓએ ગઈ કાલે રાત્રે પોલીસ ટીમના માર્ગ પર સુરંગ બિછાવીને વિસ્ફોટ કર્યો હતો.

You might also like