આતંકીઓનો સફાયો કરો, નહીંતર આપણે એકલા પડી જઈશુંઃ નવાઝ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની નવાઝ શરીફ સરકારે પ્રથમવાર મિલિટરી લિડરશિપને કડક ચેતવણી આપી છે. નવાઝ શરીફ સરકારે લશ્કરને જણાવ્યું છે કે આતંકીઓનો સફાયો કરો નહીંતર આપણે દુનિયામાં સાવ એકલા અટુલા પડી જઈશું. જો આતંકીઓનો સફાયો કરવામાં નહીં આવે તો પાકિસ્તાનને અલગ પાડતું કોઈ રોકી શકશે નહીં.

પાકિસ્તાન સરકાર સ્પષ્ટ કરી દીધું છે કે આતંકી જૂથો સામે કાર્યવાહીમાં લશ્કર અને ઈન્ટેલિજન્સની કોઈ દખલગીરી થવી જોઈએ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ઉરી આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને રાજદ્વારી રીતે એકલું પાડી દેવાની કૂટનીતિ અપનાવી છે. ભારતને આ કૂટનીતિમાં ચોમેરથી સમર્થન મળી રહ્યું છે. ભારતની આ રણનીતિને પગલે સાર્કના આઠ સભ્ય રાષ્ટ્રોમાંથી પાંચ દેશે પાકિસ્તાનનો બહિષ્કાર કરીને સાર્કમાં હાજરી આપવા ઈન્કાર કરતાં સાર્કની બેઠક રદ કરવી પડી હતી.

પાક. અંગ્રેજી દૈનિક ‘ડોન’ના અહેવાલ અનુસાર પાક.માં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બે એકશન પ્લાન નક્કી કરવામાં આવ્યા છે. પ્રથમ એકશન પ્લાન અનુસાર આઈએસઆઈના ડી.જી. જનરલ રિઝવાન અખ્તર અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નસીર જંજુઆ ચારેય પ્રાંતનો પ્રવાસ કરશે. તેના દ્વારા એવો સંદેશ આપવામાં આવશે કે લશ્કરના વડપણ હેઠળ ચાલતી ઈન્ટેલિજન્સ એજન્સીઓ આતંકી જૂથો સામેની કોઈ પણ પ્રકારની કાર્યવાહીમાં દખલ કરશે નહીં. અખ્તર તો લાહોરના પ્રવાસે નીકળી પણ ગયા છે.

બીજા એકશન પ્લાન અનુસાર નવાઝ શરીફે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પઠાણકોટ હુમલાની નવેસરથી તપાસ કરવામાં આવે. સાથે સાથે રાવલપિંડીની ત્રાસવાદ વિરોધી અદાલતમાં ચાલી રહેલ મુંબઈ હુમલા કેસની ખટલાની કાર્યવાહી ફરીથી ચાલુ થશે. તાજેતરમાં પંજાબ પ્રાંતના સીએમ શાહબાઝ શરીફ (નવાઝ શરીફના ભાઈ) અને રિઝવાન અખ્તર વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી અને ત્યાર બાદ આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સોમવારે પાકિસ્તાનના વિદેશ સચિવ એઝાઝ ચૌધરીએ પીએમઓ અને લશ્કરના અધિકારીઓને અલગથી પ્રેઝન્ટેશન આપી હતી. નવાઝ શરીફ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમાં ભારત સાથેના તાજેતરના ઘટના ક્રમ અને અન્ય દેશો સાથેના રાજદ્વારી સંબંધો અંગે ચર્ચા થઈ હતી.

ચર્ચામાં મુખ્ય વિષય એ હતો કે પાકિસ્તાન હવે વિશ્વ સમુદાયથી સાવ એકલું અટુલું પડી ચૂક્યું છે. અમેરિકાના મુદ્દે ચૌધરીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેના આપણા સંબંધોમાં સતત ઘટાડો થયો છે. તેનું કારણ એ છે કે અમેરિકાની માગણી છે કે હકાની સહિતના આતંકી નેટવર્ક સામે પાકિસ્તાન કાર્યવાહી કરે.ચૌધરીએ એવું પણ જણાવ્યું હતું કે એવી પણ માગણી છે કે પઠાણકોટ હુમલાની તપાસ પૂરી કરવામાં આવે અને જૈશ એ મહંમદ જેવાં આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવે.

You might also like