ઝારખંડમાં મોડી રાત્રે નકસલીઓએ બોમ્બથી ભાજપનું કાર્યાલય ઉડાવ્યું

લોકસભા ચૂંટણી ર૦૧૯ દરમિયાન ઝારખંડમાં પ્રથમવાર નકસલ આતંકવાદી ઘટના ઘટી છે. ઝારખંડ રાજ્યના પલામુ જિલ્લાના નકસલ પ્રભાવિત હરિહરગંજમાં પ્રતિબંધિત સંગઠન માઓવાદીના ૧ર ઉગ્રવાદીઓએ ગુરુવારે મોડી રાત્રે બસસ્ટેન્ડ નજીક આવેલ ભાજપના ચૂંટણી કાર્યાલયને બોમ્બ બ્લાસ્ટથી ફૂંકી માર્યું હતું. આ ઘટના રાત્રે ૧ર.રપ કલાકની આસપાસ ઘટી હતી.

ભાજપનું કાર્યાલય બોમ્બથી ફૂંકી મારીને નકસલીઓ એક ચિઠ્ઠી પણ છોડી ગયા હતા. નકસલીઓએ આ ચિઠ્ઠીમાં રાફેલ ગોટાળો, શરાબ બેરન વિજય માલ્યાના બાકી નીકળતા રૂ.૯,૦૦૦ કરોડ અને ડાયમંડ કિંગ નીરવ મોદીના રૂ.૧૧,૦૦૦ કરોડના ગોટાળા સહિત નોટબંધી અને ધાર્મિક લઘુમતીઓ પર થઇ રહેલા હુમલાઓનો વિરોધ કર્યો હતો. ચિઠ્ઠીમાં ૧૭મી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ નકસલોએ જણાવ્યું હતું.

બોમ્બ બ્લાસ્ટથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. લોકોએ ફોન કરીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કર‌ી હતી. લોકોના જણાવ્યા પ્રમાણે ઘટનાને અંજામ આપ્યા બાદ નકસલીઓ માઓવાદ ઝિંદાબાદના નારા લગાવતા બિહાર તરફ ફરાર થઇ ગયા હતા.

છત્તરપુરના ડીએસપી શંભુકુમારસિંહે જણાવ્યું હતું કે માઓવાદીઓએ ભાજપ કાર્યાલયને બોમ્બ વિસ્ફોટ કરીને ફૂંકી મારતા કાર્યાલયની ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે એ વખતે કાર્યાલયમાં કોઇ હાજર નહીં હોવાથી મોટી ખુવારી નિવારાઇ છે.

હરિહરગંજમાં ભાજપે નેશનલ હાઇવે-૯૮ પર બસસ્ટેન્ડ નજીક એક ચૂંટણી કાર્યાલય બનાવ્યું હતું. પાલમનો આ વિસ્તાર સરહદી રાજ્ય બિહાર સાથે જોડાયેલો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘટના સ્થળથી પોલીસ સ્ટેશન માત્ર ૪૦૦ મીટરના અંતરે આવેલું છે, પરંતુ નકસલવાદીઓએ રાતના અંધારાનો ગેરલાભ ઉઠાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

હરિહરગંજનો આ વિસ્તાર નકસલ પ્રભાવિત છે. અહીં નકસલીઓ અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી ચૂકયા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં સરકારી ભવનને બ્લાસ્ટથી ઉડાવવાની ઘટનાથી લઇનેે પોલીસ સ્ટેશન પર હુમલાની ઘટનાઓ ઘટી ચૂકી છે.

You might also like