સેકસ ચેન્જ કરાવનાર નૌસેનાના નાવિક મનીષ ગીરીએ નોકરી ગુમાવવી પડી

નવી દિલ્હી: નૌસેનાના નાવિક મનીષ ગીરીને સેકસ ચેન્જ કરાવવાના કારણે નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો છે.નૌસેના તરફથી આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે મનીષ ગીરીએ તેની રજા દરમિયાન કોઈ ખાનગી ફેસિલિટીમાં સેકસ ચેન્જની સર્જરી કરાવી હતી. આ કામ તેણે તેની મરજીથી કર્યું હતું. જેને બાદમાં બદલી શકાતું નથી.

આ અંગે વધુમાં જણાવવામાં આવ્યું છે કે નૌસેનામાં ભરતી બાદ સેનામાં સામેલ થતી વખતે તેની જે લૈંગિક સ્થિતિ હતી તેમાં તેણે ફેરફાર કરાવીને ભરતીના નિયમ અને તેની નિમણૂકની યોગ્યતાના માપદંડને તોડયા છે. વર્તમાન નિયમ મુજબ નાવિકને લૈંગિક સ્થિતિ, મેડિકલ સ્થિતિ અને ભરતી સંબધી નિયમોના કારણે તેને ફરજમાં ચાલુ રહેવાની પરમિશન આપી શકાય તેમ નથી. તેને સત્તાવાર રીતે ફરજ પરથી હટાવી દેવામાં આવે છે. આ પગલું નૌસેનાના એ નિયમ હેઠળ લેવામા આવ્યું છે. જેની જોગવાઈ મુજબ એ જણાવી દેવામાં આવે છે કે તેમની સેવાની કોઈ જરૂર રહી નથી. નૌસેનામાં નાવિકના પદ પર માત્ર પુરૂષની જ નિમણૂક થાય છે. નૌસેનાને આ રીતે પહેલીવાર આવા કોઈ કેસનો સામનો કરવો પડ્યો છે.

થોડા દિવસ પહેલા મીડિયા સાથેની વાતમાં મનીષ ગીરીએ જણાવ્યું હતું કે તે પુરુષ તરીકે જન્મ્યો હતો. સાત વર્ષ પહેલાં તે પૂર્વ નેવલ કમાનના મરિન એન્જિનિયરિંગ વિભાગમાં સિપાઈ તરીકે નોકરીમાં જોડાયો હતો. ૨૦૧૬માં તેણે વિઝાગમાં એક તબીબ સાથે વાત કરી તેણે પોતાનો ઈલાજ કરાવ્યો હતો.

You might also like