સુરક્ષા દળના વધતાં પ્રભુત્વથી નકસલીઓની ઘટી તાકાત

રાયપુર: સુરક્ષા દળોનાં વધતાં જતાં પ્રભુત્વથી દેશના વિવિધ રાજ્યમાં સક્રિય રહેલા નકસલીઓની તાકાત ઘટી ગઈ હોવાનું દસ રાજ્યના ૧૦૬ જિલ્લામાં સક્રિય રહેલા નકસલીઓ માની રહ્યા છે.નકસલીઓ કબૂલે છે કે ૨૦૧૭ના દસ મહિનામાં તેમને મોટો ઝટકો લાગ્યો છે. આ સમયમાં તેના ૧૪૦ સાથી સુરક્ષા દળોના હાથે ઠાર મરાયા છે. જેમાં ૩૦ મહિલા પણ સામેલ હતી. આવી માહિતી પિપલ્સ લિબરેશન ગોરીલા આર્મી( પીએલજીએ)ના સ્થાપના દિવસ પૂર્વે નકસલીઓના કેન્દ્રિય સેના પંચ તરફથી જારી કરાયેલા નિવેદનમાં આપવામાં આવી છે.

ઈ મેઈલ દ્વારા મીડિયા સમક્ષ જારી કરાયેલા નિવેદનમાં નકસલીઓએ કબૂલાત કરી છે કે સુરક્ષા દળોએ તેમને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ મેઈલમાં તેલંગાણામાં બે, આંધ્ર-ઓડિશા બોર્ડરમાં સાત, ઓડિશા અને પશ્વિમ બંગાળમાં બે બે, અને પશ્વિમ ખીણમાં એકનું મોત થયાનું સ્વીકારાયું છે. માર્યા ગયેલાઓમાં તેમના ડિવિઝન અને ઝોનલ કક્ષાના નેતા પણ સામેલ છે.

નકસલીઓના નિવેદનમાં પ્રભાવિત વિસ્તારોમાં ચલાવવામાં આવી રહેલાં અભિયાન સમાધાન(૨૦૧૭-૨૦૨૨)નો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ ૨૦૧૪થી સતત સુરક્ષા દળો દ્વારા થતા હુમલાની વાત પણ સ્વીકારાઈ છે. તેમજ જણાવવામાં આવ્યુ છે કે ૨૦૧૬ની સરખામણીએ આ વર્ષના ૧૦ માસમાં સુરક્ષા દળો તરફથી હુમલા વધતા મોટી માત્રામાં હથિયાર અને કારતૂસ કબજે કરી લેવાતાં નકસલીઓને ભારે નુકસાન થયું છે.

દરમિયાન નકસલીઓએ પીએલજીએમાં ભરતી માટે અપીલ કરી છે. પોલીસના ગુપ્તચર વિભાગના સૂત્રોએ દાવો કર્યો છે કે છેલ્લાં ત્રણ ચાર વર્ષમાં સતત હુમલા અને સાથીઓના આત્મસમર્પણથી સંગઠન નબળું પડી ગયું છે. તેનાથી સાથીઓની સંખ્યા ઘટી ગઈ છે. નકસલીઓએ તેમના દ્વારા આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં બિહાર અને ઝારખંડમાં તેમણે ૪૦ હુમલા કરતાં તેમાં ૧૨ પોલીસ જવાનનાં મોત તેમજ સાત જવાનને ઈજા પહોંચાડ્યાનો તથા એક નેતા સહિત ૧૦ અન્ય લોકોની હત્યા કર્યાનો દાવો કર્યો છે.

You might also like