પત્નીના જનાજામાં સામેલ થવા નવાઝ શરીફને 12 કલાકની પેરોલ મળી

લાહોર: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને ભ્રષ્ટાચારના આરોપમાં સજા કાપી રહેલ નવાઝ શરીફ, તેમનાં પુત્રી મરિયમ નવાઝ અને તેમના જમાઇ કેપ્ટન (નિવૃત્ત) મોહંમદ સફદરને શરીફનાં પત્ની કુલસુમ નવાઝના લાહોર ખાતે અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે ૧ર કલાકના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે અને ૧ર કલાક માટે તેમને જેલમાંથી છોડવામાં આવ્યા છે. દિવંગત બેગમ કુલસુમના શુક્રવારે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

નવાઝ શરીફનાં પત્ની કુલસુમ નવાઝનું લંડન ખાતે અવસાન થયું હતું. તેમનો લંડનની હો‌સ્પિટલમાં કેન્સરની બીમારીનો ઇલાજ ચાલી રહ્યો હતો. તેમના મૃતદેહને આજે લાહોર લાવવામાં આવ્યો હતો અને લાહોર ખાતે તેમના અં‌િતમ સંસ્કાર કરવામાં આવશે.

જેલમાંથી ૧ર કલાકની મુક્તિ મળ્યા બાદ નવાઝ શરીફ પોતાનાં પુત્રી મરિયમ અને જમાઇ સાથે રાવલપિંડીના નુરખાન એરબેઝથી લાહોર પહોંચી ગયા છે. શરીફનાં પત્નીના અંતિમ સંસ્કારની વિધિ શરીફ ફેમિલીના લાહોર સ્થિત આવાસમાં કરવામાં આવશે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના પ્રવકતા મરિયમ ઔરંગઝેબે જણાવ્યું હતું કે નવાઝના ભાઇ શાહબાજ શરીફે પંજાબ સરકાર સમક્ષ અરજી દાખલ કરીને તેમને પાંચ દિવસના પેરોલ આપવાની માગણી કરી હતી. પરંતુ પંજાબ સરકારે શાહબાજની આ માગણીને માન્ય નહીં રાખીને માત્ર ૧ર કલાકના પેરોલ પર જ મુકત કર્યા છે.

તેમણે જણાવ્યું હતું કે અમને આશા છે કે પેરોલની આ મુદતને લંબાવવામાં આવશે. લાહોરમાં બેગમના સુપુર્દ-એ-ખાક બાદ લંડનમાં તેમની સ્મૃતિમાં શોકસભાનું આયોજન કરવામાં આવશે.

લાહોરમાં પાકિસ્તાનના પૂર્વ મહિલા તરીકે તેમના યોગ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કુલસુમ નવાઝનો ઇલાજ લંડનની હાર્વેસ્ટ સ્ટ્રીટ ક્લિનિકમાં જૂન-ર૦૧૭થી ચાલી રહ્યો હતો. સોમવારથી તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા.

You might also like