નવાઝ શરીફ અને મરિયમ લંડનથી પાક. આવવા રવાનાઃ લાહોર પહોચતાં જ થશે ધરપકડ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ પોતાની પુત્રી મરિયમ સાથે પાકિસ્તાન પરત આવવા લંડનથી આજે સવારે રવાના થઇ ગયા છે. પાકિસ્તાનની ન્યૂૂઝ વેબસાઇટ ડોન અનુસાર નવાઝ અને મરિયમ આજે સાંજે ૬.૧પ કલાક સુધીમાં લાહોરના અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. બંને એતિહાદ એરવેઝની ફલાઇટ ઇવાય-ર૪૩ દ્વારા વાયા અબુધાબી થઇને લાહોર પહોંચશે.

લંડનથી રવાના થતાં પહેલાં મરિયમે ટ્વિટર પર તસવીરો શેર કરી હતી. એક તસવીરમાં બંને કુલસુમ નવાઝથી વિદાય લેતાં જોવા મળી રહ્યા છે, કે જેઓ લંડનની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ અને મરિયમની લાહોર એરપોર્ટ પર પહોંચતાં જ ધરપકડ કરી લેવામાં આવશે અને ત્યાંથી એરલિફટ કરીને હેલિકોપ્ટર દ્વારા ઇસ્લામાબાદ લઇ જવાશે. આ માટે પાકિસ્તાનમાં બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે.

એક બાજુ નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન તેમના વતન વાપસીને લઇને લાહોરમાં મોટી રેલીનું આયોજન કરવા જઇ રહી છે અને બીજી બાજુ વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનના નેશનલ એકાન્ટેબિલિટી બ્યૂરો (નેબ)એ બે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે જેના દ્વારા બંનેેને એરપોર્ટની અંદરથી જ ધરપકડ કરીને એરલિફટ દ્વારા જેલ મોકલાશે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના અહેવાલ અનુસાર એક હેલિકોપ્ટર લાહોર એરપોર્ટ પર અને બીજું હેલિકોપ્ટર ઇસ્લામાબાદ એરપોર્ટ પર તહેનાત કરવામાં આવશે કે જેથી બેમાંથી કોઇ પણ સ્થળે નવાઝ શરીફ અને તેમની પુત્રી આવે તો તેમની ધરપકડ કરી શકાય. લાહોર ખાતે પીએમએલ-એન દ્વારા મોટી રેલીનાં આયોજનને લઇને તકેદારીનાં પગલાંરૂપે પાકિસ્તાનમાં પીએમએલ-એનના ૧૦૦થી વધુ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે.

અહેવાલો અનુસાર શરીફ અને મરિયમને અડિયાલા જેલમાં રાખવામાં આવી શકે છે. નવાઝ શરીફે પાકિસ્તાન પરત આવવા રવાના થતા પહેલાં લંડન ખાતે જણાવ્યું હતું કે હું પરવેઝ મુશર્રફ નથી કે છુપાઇને કાયરની જેમ વિદેશમાં બેઠો રહું. મારી વિરુદ્ધ જેમણે સાજિશ કરી છે તેઓ દેશ સાથે મેલી રમત રમી રહ્યા છે.

૧૯૭૧માં પણ આવો જ ખેલ ખેલવામાં આવ્યો હતો જ્યારે દેશના બે ટુકડા થઇ ગયા હતા. નવાઝ શરીફના માતા બેગમ શમીમ અખ્તરે પણ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે મારો પુત્ર નવાઝ શરીફ નિર્દોષ છે અને જો તેને જેલમાં મોકલવામાં આવશે તો હું પણ તેની સામે જેેલમાં જઇશ.

અત્રે ઉલ્લેખનીય છે કે પનામા પેપર લીક બાદ નવાઝ શરીફ વિરુદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચારના ત્રણ કેસમાંથી એક (એવેન ફિલ્ડ પ્રોપર્ટી કેસ)માં તેમને થોડા દિવસ પહેલાં જ પાકિસ્તાનની એક ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે ૧૧ વર્ષની કેદની સજા ફટકારી હતી અને આ કેસમાં તેમની પુત્રી મરિયમને સાત વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી.

You might also like